હાસ્યમેવ જયતે : ૧૬ : વીણેલાં મોતી…
અને હાસ્યમેવ જયતે શૃંખલાના અંતે, ગુજરાતી હાસ્ય-વ્યંગ્ય કવિતામાંથી કેટલાક ચુનંદા રત્નો આપ સહુ માટે… (સાભાર સૌજન્ય: ઊંધા હાથની… ગુજરાતીની પ્રતિનિધિ હઝલો : સંપાદક આશિત હૈદરાબાદી) (પુસ્તક સૌજન્ય: શ્રી રઈશ મનીઆર)
*
હવે વૃદ્ધાય નીકળે છે ચમકતું સ્નૉ લગાડીને,
છે વાસી પાઉં પણ, એની ઉપર મસ્કો તો તાજો છે.
– એન. જે. ગોલીબાર
‘બેકાર’ તુંયે વાંચ ખુશામદની હિસ્ટ્રી,
પૉલ્શન થકી માનવ તણું ઉત્થાન થાય છે.
– બેકાર રાંદેરી
માનવીનો પનો થયો છે ટૂંકો,
એની લાંબી જબાન થઈ ગઈ છે.
– શેખચલ્લી
અહીંયા અસર અનાજમાં પણ છે કુસંપની,
જ્યારે પડે છે પેટમાં, તોફાન થાય છે.
– ‘આસી’ સુરતી
જુવાની ખોઈ ઘડપણ નોતરી બેઠો, ભલા માણસ!
કહે, કાં ખોટનો ધંધો કરી બેઠો, ભલા માણસ!
– ‘કિસ્મત’ કુરૈશી
આમ છો ‘નટખટ’ છતાંયે એટલી સમજણ નથી,
દ્વારે વાસી તાળું, ચાવી ઓટલે મૂકાય ના!
– ગિરધારલાલ મુખી ‘નટખટ’
ગમે તેને શિખામણ આપવાનો આપણો હક છે,
ને ભડક્યા તો સિફતથી ભાગવાનો આપણો હક છે.
– પુરુષોત્તમ પારેખ ‘વ્યંગ’
અમારે પણ ઘણાયે વાંસજાળે કાંકરા નીકળે,
છતાં દર્દી કહેવાના કે ‘પાણીની કમાણી છે!’
– ડૉ. બટુકરાય પંડ્યા
રાજનીતિને કરી કેટલી ખૂબીથી શહીદ,
રાજ રાખીને તમે નીતિની ગરદન કાપી.
– શેખાદમ આબુવાલા
હજી એવા હશે બે ચાર (ઇચ્છું છું) કે જેઓના
હજી પણ (જીવતા જો હોત) લીડર હોત ગાંધીજી.
– શેખાદમ આબુવાલા
મજા આવે ન રોટીમાં, ન પૂરીમાં, ન રાંધણમાં,
ઘણા પતિઓને આવે છે મજા પત્નીના વેલણમાં.
– કલીમ અમરેલ્વી
એમના ડિનરમાં ‘મુલ્લા’ છે ચમત્કારિક અસર,
જો પડે છે પેટમાં તો મોઢું બંધ થૈ જાય છે.
– ‘મસ્ત હબીબ સારોદી’ (મુલ્લા રમૂજી)
‘તપ’ નહીં પણ ‘વગ’ પ્રભુનું ડોલતું આસન કરે,
આ હકીકત જે ન સમજે તે ભજનકીર્તન કરે.
શ્રેષ્ઠતા પર એની શંકાશીલ ન કોઈ મન કરે,
નટ-નટી જે વસ્તુ વાપરવા અનુમોદન કરે.
– ‘મસ્ત હબીબ સારોદી’ (મુલ્લા રમૂજી)
મજાનો હોય માણસ, હોય સાલસ, હોય સીધો પણ
જરી એને તમે ટોકો ટપારો એટલે લોચો.
– અમૃત ઘાયલ
પાઘડી પહેર્યા વિના કાં શેઠ નીકળતા નથી?
શેઠને માથેથી માત્રા જાય તો ‘શઠ’ થાય છે!
– રતિલાલ ‘અનિલ’
ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી,
ઈંગ્લેન્ડમાં આવી અને ચોકલેટ થઈ ગઈ!
– અદમ ટંકારવી
તું મને પાલવનું ઇંગ્લિશ પૂછ મા,
અહિંયા આંસુ ટિશ્યૂથી લૂંછાય છે.
– અદમ ટંકારવી
ગયા લોક ભૂલી ધરમ ધીમે ધીમે,
પરાયું કરે છે હજમ ધીમે ધીમે.
ઊઠી ગઈ હયા ને શરમ ધીમે ધીમે,
બની રહી છે પત્ની મડમ ધીમે ધીમે.
– ‘સૂફી’ મનુબરી
કામ કરવાનું ગમે ના એમને એથી જ તો,
પેટ ચોળીને પછી આળોટી અમળાયા હશે.
– બાબર બંબુસરી
હૂંફ આવી ક્યાં ફરી મળશે તને?
ટાઢ કેવી છે મજાની, તાપ ને!
– મુલ્લા હથુરણી
ભલા કહેવાય એને શી રીતે સરકારનો નોકર?
કરે ના જો ઉપસ્થિત એ અગર સંજોગ રૂશ્વતનો!
– મુન્શી ધોરાજવી
કરી લૂંટ ભાગી જવાની ફિકર છે,
સમયની ફકત ડાકુઓને કદર છે!
– મુન્શી ધોરાજવી
ખુરશીના ચાર પગને સલામત બનાવવા,
કૈં કેટલા કરોડનું હું પાણી પાઉં છું.
– મનહરલાલ ચોક્સી
પરાઈ મ્હેરબાની પર તમારી આજ માણી લો,
ખચિત કાલે જવાના છો તમે ભંગારમાં ચમચા!
– કરસનદાસ લુહાર ‘ગુંદરમ્’
છે મારો વાંક બસ એક જ કે હું સુરતથી આવ્યો છું,
શુભેચ્છા પાઠવું છું તોય સૌને ગાળ લાગે છે.
– રઈશ મનીઆર
આજ પૂજા થઈ રહી છે એમની-
જેમના ભૂતકાળ ભાતીગળ હતા!
ચૂંટણી-ટાણે જે ઘેરાયાં હતાં,
એ બધાં તો વાંઝિયાં વાદળ હતાં.
– ‘રાહી’ ઓધારિયા
સાંભળે, બોલે નહીં, પણ બોલવા દયે પત્નીને,
જે પુરુષ પરણ્યો હો એમાં આ ત્રિદોષો હોય છે.
– લલિત વર્મા
‘નંદન’ હસે છે મૂછમાં, મૂછો નથી છતાં,
મૂછાળો હોય તોય શું? ઘરમાં ગુલામ છે!
– ‘નંદન’ અંધારિયા
મરનાર ખુદ કહી ઊઠે કે આ ખૂની નથી,
થાયે છે પેશ એવી સિફતથી દલીલમાં.
– દીનશા દારૂવાલા
ફરી બે હાથ જોડી મંદ હસવાનો સમય આવ્યો,
અને સહુ ઓળખાણો રિન્યુ કરવાનો સમય આવ્યો!
– દીનશા દારૂવાલા
માર આખા શરીરને પડશે,
આંખનો કારભાર છે ભઈલા!
– કિરણસિંહ ચૌહાણ
યાદમાં તારી અમે જાગી રહ્યા એવું નથી,
માંકડોની મ્હેરબાની, મચ્છરોની છે કૃપા.
– કિરણસિંહ ચૌહાણ
pragnajuvyas said,
December 14, 2020 @ 1:26 PM
રોજ એક એક હાસ્યનુ ફુલ મળતુ અને આજે હાસ્યમેવ જયતે શૃંખલાના અંતે તો હાસ્યનો ગુલદસ્તો મળ્યો . આશિત હૈદરાબાદી અને શ્રી રઈશ મનીઆર ને ધન્યવાદ
Yogesh Shukla said,
December 14, 2020 @ 2:41 PM
પ્રોત્સાહિત થયો કૈક લખવાને
મારે પણ કૈક કહેવું છે ,
————————
ખુરશીના ચાર પાયા અને બે હાથા છે ,
છે એક અને બેસવા કેટકેટલા માથા છે ,
હવે તમેજ કહો હું પ્રેમથી દઉં છું સૌ ને ગાળ ,
પણ હું સુરતી છું ને સૌને તેને ગઝલ કહે છે ,
ખરું કહું તો મારાજ ઘરમાં મારી રોજ પૂજા થાય છે ,
મારી મનપસંદ વાનગી નો રોજ પ્રસાદ ધરાવાય છે ,
સરકારી ઓફિસમાં છું ,
પ્રજા સરકારી નોકર કહે છે ,
શું વાત કરું ઘરની , માબાપ પણ
મને બૈરોનો નોકર સમજે છે ,
મને રડતા પણ આવડી ગયું ઇંગ્લીશમાં ,
આઈ એમ ક્રાઈંગ બોલતો ગયો અને રડતો ગયો ,
” યોગેશ શુક્લ “
કિશોર બારોટ said,
December 15, 2020 @ 2:13 AM
હાસ્યની ચુનંદી વાનગીઓનો રસથાળ.
આજેતો જલસો પડી ગયો.
Dilip Chavda said,
December 15, 2020 @ 2:27 AM
હાસ્યનો રસથાળ ને બધી વાનગીઓ માણવા જેવી હોં
એ માની રહ્યા છે પિધેલો છું હું
ખરેખર ગઝલમાં છકેલો છું હું.
તે ફેકેલ કેશોની એક ગૂચમાં
જબર ભેરવાઈ પડેલો છું હું.
–દિલુ
લો મનેય બે શેર ટાંકવાનું મન થયું..
Kajal kanjiya said,
December 15, 2020 @ 2:34 AM
થોડામાં ઘણું….હાસ્ય અને વ્યંગના સચોટ સમન્વય…મજા આવી
MAheshchandra Naik said,
December 15, 2020 @ 12:40 PM
સરસ,સરસ…..આનંદ,આનંદ થઈ ગયો, હાસ્યનો ગુલદસ્તો મહેક,મહેક થઈ ગયો…..અભિનદન…
આપનો આભાર…..
Yogesh shukla said,
December 15, 2020 @ 2:31 PM
બે હાથ જોડી હું સર્વે ને કરું નમસ્કાર ,
મારે પણ સામે જોઈએ પ્રભુ આકાર ,
હા , સ્વમાન મારામાં ખરું , શું કરું ,
ક્યારેક ઇસ પાર કયારેક ઉસ પાર ,
કરું છું પ્રયત્ન સદા કરવાને હું સંવાદ ,
મળે છે ઘણીવાર સામેથી આવકાર ,
એવું નથી કે મારામાં જરાય અકડ નથી ,
બે હાથ જોડીને કરું છું ક્યારેક સ્વીકાર ,
સો વાતની એક વાત ફરી કરવું સૌને યાદ ,
વિના સહકાર નથી થતો કોઈનો ઉદ્ધાર ,
” યોગેશ શુક્લ “