સમજાતું નથી તારી આ કુદરત શું છે ?
એની તને પરવા અને દહેશત શું છે ?
પાપી છીએ, સંતાડીએ મોઢું તો અમે;
અલ્લાહ ! તને પરદાની જરૂરત શું છે ?
મરીઝ

વનપ્રવેશ – ભાવેશ શાહ ‘શહેરી’

એમ કંઈ વનમાં જવાય નહીં
આંગળીઓ ઝાલીને ચાલતી ઇચ્છાઓ અધવચ્ચે રેઢી મૂકાય નહીં

અંકે પચાસ કહી ઉમરને આંકો પણ ભીતરમાં વાત હોય બીજી
તરવરાટ, થનગનાટ, લોહીનો હણહણાટ રાતોરાત જાય ના થીજી
શાંત પડે અશ્વો ને થાકે અસવાર એવું સાવ કંઈ એકાએક થાય નહીં.

કઈ રીતે, ક્યારે ને કેમ જવું વનમાં એનો મરમ પ્રથમ શોધીયે
લાગણીના નવેનવ રંગીન ખાનામાં ભૂખરાને ફેલાતો રોકીયે
ફાંટ ભરી રંગ લઈ આવેલી જિંદગીને પાછી જા એવું કહેવાય નહીં

એમ કંઈ વનમાં જવાય નહીં
આંગળીઓ ઝાલીને ચાલતી ઇચ્છાઓ અધવચ્ચે રેઢી મૂકાય નહીં

– ભાવેશ શાહ ‘શહેરી’

વધતી વય એ એક આંકડો માત્ર છે. ઉંમર વધવાની સાથે ઇચ્છાઓ ઓછી થઈ જતી નથી. પચાસ વર્ષ પૂરાં થાય અને એકા(વન)ની શરૂઆત થાય એને આપણે ત્યાં વનપ્રવેશ કહી ઓળખાવાય છે. વનપ્રવેશ કરતી વખતની સંવેદનાનું આ સહજ સરળ ગીત કદાચ આપણા સહુનું સંયુક્ત ઊર્મિગાન છે. એકાવનમાં જવાનો અવસર આવે તો કંઈ રાતોરાત ઘડપણ આવી ગયેલું અનુભવાતું નથી. શંકરાચાર્યએ કહ્યું હતું: “वयसि गते कः कामविकारः, शुष्के नीरे कः कासारः |” (વય વીતી જાય પછી કામ ક્યાંથી? જળ સુકાઈ જાય પછી સરોવર ક્યાંથી?) નર્મદે પણ ‘સૂંઘે ન કો કરમાઈ જૂઈ’ એવું કહ્યું હતું. પણ આપણા કવિ વનમાં જતાં પહેલાં કઈ રીતે, ક્યારે અને કેમ જવું એનો આગોતરો તાગ મેળવી લીધા બાદ લાગણીના નવેનવ ખાનાંમાં વૃદ્ધાવસ્થાના ભૂખરા રંગને જે રીતે ફેલાઈ જતો અટકાવવા માંગે છે એ જોઈને આદિ શંકરાચાર્યની જ બીજી સૂક્તિ યાદ આવે છે:

अंगं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् । वृद्धो याति गृहित्वा दण्डं तदपि न मुच्यत्याशापिण्डम् ॥ (અંગ ગળી ગયાં, માથાનાં વાળ સફેદ થઈ ગયાં, મોઢું દંત વિનાનું થઈ ગયું, લાકડી લઈને ચાલવું પડતું હોય તો પણ વૃદ્ધ આશાપિંડને છોડતો નથી.)

વધતી વયના આ ગીતમાં લય ક્યાંક ક્યાંક લથડે છે એ તરફ કવિની સભાનતા અપેક્ષિત છે…

8 Comments »

  1. saryu parikh said,

    October 9, 2020 @ 9:33 AM

    વાહ! આંગળીઓ ઝાલીને ચાલતી ઇચ્છાઓ અધવચ્ચે રેઢી મૂકાય નહીં.

  2. Maheshchandra Naik said,

    October 9, 2020 @ 3:01 PM

    એમ કઈ વનમા જવાય નહી……….
    સરસ વાત કહી છે, વયસ્કોની લાગણી વ્યક્ત કરી છે………
    કવિશ્રીને અભિનદન…….
    આપનો આભાર…..

  3. આસિફ said,

    October 9, 2020 @ 11:26 PM

    વાહ સરસ ગીત

  4. Rajesh Hingu said,

    October 9, 2020 @ 11:29 PM

    વાહ. સરસ ગીત. કવિને અભિનંદન.

  5. muni mehta said,

    October 10, 2020 @ 5:32 AM

    મજા નુ ગેીત્

  6. muni mehta said,

    October 10, 2020 @ 5:34 AM

    મજા નુ ગેીત્…..વા હ્

    મુનિ

  7. pragnajuvyas said,

    October 12, 2020 @ 10:38 AM

    એમ કંઈ વનમાં જવાય નહીં
    આંગળીઓ ઝાલીને ચાલતી ઇચ્છાઓ અધવચ્ચે રેઢી મૂકાય નહીં
    વાહ
    – ભાવેશ શાહ ‘શહેરી’નુ સુંદર ગીત

  8. હરિહર શુક્લ said,

    October 17, 2020 @ 1:16 AM

    સરસ ગીત👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment