તું મને ન શોધ ક્યાંય આસપાસમાં,
હું તને મળી શકું તારા જ શ્વાસમાં.
અંકિત ત્રિવેદી

ગઝલ – ભાવેશ શાહ ‘શહેરી’

બહુ બહુ તો શહેર છોડવા એ ટળવળી શકે
શહેરીની ક્યાં મજાલ ઉચાળા ભરી શકે

એથી લીટીઓ હોય છે કોરી હથેળીમાં
જેને જે લખતાં આવડે જાતે લખી શકે

તો તો જરાય અણગમો દુઃખ પ્રત્યે ના રહે
આવે જો એ જણાવીને સૌ જીરવી શકે

ટોળાની હામાં હા કરે ટોળાની નામાં ના
ટોળામાં એવા લોકને બઢતી મળી શકે

શહેરી તેં શાને જિંદગી ભ્રામક ગણી લીધી
જીવવાની હોય સ્વપ્નમાં એવું બની શકે

– ભાવેશ શાહ ‘શહેરી’

શહેરમાં પેટિયું રળવા આવી ચડ્યા પછી અને શહેરની જિંદગીનો રંગ લોહીમાં ઊતરી ગયા બાદ લાખ ઇચ્છા છતાં શહેર છોડી ન શકનાર શહેરીની વેદના બે જ પંક્તિમાં કવિએ અદભુત રીતે આલેખી છે. આમ તો કવિનું તખલ્લુસ મક્તાના શેરમાં આવે પણ કવિએ અહીં બખૂબી પોતાના તખલ્લુસને મત્લા અને મક્તા-બંનેમાં વણી લીધું છે અને મત્લામાં તો એ દૂધમાં સાકરની જેમ ભળી ગયું છે. હસ્તરેખાઓ વિશે આટલો મજબૂત અને પોઝિટિવ શેર પણ ઘણા લાં…બા અંતરાલ પછી વાંચવામાં આવ્યો. સરવાળે આખી ગઝલ આસ્વાદ્ય બની છે.

કદાચ કવિતા સાથે પનારો પાડતા તમામ કવિઓને મદદરૂપ થાય એમ વિચારીને એક બાબત વિશે તોય જાહેર ટકોર કરવાનું મન થાય છે. કોઈ પણ કવિ પોતાની ભાષા પરત્વે ઉદાસીનતા સેવે એ સરાહનીય નથી. આખી ગઝલમાં જોઈ શકાય છે કે કવિએ કોઈપણ પ્રકારના વિરામચિહ્નો કે અવતરણચિહ્નો પ્રયોજ્યાં નથી અને ક્યાં શું આવશે એ બાબત ભાવકની ભાષાક્ષમતા પર છોડી દીધી છે. આ બાબત પર ધ્યાન આપી શકાય તો સોનામાં સુગંધ ભળે… .

12 Comments »

  1. Sandip Pujara said,

    July 24, 2020 @ 1:08 AM

    સરસ ગઝલ છે, શેર સારા થયા છે
    હસ્તરેખા અને ટોળા વાળા શેર તો લાજવાબ

    પણ “વિરામચિહ્નો કે અવતરણચિહ્નો પ્રયોજ્યાં નથી”
    એ બાબત ખૂંચે ખરી
    કેમ કે વિરામચીહ્નોના અભાવે અથવા ખોટી જગ્યાએ મુકાય તો મિસરાનો અર્થ આખો બદલાઈ જતો  હોય છે …

  2. Chetan Framewala said,

    July 24, 2020 @ 2:32 AM

    સુંદર ગઝલ, ભાવેશ….

  3. Hema Janak Shah said,

    July 24, 2020 @ 3:21 AM

    Shaher na vividh pasa o nu nirikshan, shaheri ni vividh stare mana: sthiti nu khub sundar varnan *Shaheri* ni gazal ma maanava maltu hoy chhe…. Bhavesh ! Bahu j sundar gazal…

  4. દિગંત મેવાડા said,

    July 24, 2020 @ 3:46 AM

    વાહ શહેરી

    સરસ ગઝલ છે.

  5. Vinod Manek, Chatak said,

    July 24, 2020 @ 6:25 AM

    Sanghedautar Gazal, wah Saheri ji

  6. Prahladbhai Prajapati said,

    July 24, 2020 @ 6:31 AM

    સુન્દર્

  7. Bhavesh Shah Shaheri said,

    July 24, 2020 @ 8:02 AM

    ખૂબ ખૂબ આભાર મિત્રો. આ ગઝલમાં વિરામચિન્હો નથી એવું હિન્દુસ્તાની ગઝલોર્માં પણ હોય છે. Rekhta માં તપાસી જુઓ. ભાવકની શેર પામવાની ક્ષમતા હોય તો એ પામશે જ એમ વિચારીને આમ થયું હશે એવું મારું માનવુ છે. એથી મેં પણ વિરામચિન્હો નથી મૂક્યા. જો કે આ બાબત સર્જકને તર્કબદ્ધ જણાય તો જ અમલમાં મૂકે.

  8. હરિહર શુક્લ said,

    July 24, 2020 @ 9:08 AM

    વાહ વાહ 👌💐
    ‘શહેરી’ જી, ગામડિયાની કોઈ ગઝલ પણ આવવા દો 😊

  9. pragnajuvyas said,

    July 24, 2020 @ 9:55 AM

    બહુ બહુ તો શહેર છોડવા એ ટળવળી શકે
    શહેરીની ક્યાં મજાલ ઉચાળા ભરી શકે
    વાહ મસ્ત મત્લા
    કવિશ્રી ભાવેશ શાહ ‘શહેરી’ની મજાની ગઝલ,નો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ

  10. Nilesh Rana said,

    July 25, 2020 @ 9:38 PM

    જેીરવેી સાચો જિરવેી નહિ

  11. વિવેક said,

    July 26, 2020 @ 1:56 AM

    @ નીલેશભાઈ રાણા:
    સાચી વાત છે. ‘જીરવી’ સાચી જોડણી છે. ધ્યાન દોરવા બદલ ખૂબ ખૂબ આભાર…

  12. Kajal kanjiya said,

    July 26, 2020 @ 3:31 AM

    👌👌👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment