ઉદાસી ત્યજી સળ પથારીના જાગે,
ખબર તારી જ્યાં આવી વહેલી સવારે.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સુરેશ હ. જોશી

સુરેશ હ. જોશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




છૂટા પડતા- – સુરેશ હ. જોષી

(શિખરિણી)

જતી વેળા એણે ઘડી નજીક બેસી કહ્યું ધીમે:
“ઘડી ભૂલી આજે સકળ દિલનાં દર્દ સખીરી!
જરા ગાઈ લેને મધુ હલકથી ગીત ગમતાં!’
જગાડ્યું ઢંઢોળી જડવત બનેલું હૃદય મેં
છતાં ના કૈં સૂઝયું! મથી મથી રુંધી ભીષણ વ્યથા,
મીઠાં આછાં સ્મિતે નયન છલકાવ્યાં, શી છલના!
…અને સૂરો છેડયા, રહી સહી ધરી દીધી સુષમા.

અધૂરા સૌ કોડો સળવળી ઊઠ્યા, સ્વપ્ન મ્હેક્યાં,
અષાઢી આકાશે ઝળકી વીજળી, મેઘ ઉલટ્યા,
હવા નાચી ઊઠી લઘુક શિશુશી મુગ્ધ તરલા,
અરે, આ તે કેવી ભરતી ઉમટી, લોઢ ઉછળ્યા!
મદે ઘેલું હૈયું પરવશ બનીને ઢળી પડ્યું.

પછી જાગી ત્યારે નયન ધૂંધળાં, ના કશું લહ્યું!
શમી ગૈ સૌ લીલા, કમનશીબ હૈયું ઝૂરી રહ્યું!

– સુરેશ હ. જોષી

બે જણ અલગ પડે અથવા થવું પડે એની પાછળ અનેક કારણ હોઈ શકે. કાયમી વિદાયની પળ આમ તો બંને પ્રિયજન માટે હૃદયવિદારક જ હોવાની, છૂટાં થતી વખતે પુરુષ ઘડીભર માટે સ્ત્રીની નજીક બેસીને ધીમા અવાજે સખીરી સંબોધન કરીને દિલનાં સઘળાં દર્દોને ઘડી માટે વિસારે પાડી દઈ મધુ હલકથી ગમતાં ગીત ગાવાને ઈજન આપે છે. અચાનક મળેલા આ નેહનિમંત્રણના કારણે સ્ત્રી આવી પડનાર જુદાઈના અસહ્ય ઘાથી જડ થઈ ગયેલ હૃદયને ઢંઢોળીને જગાડે તો છે, પણ શું ગાવું એ સૂઝતું નથી. હયાતી ફરતે નાગચૂડ જમાવતી ભીષણ વ્યથાને યત્નપૂર્વક રૂંધી દઈ એ સજળ નેત્રે મીઠું આછું સ્મિત વેરે છે, બસ! પણ દિલ તો ચીસ પાડીને પોકારે છે કે આ છલના છે. આખરે ત્યક્તા સૂર છેડી રહી સહી શોભા પણ જનારના ચરણે ધરવામાં સફળ થાય છે. હોઠેથી ગીત ફૂટતાવેંત અધૂરા અરમાનો સળવળી ઊઠે છે, સ્વપ્નો મહેંકવા લાગે છે. અષાઢી કાળાભમ્મર આકાશમાં વીજચમકારનો અજવાસ પથરાઈ વળે છે અને બાંધ્યા બંધ તૂટી પડ્યા હોય એમ મેઘો વરસવા માંડે છે. નાના શિશુ સમી મુગ્ધ અને ચંચળ હવા નર્તન કરવા માંડે છે. આભ આંબતા મોજાં ઊછળે એવી પ્રચંડ ભરતી અનુભવતું હૈયું મનના માણીગરને પરવશ થઈ ઢળી પડે છે.

સૉનેટની પ્રથમ બાર પંક્તિઓ વાંચીએ ત્યાં સુધી તો આપણને એમ જ લાગે કે છૂટા પડતા બે આપ્તજનો વચ્ચેની સ્નેહની કડી પુનર્જીવિત થઈ ગઈ છે. પણ ખરો વળાંક તો ત્યાર પછી આવે છે. આખરી બે કડીમાં સાચા અર્થમાં આઘાતજનક રહસ્યસ્ફોટ થાય છે. નાયિકા ‘પછી જાગી ત્યારે’ કહે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે અત્યાર જનારો તો ક્યારનો સિધાવી ચૂક્યો છે. આપણે જે માણ્યું એ તો સ્વપ્નમાત્ર હતું. આંસુથી ભરેલી આંખોથી જીવન ધૂંધળું દેખાય છે, પણ નાયિકા આંસુ લૂછતી નથી. શમણાંની બધી લીલા આખરે શમી ગઈ. હવે કમનસીબ હૈયાના હિસ્સે ઝૂરવા સિવાય કશું જ બચ્યું નથી. કવિએ અહીં કેવળ ત્યક્તાની વેદનાને જ વાચા આપી હોવાથી એને છોડીને જનાર પુરુષે કોઈ તકલીફ અનુભવી હશે કે કેમ એ કેવળ ધારણાનો વિષય જ બની રહે છે.

કેવું અદભુત સૉનેટ!

Comments (1)

સવાર (પંતુજીની દૃષ્ટિએ) – સુરેશ જોષી

આજે સવારે બેઠી નિશાળ,
પવન ઘૂંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ.
હારબંધ આ કબૂતર ગોખે
ગઈકાલનો આ પાઠ ઝરોખે;
સવારનો આ ચંદ્ર રાંકડો –
ધ્રૂજતે હાથે લખેલ આંકડો !
સૂર્યકિરણની દોરી રેખા
કોણ, કહોને, માંડે લેખાં ?
આજ સવારે બેઠી નિશાળ,
પવન ઘૂંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ.

– સુરેશ જોષી

દૃષ્ટિ એવી સૃષ્ટિ. પવન હળું હળું મધુમાલતીની ડાળ ઝુલાવતો હોય, કબૂતરો ગોખલામાં કતારબંધ બેસીને ઘૂટરઘૂ કરતાં હોય, સૂર્યકિરણ સૃષ્ટિને અજવાળતું હોય ત્યારે રાતનો રાજા ચંદ્ર રાંકડો થયેલો દેખાય એવી મધુર સવારના સૌંદર્યનો આનંદ કોઈ પંતુજી લેતું હોય ત્યારે? જાણીતા વિવેચક જયા મહેતા આ કવિતાને મૂલવતાં લખે છે, “કુંઠિત દૃષ્ટિથી સવારને જોતા પંતુજી સવારને અને એના સૌંદર્યને ચૂકી જાય છે. કટાક્ષ વગરનો કવિનો કટાક્ષ ભારે વેધક છે. સવારની સૃષ્ટિને એમને રૂપે માણવાને બદલે પંતુજી નિશાળની બંધિયાર હવામાં ગોંધી દે છે એની વાત કરીને કવિ મુક્ત થયા છે.”

Comments (4)

અંધકાર – સુરેશ જોષી

આજે હું તારા અંધકાર સાથે બોલીશ.
તારા હોઠની કૂણી કૂંપળ વચ્ચેનો આછો કૂણો અંધકાર.
તારા કેશકલાપનો કુટિલ સંદિગ્ધ અંધકાર.
તારા ચિબુક પરના તલમાં અંધકારનું પૂર્ણવિરામ.
તારી શિરાઓના અરણ્યમાં લપાયેલા અંધકારને
હું કામોન્મત્ત શર્દૂલની ગર્જનાથી પડકારીશ;
તારા હૃદયના અવાવરુ કૃપણ ઊંડાણમાં વસતા જરઠ અંધકારને
હું ઘુવડની આંખમાં મુક્ત કરી દઈશ;
તારી આંખમાં થીજી ગયેલા અંધકારને
હું મારા મૌનના ચકમક જોડે ઘસીને સળગાવી દઈશ;
વ્રુક્ષ ની શાખામાં ઓતપ્રોત અંધકારનો અન્વય
તારાં ચરણોને શીખવીશ.
આજે હું અંધકાર થઈને તને ભેદીશ.

– સુરેશ જોષી

અહીં ગુહ્ય સાથે લડાઈની વાત છે. સામે પક્ષે માશૂકા પણ હોઈ શકે,પોતાની જાત પણ હોઈ શકે. અંધકાર એટલે અજાણ્યો પ્રદેશ… જ્ઞાનનો અભાવ આજ સુધી ભય પ્રેરતો હતો. અંધકારનો ડર લાગતો હતો. હવે આ ભયને અતિક્રમવા સિવાય કોઈ ઉપાય નથી. તે હું કઈ રીતે કરીશ ? – તેનું વર્ણન શી અદભૂત છટાથી થયું છે અહીં !
‘આજે હું અંધકાર થઈને તને ભેદીશ……’

Comments (2)

સવાર – સુરેશ જોષી

(પંતુજીની દૃષ્ટિએ)

આજે સવારે બેઠી નિશાળ,
પવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ.

હારબંધ આ કબૂતર ગોખે
ગઈ કાલનો પાઠ ઝરોખે;
સવારનો આ ચન્દ્ર રાંકડો –
ધ્રૂજતે હાથે લખેલ આંકડો!
સુર્યકિરણની દોરી રેખા
કોણ, કહોને, માંડે લેખાં?

આજ સવારે બેઠી નિશાળ
પવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ.

– સુરેશ જોષી

ગંભીર કવિ કોઈક વાર હળવું કાવ્ય લખી નાખે ત્યારે વાંચીને આનંદ થઈ જાય છે. અર્થની આંટીઘૂટીને બદલે નિતાંત કુદરતી કાવ્ય  – જાણે ગંભીર ચહેરા પર  અચાનક પ્રસરી વળેલું સ્મિત 🙂

કોઈ વાર એવો વિચાર આવી જાય કે હાસ્ય-વિનોદને આજદીન સુધી આપણે જે હળાહળ અન્યાય કર્યો છે એના પ્રાયશ્ચિતરૂપે બધા કવિ-લેખકોએ દર ત્રણ રચનાએ એક હળવી (હળવી નહીં તો  કમ સે કમ ‘અ-ગંભીર’) રચના કરવી જ પડે એવો કાયદો કરવો જોઈએ.  શું કહેવું  છે ? 🙂 🙂

Comments (2)

વસંત – પાબ્લો નેરુદા (અનુ.સુરેશ જોષી)

પંખી આવી પહોંચ્યું છે
પ્રકાશ આપવા,
એના દરેક ટહુકામાંથી,
જળ જન્મે છે.

અને હવાને ઊખેળતાં જળ અને પ્રકાશ વચ્ચે
હવે વસંતનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
હવે બીજને પોતાનાં પાંગરવાનું ભાન થઈ ચૂક્યું છે;
હવે મૂળ પુષ્પદલ પર બિરાજે છે,
આખરે પુષ્પરજના પોપચા ખૂલ્યાં છે.

આ બધું સિદ્ધ કર્યું એક સાદાસીધા પંખીએ
એક લીલી ડાળ પર બેઠાં બેઠાં.

– પાબ્લો નેરુદા ( અનુ. સુરેશ જોષી )

વસંત કુદરતનું એક બળકટ ષડ્યંત્ર છે. ને એ ષડ્યંત્રનો સમાહર્તા છે એક પંખી !

Spring

The bird has come
to bring light to birth.
From every trill of his,
water is born.

And between water and light which unwind the air,
now the spring is inaugurated,
now the seed is aware of its own growing;
the root takes shape in the corolla,
at last the eyelids of the pollen open.

All this accomplished by a simple bird
from his perch on a green branch.

– Pablo Neruda

Comments (6)

ચૈત્રરાતે – સુરેશ જોષી

ચૈત્રરાતે ચાંદની
એના મૃદુ કરથી લખી ગઈ
આ દેહ પર શા લેખ
તે અંગેઅંગે ફેરવીને અંગુલિ
કૂતુહલથકી ઉકેલવા બેઠો પવન ,
એ સ્પર્શસુખે આ સવારે હું મગન.

– સુરેશ જોષી

જાપાનીઝ કવિતાઓના ઋજુ સૌંદર્યની યાદ અપાવાતી કવિતા. અનુભૂતિની સચ્ચાઈથી જ કવિતાનો ગર્ભ રચાય છે. ને એ સચ્ચાઈ હોય તો કાવ્ય-સૌંદર્ય તો એની મેળી જ ખીલે ઊઠે છે. એમના જ બે સૌંદર્ય-શુદ્ધ લઘુકાવ્યો પણ જોશો.

Comments (4)

સૂર્ય અને ચંદ્ર – સુરેશ જોષી

સૂર્ય

થાકી ગયો મધ્યાહ્નનો સૂરજ
તેજની ડંફાસના બોજાથકી;
જૂઈની કળીને ખભે
ટેકવી માથું શિશુશો ઢળી પડ્યો !

ચંદ્ર

અવાવરુ વાવતણે ઊંડાણે
આ લીલની ઝૂલભરેલ શાન્તિ;
એ ઓઢી પોઢ્યો શિશુ શો અહીં શશી,
સ્વપ્નો ગૂંથેં રેશમી ભાત રે કશી !

– સુરેશ જોષી

બે કાવ્ય-ચિત્રો. જાણે નર્યા સૌંદર્યની બે મીઠી ચૂસકીઓ. શબ્દોની મરકતી મીઠાશ અને વર્ણન-પીંછીના બારીકતમ લસરકાઓથી શોભિત.

Comments (6)

સદૈવ – પાબ્લો નેરૂદા (અનુ. સુરેશ જોષી)

તું મારી મોઢામોઢ ઊભી હોય છે
ત્યારે મને ઈર્ષ્યા થતી નથી.

ભલે ને તારી પાછળ કોઈ એકાદને લઈ આવ,
કે તારા કેશમાં સેંકડોને લઈને આવ,
કે તારાં સ્તન અને ચરણ વચ્ચે હજારોને લઈ આવ,
ડૂબેલાં માણસોથી ભરેલી
નદીની જેમ આવ
જે ક્રુદ્ધ સમુદ્રને જઈને મળે-
અનન્ત ફીણ, ગાંડોતૂર પવન.
હું તારી પ્રતીક્ષા કરું છું ત્યાં
બધાંને લઈ આવ :
તો ય આપણે તો સદા એકલાં જ હોઈશું,
માત્ર આપણે બે જ હોઈશું – તું અને હું,
જીવનનો પ્રારમ્ભ કરવાને,
આ ધરતી પર, એકલાં આપણે બે.

-પાબ્લો નેરૂદા (અનુ. સુરેશ જોષી)

પ્રિયપાત્ર સન્મુખ ઊભું હોય તો આખી દુનિયા જખ મારે છેની વાત કવિ પાબ્લો નેરૂદા કેવી સ-રસ રીતે ચિત્રીત કરે છે! પ્રિયતમા પોતાની સાથે કોઈ એક હરીફને લઈ આવે, સેંકડોને લઈ આવે, હજારોને લાવે કે અનંતને, એમ બિંદુથી શરૂ કરી કવિ સિંધુ સુધી અને વ્યક્તિથી સમષ્ટિ સુધી પહોંચે છે. પણ આ બધાથી પોતાને કોઈ ઈર્ષ્યા કે ખલેલ પહોંચવાની નથી એ એક બાબતમાં પ્રતીક્ષારત કવિ શરૂથી જ સ્વયંસ્પષ્ટ છે. પ્રેમની અલૌકિક તાકાત આખી દુનિયાને વચમાંથી ઓગાળી દે છે અને રહી જાય છે કેવળ તું અને હું થી બનતા આપણે બે!

કવિએ આયાસપૂર્વક કરેલા કવિતાના બે ભાગ પણ ધ્યાનાર્હ બની રહે છે. કવિતાની શરૂઆતમાં બે જ લીટીમાં એક ભાગ અને પછી તેર લીટીના બીજા ટુકડાની યોજના કવિના સ્વથી વિશ્વ સુધીના વિસ્તરણના ભાવજગતને ઉપકૃત  નિવડતા હોય એમ લાગે છે. પહેલી બે લીટીમાં પોતા સુધી સીમિત રહી જતા કવિ બીજા ભાગમાં ખંડની લંબાઈને અનુરૂપ સતત પોતાના પ્રેમને ચકાસનારી શક્યતાઓને પણ વિસ્તારતા રહે છે. કવિતાને લઘુત્તમ અને દીર્ઘત્તમ એમ બે ખંડમાં વહેંચી દેતી આ તરકીબ કવિતાને શું વધુ પ્રાણવંતી નથી બનાવતી?

Comments (17)

કાલે- -સુરેશ હ. જોશી

કદાચ હું કાલે નહિ હોઉં.

કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સૂકવવું બાકી છે.

કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વફ્ળ
હજી મારી ડાળી પરથી ખેરવવું બાકી છે.

કાલે જો સાગર છલકે તો કહેજો કે
મારા હ્રદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરનાં ચૂરેચૂરા કરવા બાકી છે.

કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તડફડે છે.

કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રગટવી બાકી છે.

કદાચ હું કાલે નહિ હોઉં.

-સુરેશ હ. જોશી

Comments (4)