હાસ્યમેવ જયતે : ૧૦ : લાઘવ ક્યાંય નથી કવનમાં – નિર્મિશ ઠાકર
ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
કાલિન્દીનાં જલમાં ઝાંકી
પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં કોણે
રચી શબ્દની જાળી ?
લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
કરો કવિને જાણ:
અરથની તાણ રહી છે વરતી !
સ્હેજ ન રાખી લજ્જા લખતાં,
રાવ હવે ક્યાં કરવી ?
છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
શિર પર ગોરસમટકી (?)
ના એ છલકી કે નવ તૂટી,
કંકર અંદર-બાહર વાગ્યા
કશું ન નીકળ્યું ફૂટી !
નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
– નિર્મિશ ઠાકર
હાસ્યકવિતાની વાત હોય અને એકેય પ્રતિકાવ્યનો સમાવેશ ના કરો એ કેવી રીતે બને? ગુજરાતીમાં પ્રતિકાવ્યોની પાતળી પણ સશક્ત પરંપરા રહી છે. એક સરસ પ્રતિકાવ્ય, મૂળ કાવ્યની લોકપ્રિયતાનો આધાર લઈને, એને અલગ સ્વરૂપમાં રજૂ કરીને હાસ્ય નીપજાવે છે. પ્રતિકાવ્ય મૂળ કૃતિની હાંસી ઉડાવે છે એવું ઘણા લોકો માને છે જે ખોટું છે. બલ્કે પ્રતિકાવ્ય તો મૂળ કૃતિની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે.
નિર્મિશ ઠાકરને પ્રતિકાવ્ય રચવાની કળા સુપેરે હસ્તગત છે. એમના બધા પ્રતિકાવ્યોમાં આ મારું સૌથી પ્રિય છે. અહીં આ ગીતમાં બિનજરૂરી રીતે લાંબી અને સંકુલ કવિતાઓ લખતા કવિઓ પર મીઠો પણ ધારદાર કટાક્ષ કર્યો છે. છેલ્લે છેલ્લે તો ‘તોલ બધું વજનમાં’ કહીને કટાક્ષની હદ કરી નાખી છે!
pragnajuvyas said,
December 10, 2020 @ 3:40 PM
‘હાસ્યકવિતાની વાત હોય અને એકેય પ્રતિકાવ્યનો સમાવેશ ના કરો એ કેવી રીતે બને? ‘
સાચી વાત ડૉ ધવલભાઇ-
‘ લાઘવ ક્યાંય નથી કવનમાં’ – નિર્મિશ ઠાકરનુ ખૂબ જાણીતુ-માનીતુ પ્રતિકાવ્ય ફરી ફરી માણી
મરક મારક
વિવેક said,
December 11, 2020 @ 7:27 AM
વાહ… મજા આવી….