ધાર કે એ આપણી અટકળ હતી,
વાત તોયે સાવ ક્યાં પોકળ હતી?
– રમેશ ઠક્કર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for બટુકરાય પંડયા ડૉ.

બટુકરાય પંડયા ડૉ. શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રકાશના પગથારે – ડૉ. બટુકરાય પંડ્યા

આ પ્રકાશના પગથારે !
કો’ અંગુલિના અણસારે!
કોણ રહ્યું આકર્ષી મુજને અભિનવ આંખ ઇશારે? — આ.

સૂનાં અંતર, સૂનાં આંગણ,
નીંદર ઘેન ઢળી’તી પાંપણ;
કોણ ગયું ખખડાવી સાંકળ બંધ હૃદયના દ્વારે? — આ.

શ્યામ તિમિર પથ આગળપાછળ,
ગરજે ઘોર નિરાશા વાદળ;
કોણ અગોચર માર્ગ ઉજાળે વીજ તણા ચમકારે? — આ.

નાદબ્રહ્મ શાશ્વત હે સુંદર!
અચળ સત્ય હૈ ષડ્જ શિવંકર!
છેડો ભૈરવ રાગ વાદ્ય આ રોમેરોમ પુકારે! — આ.

– ડૉ. બટુકરાય પંડ્યા

દિવ્ય પ્રકાશની અનુભૂતિથી જાગેલી ચેતનાનું આ ગાન છે. એક અણસારો માત્ર પ્રાપ્ત થઈ જાય પછીના આકર્ષણને કોણ રોકી શકે? અંતર અને આંગણ – બધું જ સૂનું હતું અને માંહ્યલો ઊંઘતો હતો એવામાં કોઈક ગેબી વટેમાર્ગુ આવીને હૃદયના દ્વાર ખખડાવી ગયું હોવાનો અહેસાસ થયો. જીવનનો માર્ગ આગળપાછળ બધેથી અંધારાથી ભર્યો હતો અને આકાશમાંય નિરાશાના વાદળો જ ગર્જ્યાં કરતાં હતાં. આવામાં કોઈક અગોચરે વીજળીના ઝબકારે પ્રકાશનો પગથાર દેખાડી દીધો, આંખના ઈશારે આમંત્રણ દીધું. આંગળીનો અણસારો દેનાર આ બીજું તો કોણ હોય? સત્યમ્ શિવમ્ સુંદરમ્ જ ને! જીવનમાં પ્રભાત થાય, જ્ઞાનનો સૂર્યોદય થાય ત્યારે દેહના વાદ્યમાં રોમરોમેથી શિવારાધના કરતો ભેરવ રાગ જ ઊઠે ને !

Comments (8)

હાસ્યમેવ જયતે : ૦૨ : ઊંદર બનીને આવો ! – ડૉ બટુકરાય પંડયા

બરડાને છે તમન્ના, હંટર બનીને આવો,
ઘાયલ જીગરને કરવા, ખંજર બનીને આવો !

આવ્યા શું ? જાઓ છો’શું ? મહેફિલ તો છે અધૂરી,
આવો તો કોક વેળા ગુંદર બનીને આવો !

આ મોંઘવારીમાં પણ દાણા મફત મળે છે,
કિન્તુ એ એક શરતે, ઊંદર બનીને આવો !

જન્મ્યા વગરના બાળક ! તમને શી રીતે કહેવું ?
અહીંયા છે માપબંધી, નંબર બનીને આવો !

ડેમોક્રસીમાં નેતા ફરિયાદીને કહે છે,
કાં તો સભા ભરો કાં ટીંગર બનીને આવો !

મોઢામાં વાસ આવે તો પણ ગુનો બને છે,
આ ડ્રાઈ-એરિયા છે, ટિંચર બનીને આવો !

પથ્થરોની ઠોકરોથી મારી મજલ ન અટકી,
અટકાવવા ચહો તો ડુંગર બનીને આવો !

રાત્રે ઉજાગરા ને દિનભર કરે ઢસરડા,
દુર્ભાગી શાયરોને નીંદર બનીને આવો !

– ડૉ બટુકરાય પંડયા

ત્રીજો શેર જુઓ….ક્લાસિક વ્યંગ.

Comments (4)