આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
રાજેન્દ્ર શુક્લ

પ્રકાશના પગથારે – ડૉ. બટુકરાય પંડ્યા

આ પ્રકાશના પગથારે !
કો’ અંગુલિના અણસારે!
કોણ રહ્યું આકર્ષી મુજને અભિનવ આંખ ઇશારે? — આ.

સૂનાં અંતર, સૂનાં આંગણ,
નીંદર ઘેન ઢળી’તી પાંપણ;
કોણ ગયું ખખડાવી સાંકળ બંધ હૃદયના દ્વારે? — આ.

શ્યામ તિમિર પથ આગળપાછળ,
ગરજે ઘોર નિરાશા વાદળ;
કોણ અગોચર માર્ગ ઉજાળે વીજ તણા ચમકારે? — આ.

નાદબ્રહ્મ શાશ્વત હે સુંદર!
અચળ સત્ય હૈ ષડ્જ શિવંકર!
છેડો ભૈરવ રાગ વાદ્ય આ રોમેરોમ પુકારે! — આ.

– ડૉ. બટુકરાય પંડ્યા

દિવ્ય પ્રકાશની અનુભૂતિથી જાગેલી ચેતનાનું આ ગાન છે. એક અણસારો માત્ર પ્રાપ્ત થઈ જાય પછીના આકર્ષણને કોણ રોકી શકે? અંતર અને આંગણ – બધું જ સૂનું હતું અને માંહ્યલો ઊંઘતો હતો એવામાં કોઈક ગેબી વટેમાર્ગુ આવીને હૃદયના દ્વાર ખખડાવી ગયું હોવાનો અહેસાસ થયો. જીવનનો માર્ગ આગળપાછળ બધેથી અંધારાથી ભર્યો હતો અને આકાશમાંય નિરાશાના વાદળો જ ગર્જ્યાં કરતાં હતાં. આવામાં કોઈક અગોચરે વીજળીના ઝબકારે પ્રકાશનો પગથાર દેખાડી દીધો, આંખના ઈશારે આમંત્રણ દીધું. આંગળીનો અણસારો દેનાર આ બીજું તો કોણ હોય? સત્યમ્ શિવમ્ સુંદરમ્ જ ને! જીવનમાં પ્રભાત થાય, જ્ઞાનનો સૂર્યોદય થાય ત્યારે દેહના વાદ્યમાં રોમરોમેથી શિવારાધના કરતો ભેરવ રાગ જ ઊઠે ને !

8 Comments »

  1. Vinod Manek, Chatak said,

    August 18, 2023 @ 12:58 PM

    વાહ સરસ ગીતિકા જાણે અંતરની અનુભૂતિનો નાદ

  2. Harsha Dave said,

    August 18, 2023 @ 1:02 PM

    વાહ…. પાણીદાર મોતી જેવા જેવું સર્જન
    અભિનંદન લયસ્તરો

  3. Parbatkumar Nayi said,

    August 18, 2023 @ 1:40 PM

    વાહ વાહ વાહ
    ખૂબ સરસ લયસ્તરો

  4. BHUMA VASHI said,

    August 18, 2023 @ 10:28 PM

    Beautiful…

  5. Kamlesh Shukla said,

    August 19, 2023 @ 8:41 AM

    ખૂબ જ સરસ ગીત.

    અડધી રાતે અડધી રાતે
    કોણ આવી મારે બારણે બોલ્યું,
    ચાલને પથીક મારી સાથે મારી સાથે

  6. Tanu patel said,

    August 20, 2023 @ 10:29 PM

    કો’ અંગુલિના અણસારે… ઈશ્વર પથદર્શક….
    સરસ ગીત….

  7. Poonam said,

    September 1, 2023 @ 11:01 AM

    આ પ્રકાશના પગથારે !
    કો’ અંગુલિના અણસારે!
    કોણ રહ્યું આકર્ષી મુજને અભિનવ આંખ ઇશારે? — આ.
    – ડૉ. બટુકરાય પંડ્યા – સરસ !

    Aaswad Mast !

  8. લતા હિરાણી said,

    September 2, 2023 @ 12:14 PM

    કવિ નિરંજન ભગત યાદ આવે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment