હાસ્યમેવ જયતે : ૧૨ : ‘ખુરશી’ મુક્તકો – શેખાદમ આબુવાલા
કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.
* * *
આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ
ચાહી અમે નો’તી છતાં કેવી ઉપાધિ થઈ ગઈ
માર્યા – પછી બાળ્યા – પછી દાટ્યા – પછી ફૂલો ધર્યા
ચાલો થયું તે થઈ ગયું સુંદર સમાધિ થઈ ગઈ
* * *
હવે કલ્પનામાં પણ સુખ ક્યાં મળે છે?
સુખી માણસો પણ દુઃખી થઇ ગયા છે!
શહીદોનું કિસ્મત હતું ખૂબ સારું
સમયસર મરીને સુખી થઇ ગયા છે!
* * *
આદમને આવ્યું સ્વપ્ન એવું: ગોડસે રડતો હતો
રડતો હતો ને મનમહીં એ કૈંક બબડતો હતો
નજદીક જઈને ધ્યાન આપી સાંભળ્યું તો છક થયો
કહેતો હતો: હે રામ! ગાંધી ક્યાં મને નડતો હતો?
– શેખાદમ આબુવાલા
સામાન્યતઃ વ્યાંગને હાસ્યથી થોડે નીચે બેસાડવામાં આવે છે. એનું કારણ કદાચ એ છે કે હાસ્ય રમાડ઼ે છે જ્યારે વ્યંગ દઝાડે છે. હાસ્ય પંપાળે છે જ્યારે વ્યંગ ઘા કરે છે. આમ છતાં જો હાસ્યની સાથે વ્યંગ ન હોય તો ભોજનમાં મીઠું ન હોય એવી હાલત થાય.
ગુજરાતી કવિતામાં શેખાદમ આબુવાલાના સંગ્રહ ‘ખુરશી’થી વધારે ઉત્તમ વ્યંગનું ઉદાહરણ મળવું મુશ્કેલ છે. ‘ખુરશી’ એટલે નવનિર્માણના આંદોલનના સમયમાં શેખાદમે કરેલો મુખ્યત્વે રાજકીય કાવ્યોનો એક નાનકડો સંગ્રહ. યોગાનુયોગ એ પ્રગટ થયો તે જ વખત ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરેલી. કવિતા અને વાસ્તવિકતા ટકરાઇ. ‘ખુરશી’ના કાવ્યો બહુ વખણાયા અને લોકોની જીભે ચડી ગયા. ‘ખુરશી’માં થોકબંધ ધારદાર ગઝલો અને મુક્તકો છે જે આજે ય લોકોની જીભે જીવંત છે. આજે એમાંથી ચાર સૌથી ધારદર મુક્તકો અહીં મુકું છું.
Purvi Brahmbhatt said,
December 11, 2020 @ 1:34 AM
વાહ 👏👏👏👌👌
લતા હિરાણી said,
December 11, 2020 @ 4:01 AM
મજા મજા….
વિવેક said,
December 11, 2020 @ 7:15 AM
શેખાદમ ગ્રેટાદમ !!!
pragnajuvyas said,
December 11, 2020 @ 10:22 AM
શેખાદમ આબુવાલાની મરક મરક કરાવતી વ્યંગ હાસ્યકવિતાનું ડૉ ધવલ દ્વારા સ રસ આસ્વાદ
ચારેય ગુજરાતી ભાષાના અનમોલ મુક્તકો
Indu Shah said,
April 8, 2022 @ 8:56 PM
ખૂબ સરસ હાસ્ય અને વ્યંગ