(એ સહેજ દૂર ગયાં) — ભાવેશ શાહ ‘શહેરી’
વિવશતા માપવા માટે એ સહેજ દૂર ગયાં,
કે પાસ આવવા માટે એ સહેજ દૂર ગયાં.
જુલમ કરેલો ખરેખર તો ખુદની જાત પરે,
મને સતાવવા માટે એ સહેજ દૂર ગયાં.
ગણતરી ખોટી પડી, ધારણાથી ઊંધુ થયું,
મમત ઘટાડવા માટે એ સહેજ દૂર ગયાં.
નજીક આવતાંવેંત જ નજર ઝૂકે તો શું થાય,
ધરાર તાકવા માટે એ સહેજ દૂર ગયાં.
પછી તો જાણ થઈ, એની ઓળખાણ થઈ,
પ્રણય પિછાણવા માટે એ સહેજ દૂર ગયાં.
— ભાવેશ શાહ ‘શહેરી’
સરળ લાગતા શેરોમાં કવિએ સંબંધનું સરવૈયું આબાદ કાઢી આપ્યું છે. દૂર જવાને પ્રિયા પાસે આમ કોઈ કારણ નહોતું, કારણ કે બે જણ વચ્ચે પાંગરેલ સંબંધથી કદાચ બંને પક્ષ સંતુષ્ટ જ છે. પ્રણય અને પ્રાપ્તિની ચરમસીમાએ પણ માનવસ્વભાવ શંકાથી પૂર્ણપણે પર નથી રહી શકતો એય જો કે હકીકત છે. અને પુરુષનો સ્વભાવ જ મૂળે ભ્રમરવૃત્તિવાળો. એટલે સ્ત્રી સાશંક તો રહેવાની જ. પોતે બહુ નજીક હોવાથી પ્રેમીની ખરી મનોસ્થિતિનો ખરો તાગ મળતો નથી એ વિચારે પ્રિયતમા સહેજ દૂર જાય છે. ‘સહેજ’ શબ્દ પરથી નજર હટી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. મરીઝે કહ્યું હતું ને, ‘જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.’ દૂર તો જવું છે પણ એટલા નહીં કે પુરુષ પરથી નજર જ હટી જાય અથવા એને બીજે ક્યાંય નજર કરવાની તક મળી જાય. આખી ગઝલ આ સહેજ દૂર જવા પાછળના કારણોનું મજાનું પૃથક્કરણ છે. આસાન જણાતી ભાષામાં કવિએ સંબંધની સંકુલતાની નાડ પકડી બતાવી છે.
મિસરાના અંતે ‘ગયા’ના માથે અનુસ્વાર મૂકાયું છે એ અનુસ્વાર એ વાત પર મતું મારે છે કે ‘એ’ સર્વનામ એક સ્ત્રી માટેનું આદરવાચક સંબોધન છે. સ્ત્રી મોટી વયની હોય અથવા તુંકારે સંબોધન ન કરવું હોય ત્યારે ‘ગઈ’ના સ્થાને ‘ગયા’ વપરાય. પણ માથે અનુસ્વાર મૂકીને ‘ગયાં’ કહો એટલે એ માનાર્થે પ્રયોગ કર્યો ગણાય.