હાસ્યમેવ જયતે : ૦૮ : (લેંઘો-ઝભ્ભો) – ભાવેશ શાહ ‘શહેરી’ અને રમેશ પરમાર ‘ખામોશ’
કેવો જાજરમાન છે લેંઘો, ગુજરાતીની શાન છે લેંઘો,
અમેરિકાની વિઝા ઑફિસ ડરીને કહે છે- બાન છે લેંઘો!
કવિમિત્રોની જાન છે ઝભ્ભો, નેતાની પહેચાન છે ઝાભ્ભો,
લેંઘા સાથે જોડી જામે, જીન્સનું ય અરમાન છે ઝભ્ભો.
લાંબો, ટૂંકો, સાંકળો, પહોળો, દરજીનું વરદાન છે લેંઘો,
એકવચન કે બહુવચન છે ? જ્ઞાનભર્યું બલિદાન છે લેંઘો.
લેંઘા સઘળા મોળા-ધોળા, કેવો જાજરમાન છે ઝભ્ભો,
લેંઘો કાયમ ્નીચે રહેતો, આકાશી ઉડાન છે ઝભ્ભો.
સ્ત્રીઓ જેને પ્લાઝો કહે છે, મૂળભૂત પહેચાન છે લેંઘો,
ટ્રેકપેન્ટ, કેપ્રી, બરમુડા- સૌનો અબ્બુજાન છે લેંઘો.
કવિ થયો તો પહેરી લેવાનો વિધીનું વિધાન છે ઝભ્ભો,
લેંઘા માટે નાડી જોઈએ, પહેરવામાં આસાન છે ઝભ્ભો.
વધુ કડક ને ઘોળો પણ છે, પ્રગતિનું નિશાન છે લેંઘો,
ઝભ્ભા વગર તો ચાલી જાશે… પણ આત્મસન્માન છે લેંઘો.
કવિનો હતો એ ગરીબ રહી ગ્યો, નેતાનો ધનવાન છે ઝભ્ભો,
બાંયો કાપી દો- મોટો થઈ ગ્યો… મોદીજીની શાન છે ઝભ્ભો.
જુઓ તો આસપાસ મળે છે ઝભ્ભો-લેંઘો,
ઉઠામણામાં ખાસ મળે છે ઝભ્ભો-લેંઘો,
લગ્નોમાં તો ક્લાસ મળે છે ઝભ્ભો-લેંઘો,
સાથે બોલો પ્રાસ મળે છે ઝભ્ભો-લેંઘો.
– ભાવેશ શાહ ‘શહેરી’ અને રમેશ પરમાર ‘ખામોશ’