વતનનો તલસાટ – રમણિક અરાલવાળા
ગાળી લાંબો સમય દૂરનાં દોહ્યલાં પાણી પી પી,
જાવા હાવાં જનમભૂમિએ પ્રાણ નાખે પછાડા.
કૂવાકાંઠે કમરલળતી પાણીઆરી, રસાળાં,
ક્ષેત્રે ક્ષેત્રે અનિલલહરે ડોલતાં અન્નપૂર્ણા,
હીંડોળંતાં હરિત તૃણને ખંતીલા ખેડૂતોનાં
મીઠ્ઠાં ગીતો, ગભીર, વડલા, શંભુનું જીર્ણ દ્હેરું,
વાગોળંતાં ધણ, ઊડી રહ્યો વાવટો વ્યોમ ગેરુ,
ઓછીઓછી થતી ભગિની, લંગોટિયા બાલ્ય ભેરુ :
ઝંખી નિદ્રા મહીં ઝબકતો, જાગતાં નિંદ લેતો.
ઘેલા હૈયા! સહુય મળશે; કિન્તુ કાલાગ્નિમાંથી
સંભાળેલા સ્મૃતિસુમનના સારવેલા પરાગે
સીંચ્યું મોંઘા મધુપુટ સમું મ્હોડું ક્યાં માવડીનું?
વ્હાલી તોયે જનનીહીણ એ જન્મભૂમિ ન તોષે,
જીવું કલ્પી જનનીસહની જન્મભૂમિ વિદેશે.
– રમણિક અરાલવાળા
શીર્ષકના બે શબ્દોમાં આખા સૉનેટનો સાર સમાયો છે. બહુ લાંબો સમય વિદેશમાં રહ્યા બાદ કથકના પ્રાણ જન્મભૂમિ જવા માટે ધમપછાડા કરે છે. સ્વયંની વર્તમાન પરિસ્થિતિ વિશે પ્રથમ બે પંક્તિમાં આટલી પૂર્વભૂમિકા બાંધ્યા બાદ કવિની યાદોમાં વર્ષો પહેલાંનું વતન સજીવન થાય છે. કૂવાકાંઠે પાણી ભરતી પાણિઆરીઓ, ખેતરોમાં પવનની લહેરખીથી ડોલતાં અન્નપૂર્ણા જેવા ડૂંડા, ખંતીલા ખેડૂતોના મીઠાં ગીતો. વડનું ઝાડ, શંકર ભગવાનનું જૂનું દેરું, ગાયોનાં ધણ, મંદિર પર ફરકતી ગેરુ ધજા, અપાર વહાલ વરસાવતી બહેન અને લંગોટિયા દોસ્તો- કવિએ સંયમિત કલમે ગ્રામ્યજીવનને બહુ સુપેરે ઉપસાવ્યું છે.
વિદેશમાં વ્યથિત હૃદયને ઊંઘવાના સમયે ઊંઘ બરાબર આવતી ન હોવાથી જાગવાના સમયે ઝોકાં આવે છે. પોતાના વતનઘેલા હૈયાને ટપારતા કથક કહે છે, વતન જવા મળશે ત્યારે બધું જ મળશે, પણ કાલાગ્નિ ઓહિયા ન કરી જાય એ રીતે એનાથી સાચવીને રાખેલ સ્મૃતિસુમનમાંથી સારવેલ પરાગરજ થકી જેનું સિંચન કર્યું છે એ માવડીનું મોંઘા મધુપુટ સમું મોઢું વતનમાં ક્યાં જોવા મળશે? હન્મભૂમિ ગમે એટલી વહાલી કેમ ન હોય, પણ જનની વિનાની જન્મભૂમિ હૈયાને સંતોષ નહીં જ આપી શકે. એટલે વતન જઈને માતાની ગેરહાજરીમાં દુઃખી થવા કરતાં તો વિદેશમાં રહીને મા સહિતની જન્મભૂમિની કલ્પના કરીને જીવવું વધુ સારું નહીં?
બાબુ સંગાડા said,
April 29, 2024 @ 12:38 PM
ખૂબ સરસ કવિતાનો આસ્વાદ સાથે કવિને પણ અભિનંદન
ભલે વતનથી દૂર હોવા છતા …બસ વતન તેમના હૈયામાં કેટલુ
તાજુ છે તે વાત સુંદર રીતે રજુ કરી.
Pinki said,
April 29, 2024 @ 9:20 PM
વાહ સરસ…
જન્મભૂમિ અને કર્મભૂમિમાં અટવાયેલાની દ્વિધા સરસ રીતે રજૂ કરી છે.
ધોબીના કૂતરાની જેમ – ના ઘરના કે ઘાટના એન. આર. આઈ
જીવતો હોય છે પણ અંદર ભારત તો જીવતું જ રાખે છે.
Daffodils કે Tulips કે Lavender ફાર્મમાં પણ સરસવ અને કપાસ દેખી ખુશ
થતો હોય છે. મીઠો લીમડો કે તુલસી કૂંડામાં માંડ માંડ સાચવી લેતો હોય છે,
જેમ ખુદ ને સાચવીને ઉગાડતો હોય છે એમ જ.
પણ મજા લઈ લેવી જ્યાં હોઈએ ત્યાં રહેવાની !!
Poonam said,
April 30, 2024 @ 12:22 PM
વ્હાલી તોયે જનનીહીણ એ જન્મભૂમિ ન તોષે,
જીવું કલ્પી જનનીસહની જન્મભૂમિ વિદેશે.
– રમણિક અરાલવાળા 👌🏻
Dhruti Modi said,
May 2, 2024 @ 3:32 AM
કાવ્ય સોનેટ જેવું લાગ્યું ! કથકને વિદેશમાં રહી હવે જન્મભૂમિની યાદ સતાવે છે તે સાથે કવિએ જન્મભૂમિનું સુંદર ચિત્ર દોર્યુ છે ત્યાં સુધી તો દેશ જવાની વાત નક્કી હતી જ પણ…..
માતા વિનાની એ ભૂમિ પર શેં રહેવાશે એ વિચારે પ્રવાસ પડતો મુક્યો ! માતૃભૂમિ અને માતા વિનાની, માતૃભૂમિ ………. ના ના!
વિવેક said,
May 3, 2024 @ 5:48 PM
@ધ્રુતિ મોદી :
સૉનેટ જ છે… શીર્ષક નીચે કાવ્યપ્રકાર ઇંગિત કર્યો છે…
ખૂબ ખૂબ આભાર