હાથ લંબાવી, લે ઝીલી લે મને,
આભથી વરસે છે જે એ હું જ છું.
વિવેક મનહર ટેલર

‘સંતરાની માફક પૃથ્વીને આમ નિચોવ્યા જ ન કરાય…*’ – હરીશ મીનાશ્રુ

પૃથ્વીના ગોળાને કોણ રે નિચોવે આમ ગળચટ્ટા સંતરાની જેમ
રસની પિયાલી ઢીંચી મત્ત બને કોણ, કોણ ફેંકાતું છોતરાની જેમ

ખાય અન્નદાતા તો રૈયતને ઓડકાર
ખાવાનાં નીકળ્યાં ફરમાન ઘણી ખમ્મા હો
થૂલીને ગણવો કંસાર અને કુશકીને
રાજીખુશીથી ગણો ધાન ઘણી ખમ્મા હો
ગંગુ તેલી ને હતો એક રાજા ભોજ રે
વેળા વીતે ને વધે વારતાનો બોજ રે
વેંઢાર્યે જાવ આવા ઇશ્વરને જીવતરમાં ભારે સંપેતરાની જેમ
પૃથ્વીના ગોળાને કોણ રે નિચોવે આમ ગળચટ્ટા સંતરાની જેમ

ખેતર તોળાઈ ગયાં દાણીને ત્રાજવે
ને ધરમીને ઘેર પડી ધાડ ઘણી ખમ્મા હો
આગિયાને તાપણે ટોળે વળીને લોક
હેમાળે ગાળે છે હાડ ઘણી ખમ્મા હો
ઠેકાણે લાવવાને કક્કાની સાન રે
સંતરીના પહેરાની હેઠળ જબાન રે
રાંકનાં તે ગીત કેમ ગાવાં, ભાષા તો પડી ઊંધા છબોતરાંની જેમ
પૃથ્વીના ગોળાને કોણ રે નિચોવે આમ ગળચટ્ટા સંતરાની જેમ

– હરીશ મીનાશ્રુ
(*સ્મરણપુણ્ય : પોપ ફ્રાન્સિસ)

ત્રણ-ચાર વર્ષ પહેલાં પોપ ફ્રાન્સિસે એક વક્તવ્યમાં પૃથ્વી અને પર્યાવરણ પર તોળાઈ રહેલા ખતરાથી બચવા માટે પૃથ્વીને સંતરાની જેમ નિચોવ્યા કરવાનું બંધ કરવાનો વિશ્વવ્યાપી સંદેશો આપ્યો હતો. કવિ એ સંદેશાને ધ્રુવકડીમાં સાંકળી લઈને કેવું મજાનું વ્યંગગીત રચે છે એ જોવા જેવું છે. ગીતમાંથી પસાર થતી વખતે કરસનદાસ માણેકની ‘મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે’ ગઝલ અવશ્ય યાદ આવશે.

વીસ ટકા અમીરો દુનિયાના એંસી ટકા સંસાધનો વાપરે છે. બાકીના વીસ ટકા ગરીબોને તો દોઢ ટકો સંસાધન પણ નસીબ થતાં નથી. વધારે ચોંકાવનારો આંકડો તો પ્રદૂષણ બાબતનો છે. દુનિયાના એક જ ટકો અમીરો દુનિયાના બે તૃત્યાંશ પ્રદૂષણ માટે જવાબદાર છે. આ શુષ્ક આંકડા કાવ્યસ્વરૂપ ધારે તો આવું ગીત લખાય.

2 Comments »

  1. chetan shukla said,

    April 20, 2024 @ 8:25 AM

    કવિતાની તાકાત અને કવિની નિસબતની તાકાતનું આ સમિશ્રણ કેટલું અનોખું છે.
    કવિને અભિનંદન
    અને લયસ્તરોને ખાસ શુભેચ્છાઓ કે આવી કવિતાઓ ભાવકો સુધી પહોંચાડવામાં સતત નિમિત્ત બનતું રહે છે.

  2. DILIP MEHTA said,

    April 25, 2024 @ 6:42 AM

    સુંદર કાવ્ય

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment