જોઈને ઓળખું છું કોઈને
ક્યાંક ભીતરની પહેચાન લાગે
ભરત વિંઝુડા

(એ સહેજ દૂર ગયાં) — ભાવેશ શાહ ‘શહેરી’

વિવશતા માપવા માટે એ સહેજ દૂર ગયાં,
કે પાસ આવવા માટે એ સહેજ દૂર ગયાં.

જુલમ કરેલો ખરેખર તો ખુદની જાત પરે,
મને સતાવવા માટે એ સહેજ દૂર ગયાં.

ગણતરી ખોટી પડી, ધારણાથી ઊંધુ થયું,
મમત ઘટાડવા માટે એ સહેજ દૂર ગયાં.

નજીક આવતાંવેંત જ નજર ઝૂકે તો શું થાય,
ધરાર તાકવા માટે એ સહેજ દૂર ગયાં.

પછી તો જાણ થઈ, એની ઓળખાણ થઈ,
પ્રણય પિછાણવા માટે એ સહેજ દૂર ગયાં.

— ભાવેશ શાહ ‘શહેરી’

સરળ લાગતા શેરોમાં કવિએ સંબંધનું સરવૈયું આબાદ કાઢી આપ્યું છે. દૂર જવાને પ્રિયા પાસે આમ કોઈ કારણ નહોતું, કારણ કે બે જણ વચ્ચે પાંગરેલ સંબંધથી કદાચ બંને પક્ષ સંતુષ્ટ જ છે. પ્રણય અને પ્રાપ્તિની ચરમસીમાએ પણ માનવસ્વભાવ શંકાથી પૂર્ણપણે પર નથી રહી શકતો એય જો કે હકીકત છે. અને પુરુષનો સ્વભાવ જ મૂળે ભ્રમરવૃત્તિવાળો. એટલે સ્ત્રી સાશંક તો રહેવાની જ. પોતે બહુ નજીક હોવાથી પ્રેમીની ખરી મનોસ્થિતિનો ખરો તાગ મળતો નથી એ વિચારે પ્રિયતમા સહેજ દૂર જાય છે. ‘સહેજ’ શબ્દ પરથી નજર હટી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. મરીઝે કહ્યું હતું ને, ‘જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.’ દૂર તો જવું છે પણ એટલા નહીં કે પુરુષ પરથી નજર જ હટી જાય અથવા એને બીજે ક્યાંય નજર કરવાની તક મળી જાય. આખી ગઝલ આ સહેજ દૂર જવા પાછળના કારણોનું મજાનું પૃથક્કરણ છે. આસાન જણાતી ભાષામાં કવિએ સંબંધની સંકુલતાની નાડ પકડી બતાવી છે.

મિસરાના અંતે ‘ગયા’ના માથે અનુસ્વાર મૂકાયું છે એ અનુસ્વાર એ વાત પર મતું મારે છે કે ‘એ’ સર્વનામ એક સ્ત્રી માટેનું આદરવાચક સંબોધન છે. સ્ત્રી મોટી વયની હોય અથવા તુંકારે સંબોધન ન કરવું હોય ત્યારે ‘ગઈ’ના સ્થાને ‘ગયા’ વપરાય. પણ માથે અનુસ્વાર મૂકીને ‘ગયાં’ કહો એટલે એ માનાર્થે પ્રયોગ કર્યો ગણાય.

12 Comments »

  1. pragnajuvyas said,

    June 15, 2023 @ 6:32 AM

    કવિશ્રી ભાવેશ શાહ ‘શહેરી’ની સુંદર ગઝલ
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    અફલાતુન મક્તા
    પછી તો જાણ થઈ, એની ઓળખાણ થઈ,
    પ્રણય પિછાણવા માટે એ સહેજ દૂર ગયાં.
    એક જ વાક્યમાં આણે સંબંધનું સરવૈયું કાઢી આપ્યું! સ્ત્રીઓની ભૂમિકા વેરવિખેર હોય છે, દીકરી, બહેન, પત્ની, મા, મિત્ર અને બહાર કામ કરવા જતી હોય તો ત્યાંના સંબંધો, અનુભવો વગેરે અનેક સ્તરે તે જીવતી હોય છે .યાદ આવે-જિગર મુરાદાબાદી
    હજારો કુરબતોં પર યૂઁ મેરા મહજૂર હો જાના;
    જહાઁ સે ચાહના ઉનકા વહીં સે દૂર હો જાના.
    ક્યોં જિંદગી કી રાહ મેં મજબૂર હો ગયે
    ઇતને હુએ કરીબ કિ હમ દૂર હો ગયે
    ક્યોં ઇસકે ફૈંસલેં હમેં મંજૂર હો ગયે
    ઇતને હુએ કરીબ કિ હમ દૂર હો ગયે
    પલકોં સે ખ્વાબ ક્યૂઁ ગિરે ક્યૂઁ ચૂર હો ગયે
    ઇતને હુએ કરીબ કિ હમ દૂર હો ગયે

  2. Harsha Dave said,

    June 15, 2023 @ 11:42 AM

    સુંદર ગઝલ….કવિને અભિનંદન 💐
    ધન્યવાદ લયસ્તરો 💐

  3. Susham Pol said,

    June 15, 2023 @ 11:53 AM

    ખૂબ સરસ રચના

  4. રાજેશ હિંગુ said,

    June 15, 2023 @ 11:59 AM

    વાહ.. સરસ એકાકાર ગઝલ…

  5. રિયાઝ લાંગડા (મહુવા). said,

    June 15, 2023 @ 12:56 PM

    ખૂબ સરસ ગઝલ…👌

  6. DILIPKUMAR CHAVDA said,

    June 15, 2023 @ 2:02 PM

    નજીક આવતાંવેંત જ નજર ઝૂકે તો શું થાય,
    ધરાર તાકવા માટે એ સહેજ દૂર ગયાં.
    ક્યા બાત હે કવિ મજાની ગઝલ ને એમા આ શેર તો મસ્ત મજા કરાવી ગયો..
    અભિનંદન કવિશ્રી ને

  7. DILIPKUMAR CHAVDA said,

    June 15, 2023 @ 2:04 PM

    નજીક આવતાંવેંત જ નજર ઝૂકે તો શું થાય,
    ધરાર તાકવા માટે એ સહેજ દૂર ગયાં.
    ક્યા બાત હે કવિ મજાની ગઝલ ને એમા આ શેર તો મસ્ત મજા કરાવી ગયો.. ખરેખર માણવા લાયક ગઝલ ને સાથે રાસાસ્વાદ ની ય મોજ
    અભિનંદન કવિશ્રી ને

  8. Alpa Jariwala said,

    June 15, 2023 @ 9:12 PM

    વાહ… સુંદર ગઝલ.. 👌👌

  9. Hema Janak Shah said,

    June 15, 2023 @ 9:25 PM

    Shaheri ! Just superb.

  10. Poonam said,

    June 16, 2023 @ 11:52 AM

    જુલમ કરેલો ખરેખર તો ખુદની જાત પરે,
    મને સતાવવા માટે એ સહેજ દૂર ગયાં…
    — ભાવેશ શાહ ‘શહેરી’ –
    Aaswad sundar jhinu kantaayu!

  11. લતા હિરાણી said,

    June 16, 2023 @ 4:08 PM

    જેવી સરસ ગઝલ એવો જ ઉત્તમ આસ્વાદ

  12. વિવેક said,

    June 16, 2023 @ 5:42 PM

    ગઝલ તથા આસ્વાદ પસંદ કરનાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment