છૂટા પડતા- – સુરેશ હ. જોષી
(શિખરિણી)
જતી વેળા એણે ઘડી નજીક બેસી કહ્યું ધીમે:
“ઘડી ભૂલી આજે સકળ દિલનાં દર્દ સખીરી!
જરા ગાઈ લેને મધુ હલકથી ગીત ગમતાં!’
જગાડ્યું ઢંઢોળી જડવત બનેલું હૃદય મેં
છતાં ના કૈં સૂઝયું! મથી મથી રુંધી ભીષણ વ્યથા,
મીઠાં આછાં સ્મિતે નયન છલકાવ્યાં, શી છલના!
…અને સૂરો છેડયા, રહી સહી ધરી દીધી સુષમા.
અધૂરા સૌ કોડો સળવળી ઊઠ્યા, સ્વપ્ન મ્હેક્યાં,
અષાઢી આકાશે ઝળકી વીજળી, મેઘ ઉલટ્યા,
હવા નાચી ઊઠી લઘુક શિશુશી મુગ્ધ તરલા,
અરે, આ તે કેવી ભરતી ઉમટી, લોઢ ઉછળ્યા!
મદે ઘેલું હૈયું પરવશ બનીને ઢળી પડ્યું.
પછી જાગી ત્યારે નયન ધૂંધળાં, ના કશું લહ્યું!
શમી ગૈ સૌ લીલા, કમનશીબ હૈયું ઝૂરી રહ્યું!
– સુરેશ હ. જોષી
બે જણ અલગ પડે અથવા થવું પડે એની પાછળ અનેક કારણ હોઈ શકે. કાયમી વિદાયની પળ આમ તો બંને પ્રિયજન માટે હૃદયવિદારક જ હોવાની, છૂટાં થતી વખતે પુરુષ ઘડીભર માટે સ્ત્રીની નજીક બેસીને ધીમા અવાજે સખીરી સંબોધન કરીને દિલનાં સઘળાં દર્દોને ઘડી માટે વિસારે પાડી દઈ મધુ હલકથી ગમતાં ગીત ગાવાને ઈજન આપે છે. અચાનક મળેલા આ નેહનિમંત્રણના કારણે સ્ત્રી આવી પડનાર જુદાઈના અસહ્ય ઘાથી જડ થઈ ગયેલ હૃદયને ઢંઢોળીને જગાડે તો છે, પણ શું ગાવું એ સૂઝતું નથી. હયાતી ફરતે નાગચૂડ જમાવતી ભીષણ વ્યથાને યત્નપૂર્વક રૂંધી દઈ એ સજળ નેત્રે મીઠું આછું સ્મિત વેરે છે, બસ! પણ દિલ તો ચીસ પાડીને પોકારે છે કે આ છલના છે. આખરે ત્યક્તા સૂર છેડી રહી સહી શોભા પણ જનારના ચરણે ધરવામાં સફળ થાય છે. હોઠેથી ગીત ફૂટતાવેંત અધૂરા અરમાનો સળવળી ઊઠે છે, સ્વપ્નો મહેંકવા લાગે છે. અષાઢી કાળાભમ્મર આકાશમાં વીજચમકારનો અજવાસ પથરાઈ વળે છે અને બાંધ્યા બંધ તૂટી પડ્યા હોય એમ મેઘો વરસવા માંડે છે. નાના શિશુ સમી મુગ્ધ અને ચંચળ હવા નર્તન કરવા માંડે છે. આભ આંબતા મોજાં ઊછળે એવી પ્રચંડ ભરતી અનુભવતું હૈયું મનના માણીગરને પરવશ થઈ ઢળી પડે છે.
સૉનેટની પ્રથમ બાર પંક્તિઓ વાંચીએ ત્યાં સુધી તો આપણને એમ જ લાગે કે છૂટા પડતા બે આપ્તજનો વચ્ચેની સ્નેહની કડી પુનર્જીવિત થઈ ગઈ છે. પણ ખરો વળાંક તો ત્યાર પછી આવે છે. આખરી બે કડીમાં સાચા અર્થમાં આઘાતજનક રહસ્યસ્ફોટ થાય છે. નાયિકા ‘પછી જાગી ત્યારે’ કહે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે અત્યાર જનારો તો ક્યારનો સિધાવી ચૂક્યો છે. આપણે જે માણ્યું એ તો સ્વપ્નમાત્ર હતું. આંસુથી ભરેલી આંખોથી જીવન ધૂંધળું દેખાય છે, પણ નાયિકા આંસુ લૂછતી નથી. શમણાંની બધી લીલા આખરે શમી ગઈ. હવે કમનસીબ હૈયાના હિસ્સે ઝૂરવા સિવાય કશું જ બચ્યું નથી. કવિએ અહીં કેવળ ત્યક્તાની વેદનાને જ વાચા આપી હોવાથી એને છોડીને જનાર પુરુષે કોઈ તકલીફ અનુભવી હશે કે કેમ એ કેવળ ધારણાનો વિષય જ બની રહે છે.
કેવું અદભુત સૉનેટ!
Lata hiranni said,
May 4, 2024 @ 12:49 PM
ખરેખર અદભૂત કાવ્ય