તારો અવાજ એક વખત સાંભળ્યો હતો,
માનું છું તારા શબ્દમાં ટહુકાનું ઘર હશે.
મનહરલાલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કૃષ્ણ દવે

કૃષ્ણ દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અમદાવાદ સાથે શું વેર છે? – કૃષ્ણ દવે

મુંબઈમાં ધોધમાર દીધે રાખો છો ને કોરુંધાકોર મારું શ્હેર છે!
કહો, અમદાવાદ સાથે શું વેર છે?

બેડાં ભરે ને પાછાં કાંઠે ઠલવી દે છે, વાદળીયુંય આળસુની પીર!
અડધા અષાઢમાંય સુરજ ક્યાં જંપે છે? મારે છે તડકાનાં તીર!
વ્હાલની આ વ્હેંચણીના વરસાદી ખાતામાં જોઈ લ્યો ભાઈ, કેવું અંધેર છે!
કહો, અમદાવાદ સાથે શું વેર છે?

લીલી કંકોત્રીઓ લખવામાં આળસું જરાક અમે છઈએ તો છઈએ,
એમાં અકળાઈ તમે ઠલવ્યે રાખો છો, ઈ કેટલો બફારો અમે સહીએ?
સાંબેલાધારે નહીં, ઝરમર થઈ આવો ને, અમને તો તોય લીલાલ્હેર છે.
કહો, અમદાવાદ સાથે શું વેર છે?

– કૃષ્ણ દવે

કૃષ્ણ દવે સાંપ્રત વિષયો પરનાં કાવ્યો માટે જાણીતા છે. અને કવિ તો કોઈની પણ ખબર લઈ પાડે. આ વરસે મેહુલિયો બરાબરનો મંડ્યો છે. તળગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂરની પરિસ્થિતિ છે. મુંબઈ પણ એ રીતે જળબંબાકાર છે કે ગૌરાંગ ઠાકરનો શેર યાદ આવે:

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

પરંતુ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત કોરુંધાકોર છે એટલે અમદાવાદના કવિ મુંબઈનો સંદર્ભ લઈને મેઘરાજાનો ઉધડો ન લે તો જ નવાઈ. વરસાદ અમદાવાદ પર મહેર કરશે કે કેમ એ તો વરસાદ જ જાણે પણ આપણને તો નખશિખ સુંદર ગીતરચના સાંપડી એનો જ આનંદ!

Comments (9)

ઝૂલતો પુલ !!! – કૃષ્ણ દવે

*

અમથો નથી હું કાંઈ તૂટ્યો!
જર્જર થઈ ગ્યો’તો મારો દેહ તે છતાયે મને ટિકિટે ટિકિટે લૂંટયો.
અમથો નથી હું કાંઈ તૂટ્યો!

નહિતર આ છાતી પર રમતા ને ઝૂલતા ઈ પગલાંને મારે શું વેર?
કાટ ખાઈ-ખાઈને હું કાકલૂદી કરતો, પણ સાંભળે તો શેનું અંધેર?
ઉપરથી રંગરૂપ બદલ્યે શું થાય, જેનો ભીતરનો શ્વાસ હોય ખૂટ્યો?
અમથો નથી હું કાંઈ તૂટ્યો!

સૌને આવે છે એમ મારે પણ આવેલી પોતાની એક્સપાયરી ડેઇટ,
આજે સમજાયું, તમે કરતાં હતા ને આવા ગોઝારા દિવસનો વેઇટ?
મચ્છુના પાણીને પૂછો જરાક જીવ બધ્ધાનો કઈ રીતે છૂટ્યો?
અમથો નથી હું કાંઈ તૂટ્યો!

– કૃષ્ણ દવે

ત્રીસ ઑક્ટોબર, ૨૦૨૨ના રોજ મોરબીમાં મચ્છુ નદીની ઉપરમો ઝૂલતો પુલ તૂટી પડ્યો અને ૧૩૫ નિર્દોષ જિંદગી એમના કુટુંબીજનોની આંખમાં આંસુના ટીપાં અને દિલમાં મટી ન શકે એવો જખમ બનીને રહી ગઈ. મરામ્મતના હેતુથી બંધ કરાયેલ પુલ યોગ્ય મરામત કરાયા વગર જ ખુલ્લો મૂકી દેવાયો. પુલની ક્ષમતા સોએક લોકો જેટલી મર્યાદિત હતી, પણ ભાવવધારા સથેની ટિકિટ વહેંચતી ઓરેવા કંપનીની પુલપ્રવેશસંખ્યાનિયંત્રણ કરાવવાની કોઈ તૈયારી નહોતી. કંપનીને કેવળ આવકમાં રસ હતો. ભારત દેશમાં થાય છે, એ એ જ રીતે આ દુર્ઘટનામાં પણ કોઈનો વાળ વાંકો થવાનો નથી. કમિટિ બેસશે, તપાસ થશે, દોષિતોના નામ જાહેર થશે, શરૂમાં નાની-મોટી જેલની સજા પણ થશે, પરંતુ અંતે તમામ દોષિતો બીજો ગુનો આચરવાની રાહ જોતાં મુક્ત થઈ ફરતાં થઈ જશે. ઝૂલતા પુલ પર અમર્યાદિત સંખ્યામાં ધસારો કરનાર અને પુલને હીંચકો ગણી ઝૂલે ચડવનાર નાગરિકોનોય આમાં પૂરો વાંક ખરો જ, પણ કાયદાનું જબરદસ્તી પાલન ન કરાવો તો કાયદા ઘોળી જવું એ ભારતીયોની મૂળેથી જ ફિતરત છે.

ભીની આંખે ઝૂલતા પુલ પર થયેલી હોનારતનું આ ગીત ગણગણીએ…

*

Comments (6)

કૃષ્ણ – ૧૯૯૨ – કૃષ્ણ દવે

ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાનાં પૂર
અને ઉપરથી ગોપીઓ ને રાધા
અહીં મારે તો જીવવાના વાંધા ..

આંખોની પથરાળી ધરતીમાં વૃન્દાવન, ગોવર્ધન, ગોકુળ ક્યાં વાવીએ?
ભાંભરડા દેતી આ ભૂખી ઇચ્છાઓનાં ધણનાં ધણ ક્યાં જઈ ચરાવીએ?
આયખે વલોવાતાં એક એક દ્હાડાને માગી માગીને મેં ખાધા
અહીં મારે તો જીવવાના વાંધા…

પૂરેલાં ચીર એમાં માર્યો શું મીર ?એનું કારણ એ રાજાની રાણી
નજરે ના કેમ ચડી આછેરા જીવતરની માંડેલી આમ ખેંચતાણી
ખેંચાતાં ખેંચાતાં ટાંકા તૂટે ને વળી દોરા ખૂટે
ને તોય કરવાના રોજ રોજ સાંધા?
અહીં મારે તો જીવવાના વાંધા…

ગોકુળનો શ્વાસ લઈ, મથુરાની હાશ લઈ દરિયામાં જાત તેં બચાવી
મેં તો આ પ્હાનીના હણહણતા અશ્વોને ખીલ્લાની વારતા પચાવી
ભાગી ભાગીને હુંય ભાગું કદાચ તોય રસ્તાને પગલાંની બાધા
અહીં મારે તો જીવવાના વાંધા…

– કૃષ્ણ દવે

 

મારા ગમતા કવિ ! કવિત્વના ભાર વગર કવિતા ગાતા કવિ ! તેઓની વાત સીધી અને સ્પષ્ટ અનુભૂતિની નીપજ હોય…. ફરિયાદ હોય તો તે દિલમાંથી બહાર આવી હોય…..

 

યાદ આવે – ” મારાં રામ તમે સીતાજીની તોલે ન આવો “

Comments (2)

(છંછેડાઈ ગયા ને?) – કૃષ્ણ દવે

સહેજ તમારી વાત કરી કે તરત જ છંછેડાઈ ગયા ને?
કપડાં પરથી રજ ખંખેરે એમ જ ખંખેરાઈ ગયા ને?

ચારે બાજુ તમે જ વાવેલા એ તમને યાદ હશે ને?
અડાબીડ ઊગેલા જૂટ્ઠાણાઓથી ઘેરાઈ ગયા ને?

જેમ લખાવે સમય એમ ખુદને પણ લખતા ગયા હોત તો?
ઉતાવળા થઈ ટપક્યા કાગળ ઉપર તો રેલાઈ ગયા ને?

નદી જેમ વહેવાનો દાવો ઘણા બધા કરતા જ રહે છે.
તમેય મોજું થઈ આવ્યા તે પાછા હડસેલાઈ ગયા ને?

મૂળ વિના ઊગ્યાની વાતો ટકી ટકીને ટકે કેટલી?
જરા મિલાવ્યો હાથ હવાએ તો પણ ધક્કેલાઈ ગયા ને?

ઘણી વાર સમજાવ્યુ’તું ને? પાણીને પણ ધાર હોય છે!
આંસુની આડે ઊતર્યા તો વચ્ચેથી વે’રાઈ ગયા ને?

કિરણોની પહેલી જ સભામાં ઝાકળના ઝભ્ભા પહેરીને –
ઝળહળતા રહેવાના ભાષણ પળમાં સંકેલાઈ ગયા ને?

‘તમે નથી’ની સાબિતીમાં તમે જ બોલો વધુ હોય શું?
સૂરજની સામે જ તમારા પડછાયા વેડાઈ ગયા ને?

– કૃષ્ણ દવે

ગણગણ્યા વિના વાંચવી શક્ય જ ન બને એવી મજાની લયપ્લાવિત રચના. બધા જ શેર સહજ સાધ્ય છે…

Comments (4)

હાસ્યમેવ જયતે : ૦૬ : માઈક મળે તો કોઈ છોડે ? – કૃષ્ણ દવે

પરસેવો બિચ્ચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમતેમ દોડે !
માઈક મળે તો કોઈ છોડે ?

નાના અમથા એ ટીપાં શું જાણે ? આ ભાષણ શું કરવાની ચીજ છે ?
આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ ને પૂનમના પાયામાં બીજ છે,
વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુને આમતેમ જોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

ઉધરસ ને નસકોરા રમત્યે ચડે ને એ ય બગ્ગાસા વ્હેંચાતા ભાગમાં,
કંટાળો જાણે કે આખ્ખું કુટુંબ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં!
તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

‘છેલ્લી બે વાત’ -એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે,
છેલ્લી, છેલ્લી છે એમ બોલી બોલીને પાછો આખ્ખો કલાક એક ચાવે,
સાકરના ગાંગડાને કચ્ચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે.
માઈક મળે તો કોઈ છોડે ?

– કૃષ્ણ દવે

આ ગીતને વાંચતા ને ગણગણતામાં તો જાણે એક અદભૂત મહેફિલનું આખુ દ્રશ્ય આંખ આગળ આપોઆપ ઊભું થઈ જાય છે… ઓફ કોર્સ, માઈકને જબરદસ્ત વળગી રહેલા વક્તા તથા બગાસા અને નસકોરાની વચ્ચે ઝૂલી અને ઝૂરી રહેલા બિચ્ચારા શ્રોતાઓની સાથે સ્તો!  આ ગીતની ખરી મજા તો ત્યારે જ આવે છે, જ્યારે એ સ્વયં કૄષ્ણભાઈનાં કંઠમાંથી વહેતું માણવા મળે.  જો કે મને તો આ ગીત હાસ્યગીત કરતા પણ વઘુ વ્યંગગીત જણાય છે… એટલે કે શાણાને શાનમાં… 🙂

Comments (4)

કોણ – કૃષ્ણ દવે

કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
ધૂળમાં એક-બે જોઈ પગલી જરા આંખ નીકળી પડી ત્યાં જ છલકાઈને !
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈ ને ?

ખેલતું, કૂદતું, શોધતું ગોદને, હૂંફનું બારણું જ્યાં સ્વયમ્ ખુલતું,
પાંપણોમાં પ્રવેશી જતું હોય શું ? આંખ મીંચી જતું ઝૂલતું ઝૂલતું,
કંઠ કોનો હશે ? ગીત કોના હશે ? કોણ પોઢાડતું હોય છે ગાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?

લ્હેરખીની હથેળી ફરે હેતથી વૃક્ષની ડાળના ગુચ્છશાં પર્ણમાં,
કોણ ગવડાવતું ગીત આ મર્મરી ? કૂંપળોના સ્વરો ગુંજતા કર્ણમાં,
કોણ આવે અને જાય પળમાં વળી, વ્હાલ કરતું રહે આમ લહેરાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?

માત્ર હુંકારથી ગર્જનોથી ભર્યું જે નહીં સંભવે સિંધુના ક્હેણથી,
સ્હેજ ભીનાશથી, સ્હેજ મીઠાશથી, એ બધું સંભવે બિંદુ ના વેણથી,
કોણ મ્હેકી જતું હોય છે શ્વાસમાં ! કોણ ઉડી જતું હોય રંગાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?

-કૃષ્ણ દવે

Comments (1)

કેટલાક મરવાના બાકી છે ? – કૃષ્ણ દવે

કેટલાક મરવાના બાકી છે ?
દેખેંગે, સોચેંગે,લડ લેંગે આરપાર સાંભળીને પબ્લિક પણ થાકી છે.

એક પછી એક બધાં કપડાં ઉતારી લ્યે તોય ક્યે છે વસ્ત્રો હરાય?
ઘરમાં ઘૂસીને રોજ માથાં વાઢી લ્યે છે તોય ક્યે છે હત્યા કરાય?
સાચું કહું એમને તો એવું લાગે છે જાણે આપણે તો બંગડિયું તાકી છે.
કેટલાક મરવાના બાકી છે ?

“આસમાન સાફ હૈ ને બીજલી ગીરેગી” આમાં નો હાલે કવિતાની વાતું
બીજાની પાસેથી એટલું તો શીખો કે બોલવાથી કાંઈ નથી થાતું
થોડુક હલાવશો તો તરતજ ઈ ખરવાની ડાળી પર કેરિયું જે પાકી છે.
કેટલાક મરવાના બાકી છે ?

લાગી છે આગ એને ઠારવાની વાત, એમાં ભાગ્યા ક્યાં? અહિયાં તો અટકો,
પોતાના કૂવામાં પાણી ભરપૂર છતાં પારકાના કૂવે કાં ભટકો?
આખ્ખી દુનિયાને શું ક્હેતા ફરો છો કે કૂતરાની પૂંછડી તો વાંકી છે.
કેટલાક મરવાના બાકી છે ?

– કૃષ્ણ દવે

અંગતપણે હું યુદ્ધમાત્રનો વિરોધી છું….હિંસા એ જવલ્લે જ કાયમી ઉપાય હોય છે, પરંતુ આ લાગણીને કાયરતા ગણી શત્રુ માઝા મૂકે ત્યારે તો ગાંડીવ ઉપાડવું જ રહ્યું…દાયકાઓના સંયમ પછી આજે ભારતમાતાએ ત્રિશૂળ ઉગામ્યું છે……હવે આરપારની લડાઈ એ જ વિકલ્પ દેખાય છે…..

ભીખ્યાં,ભટક્યાં,વિષ્ટિ,વિનવણી- કીધા સુજનના કર્મ,
આર્ય સુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ……

Comments (2)

એક તો એવોર્ડ મને આપો! – કૃષ્ણ દવે

છાસ લેવા જાઉં છું ને દોણી નહી સંતાડું,
મારી આ પંક્તિ છે,છાપો,એક તો એવોર્ડ મને આપો!

ચોવીસ કલ્લાક આમ હું ક્યાં ફરું છું કોઈ મોટ્ટા કવિશ્રીના વ્હેમમાં?
“એવોર્ડ મેળવવાની કળા” એ નામવાળું પુસ્તક વાંચ્યું ને પડ્યો પ્રેમમાં,
ત્યારથી આ સ્પીડબોટ સામે ઉતાર્યો છે નાનકડો આપણો તરાપો.
એક તો એવોર્ડ મને આપો!

ફંક્શનમાં હંમેશાં જઈએ ને આવીએ તે અમને પણ ભાવ થોડો થાય,
ઊઠતાં ઘોંઘાટમાં ય સુરીલો કંઠ કો’ક નાનું પણ ગીત મારું ગાય;
એવું ક્યાં કહું છું કે મારાથી ચડિયાતી લીલ્લી કોઈ ડાળ તમે કાપો ,
એક તો એવોર્ડ મને આપો!

ઓરીજીનલ ચંદનનું લાકડું છું; એટલે હું આવ્યો છું આપશ્રીને દ્વાર,
વર્ષોથી આમ હું ઘસાઉં છું; છતાંય એક તિલ્લકમાં આટલી કાં વાર?
એવોર્ડ મેળવવાનું લોબિંગ કરાવવાનાં મેં ક્યાં કર્યાં છે કોઈ પાપો?
એક તો એવોર્ડ મને આપો!

– કૃષ્ણ દવે

આજે જરા હળવા મૂડની વાત……

Comments (8)

અમને શું ફેર પડે બોલો ?- કૃષ્ણ દવે

ઢેફું સમજીને તમે ફેંકી દ્યો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો
અમને શું ફેર પડે બોલો ?

આંગળીયું પકડી ક્યાં આવ્યા’તા કોઈની તે ભૂલા પડવાથી હવે ડરીએ ?
મારગ ને પગલાંને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ
લ્હેરખીને જોઈ ઘણાં ભોગળ ભીડે ને વળી કોઈ કહે બારીયું તો ખોલો
અમને શું ફેર પડે બોલો ?

વગડે વેરાન હારે વાતું મંડાણી ને મન થયું ઊગ્યા તો ઊગ્યા
આપણે ક્યાં માળીને કરગરવા ગ્યા’તા ભાઈ, ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા
ડાળીયું પર ઝૂલે છે આખું આકાશ એમાં પોપટ બેસે કે વળી હોલો !
અમને શું ફેર પડે બોલો ?

આપણે ક્યાં પરપોટા ભેગા કરવા’તા તે કાંઠે જઈ માથાં પછાડીએ ?
એકાદો મરજીવો મૂળ લગી પ્હોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ
બાકી તો ઝાંઝવાને કરવતથી વેરો કે રંધા મારીને તમે છોલો!
અમને શું ફેર પડે બોલો ?

– કૃષ્ણ દવે

ક્ષેત્ર કોઈ પણ હોય, નવોદિતોનો પ્રવેશ સતત ચાલુ જ રહેવાનો અને એક તરફ નવોદિતોને પોતાનું મહત્ત્વ સાબિત કરવાની ચાહ હોય તો બીજી તરફ જૂના જોગીઓ નવા નિશાળિયાંઓને નીચા ઊતારી પાડવાની એકેય તક જતી કરવા તૈયાર નથી હોતા… પણ જે ભીતરના સત્વથી સુપેરે પરિચિત હોય છે એને દુનિયાના ત્રાજવાના માપતોલથી કોઈ ફરક પડતો નથી. દુનિયા એને સોનાના ત્રાજવે તોલે કે ઢેફુ ગણીને ફેંકી દે, એ હરફન-મૌલા નિજાનંદમાં જ મસ્ત રહેવાનો. એ કોઈ ગોદફાધરની આંગળી પકડીને આવ્યો નથે એટલે એને રાહ ભૂલવાનો ડર નથી. ભલે એને જોઈને કોઈ દરવાજા વાખી દે કે કોઈ બારી ખોલીને આવકારે. એ તો એવી છીપ છે જે કોઈ મરજીવો એના તળ સુધી પહોંચે તો જ પોતાનું મોતી ધરે…

Comments (7)

બસ – કૃષ્ણ દવે

પંચાણુ ટકા સળગી ગયેલી બસે અંતિમ શ્વાસ લેતા પ્હેલા કહ્યું

યાદ છે તમને ?
રોડ ઉપર બાંધેલી છાપરીવાળા બસસ્ટેન્ડે બેઠા બેઠા તો તમે દસ વાર પૂછી લેતા “બસ ક્યારે આવશે ? બસ ક્યારે આવશે ? “ અને હું આવું ત્યારે હોંશે હોંશે ગોઠવાઈ જતા બારી પાસે અને નાની નાની હથેળીઓ બહાર કાઢીને “આવજો, આવજો” થી ભરી મૂકતાં આખી સીમને.

યાદ છે તમને ?
બ્લૂ ચડ્ડી અને સફેદ શર્ટ પહેરી ,નાનકડું દફ્તર લટકાવી તમે ઊભા રહેતા ગામના વડલા નીચે મારી રાહ જોતાં ,અને હું આવું એટલે કૂદી પડતાં મારી સીટ પર જાણે માનો ખોળો ખૂંદતા હોવ ને એ રીતે

યાદ છે તમને ?
હટાણું કરવા ગયેલા બાપુને લઈને,મોતિયો ઉતરાવવા ગયેલી માને લઈને, ભાણેજ સાથે પિયર રહેવા આવતી બહેનને લઈને, નિશાળે ભણવા ગયેલી દીકરીને લઈને, તમારી પેઢી દર પેઢીએ મૂકેલા વિશ્વાસને લઈને રોજ સાંજે હું જ તો પાછી આવતી હતી તમારા ગામમાં .

મને સળગાવતા પ્હેલા તમારા હાથ કંપી તો ઉઠ્યા જ હશે ,

પણ ! ! !

તમને માણસમાંથી ટોળું બનાવી નાખતા એ લોકોને એટલું તો પૂછી જો જો ,
તમે ક્યારે’ય બસમાં બેઠાં છો ખરાં ?

– કૃષ્ણ દવે

કવિતા એ કળા છે અને કળાને હંમેશા સામાજીક નિસ્બત હોય જ એ જરૂરી નથી. પણ તોય ઇતિહાસ સાક્ષી છે કે સામાજીક નિસ્બત વધતે-ઓછે અંશે કવિતાને સમાંતર જ વહી છે. કવિતાની ટાઇમ-લાઇન તપાસીએ ત્યારે સમાજની સાચી નાડ પણ ઝલાતી હોય છે. કૃષ્ણ દવે અન્ય કવિઓની સરખામણીમાં એમની સામાજીક નિસ્બતના કારણે નોખા તરી આવે છે. કળાત્મક કવિતાઓની અડોઅડ એમના લખાણમાં સમાજ તરફની જવાબદારી ન ચૂકવાની ચિવટાઈ મેં સતત જોઈ છે. પ્રસ્તુત રચના વારે-તહેવારે હિંસક સ્વરૂપ ધારણ કરી બેસતા પાટીદારોના આંદોલનના ગાલ પર એક ચમચમતો તમાચો છે. આપણે માણસ ક્યારે બનીશું ? ક્યારેય બનીશું ખરા ?

Comments (13)

માળો – કૃષ્ણ દવે

થોડો બાવળને આવ્યો કંટાળો.
ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ?
થોડો બાવળને આવ્યો કંટાળો.

સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ?
એક એક તરણાંની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ.
વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ, એમાં સ્હેજે ના ચાલે ગોટાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

ધોધમાર ધોધમાર વરસે વરસાદ તોય છાંટાની લાગે ના બીક,
ફલૅટની દીવાલ અને ધાબાં જોયાં છે ! એક ઝાપટામાં થઈ જતાં લીક,
રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને, તો જ બનતો આ માળો હૂંફાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

ક્વૉલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને ? બાવળ કહે કે ભાઈ ઑ.કે.,
ચોમાસું માથે છે એટલે કહ્યું જરાક જાવ હવે કોઈ નહીં ટોકે.
ખોટું ના લાગે તો એક વાત કહી દઉં કે –
આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો, એમાં થોડીક શરમાય છે આ ડાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

– કૃષ્ણ દવે

સાવ સીધી લાગતી વાત પણ કવિના હાથમાં આવે એટલે કેવી અદકેરી બની જાય છે ! એક લાકડાનો ટુકડો સુથારના હાથમાં આવે ને એમાંથી ખુરશી-ટેબલ બની જાય એ કસબ આ ગીતમાં સુપેરે અનુભવી શકાય છે. (એક જમાનામાં કૃષ્ણ દવે પણ લાકડાંમાંથી ફર્નિચર બનાવવાનું કામ કરતાં હતાં, આજે સંવેદનો સાથે કામ કરીને કવિતાનું ફર્નિચર બનાવે છે)

Comments (11)

આપશ્રી ક્યાં કોઈદી ભીંજાવ છો ? – કૃષ્ણ દવે

છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે વરસ્યા વિનાના શું જાવ છો !
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ પણ આપશ્રી ક્યાં કોઈદી ભીંજાવ છો ?

મેં કીધું શું ક્યો છો ? ગ્યા વરસે ક્યાં રયો તો છત્રી ઉઘાડવાનો વેત ?
વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય ઈ તો અંદરથી ઉગાડે હેત,
વરસી વરસીને અમે થાકી ગયાને તોય તમે ક્યાં લીલાછમ થાવ છો ?
આપશ્રી ક્યાં….

મેં કીધું આ રીતે શું કામે નાખો છો માણસની જાત માથે આળ ?
વાદળ ક્યે મને તારામાં ગોતી દે એકાદી લીલીછમ ડાળ ?
મૂળનું તો સરનામું મળતું નથી ને પાછા કૂંપળનાં ગીતો શું ગાવ છો ?
આપશ્રી ક્યાં….

મેં કીધું આ રીતે તરસ્યે મારીને તમે સારું તો કરતાં નથી જ,
વાદળ કયે બસ ભાઈ આ રીતે અમને પણ થોડીક ચડી ગઈ છે ખીજ.
અબઘડીએ ધોધમાર વરસી પડું છું, બોલો બાળકની જેમ તમે ન્હાવ છો ?
આપશ્રી ક્યાં….

– કૃષ્ણ દવે

આ વખતે વાદળો રૂઠયા છે……. મનાવ્યા માનતા નથી……

 

Comments (14)

ઠીક છે મારા ભાઈ…- કૃષ્ણ દવે

ઠીક છે મારા ભાઈ…

ઠીક છે મારા ભાઈ
આ તો કરવા ખાતર કરીએ બઘું
સ્મિત પહેરીને ફરીએ વઘુ
બાકી તો આ સંબંધોમાં જ્યાં જુઓ ત્યાં
ઠેકઠેકાણે હોય છે મોટી ખાઈ
ઠીક છે મારા ભાઈ…

રોજ ઉડાડી જાતના લીરા લાગીએ સવા લાખના હીરા
ઠાવકા રહી બોલીએ એવું જળમાં જાણે પાડીએ ચીરા
સાવ રે ઠાલાં પગમાં છાલાં તો ય પ્હેરીને ફરતા રહીએ
બૂટની ઉપર સૂટ ને પાછી હોય ગળામાં ટાઈ,
ઠીક છે મારા ભાઈ…

રોજ પળેપળ બદલી લઈએ કેટલા ચ્હેરાં કેટલાં મ્હોરાં
દરિયે છપાક ડૂબકી મારી નીકળી જઈએ સાવ રે કોરાં
મૂકવું પડે, ઝૂકવું પડે, ગમતું બઘું કરવું પડે
તોય ભેજામાં લઈને ફરીએ કેટલી રાઈ ?
ઠીક છે મારા ભાઈ…

હૂંફને જરીક ઝીલીએ ત્યાં તો આપણું આખું તળિયું તૂટે
ટેરવા ઘડીક ટહુકે ત્યાં તો મૂળમાંથી આંગળીયું તૂટે
કેટલું કેટલું હોય ખોવાનું હાથવગું તો હોય રોવાનું
તોય ફરી ફરી કોક મજાનાં ગીતની માફક જિંદગી આખી ગઈ
ઠીક છે મારા ભાઈ…

– કૃષ્ણ દવે

સરળ વાણી પણ વેધક વાત…….

Comments (14)

શહીદ – કૃષ્ણ દવે

નવા નવા થયેલા શહીદોએ કહ્યું,
અમને ગર્વ છે કે અમે દેશ માટે જીવ આપી દીધો.
આટલું સાંભળીને એક સીનિઅર શહીદ બોલ્યા: ગર્વ તો મને પણ હતો, ભાઈ !
મેં પણ મારો જીવ આપીને બચાવી હતી સંસદને.
પરંતુ અફસોસ તો એ વાતનો છે કે
મને મરણોત્તર મળેલો મેડલ ધૂળ ખાઈ રહ્યો છે !
મારો પરિવાર સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે !
અને
મને મારનારાઓ જેલમાં બેસીને આરામથી રોટલીઓ ખાઈ રહ્યા છે !

-કૃષ્ણ દવે

આપણી નમાલી નિષ્ઠાવિહોણી લોકશાહી અને આપણી માનવતાવાદી સંસ્થાઓ શું આપણને ભારે નથી પડી રહી ? મુઠ્ઠીભર આતંકવાદીઓની હિંમત શી રીતે થઈ શકે છે એક અબજ લોકોના દેશને છાશવારે બાનમાં લેવાની ? મૃત્યુને હાથમાં લઈને નીકળતા કહેવાતા જેહાદીઓને સીધા ઠાર મારવાને બદલે મૃત્યુ પણ ડરે અને બીજીવાર આતંકવાદ ફેલાવવાનો વિચાર કરતા પસીનો ફૂટી આવે એવું મૃત્યુ આપવું શું જરૂરી નથી બની ગયું ?

આપણી નિર્વીર્ય નેતાગીરી અને કદી ‘અપગ્રેડ’ ન થતી ન્યાયપ્રણાલીના કારણે સ્વર્ગમાં શહીદો પણ કૃષ્ણ દવે કહે છે એ રીતે દુઃખી થતા હોય એમાં કોઈ શંકા છે ?

Comments (13)

પ્રભાત -કૃષ્ણ દવે

સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રમું હું બ્હાર ?
કળી કહે કે થોભ જરા હું ખોલી નાંખું દ્વાર.

પરોઢની પાંપણમાં સળવળ ફૂલગુલાબી પ્હાની,
હોઠે વ્હેતું પ્રભાતિયું ને હિંચકો નાખે નાની.

બધાં જ પુષ્પો મ્હેકી એને વ્હાલ કરે છે આમ,
આ તો સૂરજનો બાબો છે કિરણ એનું નામ.

તારાઓમાં પીંછી બોળી ચીતર્યું આખ્ખી રાત,
રંગબિરંગી પાંખો પ્હેરી નીકળી પડ્યું પ્રભાત.

કૃષ્ણ દવે

Comments (5)

બબાલ – કૃષ્ણ દવે

એની રોજે રોજ હોય છે બબાલ.
પરપોટા હાથમાં લઇ હમણાં કહેતો’તો
આની ઊખડતી નથી કેમ છાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી તો સુરજની સામે થઇ ગ્યો,
ને પછી નોંધાવી એફ. આઇ.આર.
શું કહું સાહેબ ! આણે ઘાયલ કરી છે,
મારી કેટલી યે મીટ્ઠી સવાર.
ધારદાર કિરણોને દેખાડી દેખાડી,
લૂંટે છે મોંઘેરો માલ.
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી તો દોડતો ઇ હાઇકોર્ટ ગ્યેલો,
ને જઇને વકીલને ઇ ક્યે:
ચકલી ને ચકલો તો માળો બાંધે છે,
હવે તાત્કાલિક લાવી દ્યો સ્ટે.
બેસવા દીધું ને એમાં એવું માને છે,
જાણે બાપાની હોય ના દિવાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી જુવાનજોધ ઝાડવાને કીધું,
કે માંડ્યા છે શેના આ ખેલ?
બાજુના ફળિયેથી ઊંચી થઇ આજકાલ,
જુએ છે કેમ ઓલી વેલ?
શેની ફૂટે છે આમ લીલીછમ કૂંપળ,
ને ઊઘડે છે ફૂલ કેમ લાલ?
એની રોજે રોજ હોય છે બબાલ

– કૃષ્ણ દવે

મારા પ્રિય કવિની કવિતા ફરી એક વાર અહીં રજુ કરુ છું. પ્રકૃતિનાં તત્વોના સુભગ દર્શનો તો અગણિત લખાયાં છે. પણ આ કવિની દ્રષ્ટિ કાંઇક જુદાજ મિજાજની છે.આ રીતે પણ આપણે આ સૌને જોઇ શકીએ!

પરોક્ષ રીતે કવિનો આક્રોશ છે કે, આપણે આધુનિકતામાં અને જીવનસંઘર્ષમાં પ્રકૃતિના તત્વોને જોવાની દૃષ્ટિ ખોઇ બેઠા છીયે. બધાની સાથે તકરાર કરવાની માણસની રીત પર પણ કવિનો આ વેધક કટાક્ષ દિલ પર અસર તો કરી જાય છે- અને તેય કેટલી બધી હળવાશથી ?

આ કવિને પૂરા માણવા હોય તો તેમની કૃતિ ‘વાંસલડી ડોટ કોમ’ વાંચશો.

Comments (4)

પત્થરનો ઇશ્વર – કૃષ્ણ દવે

મંદિર ભીતર છપ્પન છપ્પન ભોગ લગાવી,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?
ને મંદિરની બહાર ભભુક્યા કરતી,
આ જઠરોની જ્વાળા,
કોઇ ન ઠારે? કોઇ ન ઠારે?    

સોનાના હિંડોળા હો, કે હો મખમલના ગાદીતકિયા,
પત્થરની આંખોને તે કંઇ નીંદર આવે?
અરે જુઓ આ મખમલ જેવા બાળકને,
પાષાણ પથારીમાંયે કેવાં
જાતજાતનાં સપનાં આવે?
ભલે પછી એ દોડ્યે રાખે,
આખું જીવતર આ ખાંડાની ધારે ધારે.
એવે ટાણે પુષ્પોના નાજુક સથવારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?

લજ્જા શેરી વચ્ચે આવી સ્વયં વસ્ત્રની ખોજ કરે છે,
ને વસ્ત્રોના હરનારા બેઠાબેઠા કેવી મોજ કરે છે.
અને કાળ પણ આ ઘટનાનું પુનરાવર્તન રોજ કરે છે.
એવે ટાણે લીલાંપીળાં, લાલગુલાબી,
વસ્ત્રોની જૂઠી ભરમારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?

જ્યાં બાળક પહેલા સ્તનપાને, દૂધ નહીં પણ દુઃખ પીએ છે,
જ્યાં જીવન ડગલે ને પગલે,
મધમાખીશા ડંખ જીવે છે,
અને વલોવી ઇચ્છાઓને,
બાળી બાળી જાત સીવે છે.
એવે ટાણે પંચામૃતની મીઠી ધારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?

– કૃષ્ણ દવે

આ કાવ્યમાં પત્થરની મૂર્તિને સ્વાર્થી લાલસાઓમાં ભજી ભજીને પત્થર જેવા થઇ ગયેલા- ઇશ્વરનો અંશ મનાતા – આપણા આત્માને સંબોધન છે. મગરની ચામડી જેવી થઇ ગયેલી આપણી સંવેદનશીલતા ઉપર કવિનો આ તીવ્ર આક્રોશ છે. આપણે ક્યારે આપણી અંદર રહેલા પત્થરના એ ઇશ્વરને તજીને આ રડતા ઇશ્વરને સાંભળીશું?

Comments (3)

પળ બે પળ – કૃષ્ણ દવે

મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ,
ચાલને રમીએ પળ બે પળ.

હું રહેવાસી પત્થરનો, ને તારું સરનામું ઝાકળ,
ચાલને રમીએ પળ બે પળ.

થોડી ઉઘડે મારી ઇચ્છા. થોડી ઉઘડે તારી પણ.
હું અહીંથી આકાશ મોકલું. તું પીંછાથી લખ સગપણ.
આજ અચાનક દૂર દૂરથી, આવીને ટહૂકે અંજળ.
ચાલને રમીએ પળ બે પળ.

રમતાં પહેલાં ચાલ તને હું, આપી દઉં થોડી સમજણ.
રમતાં રમતાં ભુલી જવાનું, દેશ વેશ સરનામું પણ.
બુંદબુંદમાં ભળી જવાનું. વહી જવાનું ખળ ખળ ખળ.
ચાલને રમીએ પળ બે પળ.

– કૃષ્ણ દવે

આ કાવ્યમાં ઇશ્વર સાથે સખા ભાવને બહુ જ સુંદર રીતે કવિએ વ્યક્ત કર્યો છે. બાળકને કોઇ ગુરુતા કે લઘુતા ગ્રંથી નથી હોતી. તેને પોતાની ચીજનું બહુ જ ગૌરવ હોય છે. પણ આ તો આધેડ વયના બાળકની કવિતા છે. કવિ સારી રીતે જાણે છે કે તે જેને પોતાનો ઢગલો કહે છે , તે તો રેતીનો- શુષ્ક છે. તેના સખા પાસે તો નાનો ખોબો જ છે – પણ છે પાણીનો- જીવનનો ! આકાશનો સંદર્ભ આપીને કવિ પોતાના ખાલીપણાને વ્યક્ત કરે છે અને પોતાના અમાપ ઓરતાને પણ દર્શાવે છે.
અને જુઓ તો ખરા .. મોટા ભા થઇને રમવાની શરતો પણ સાવ બાળકની જેમ પોતે જ નક્કી કરે છે.પણ તેમાં પણ ઇશ્વર સાથે એકાકાર થઇ જવાની ભાવના કેવી સરસ રીતે વ્યક્ત કરી છે?

Comments (8)

આ તે કેવું ? – કૃષ્ણ દવે

ઝરણાંનું દે નામ અને ના આપે વહેવું! આ તે કેવું?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું! આ તે કેવું ?

રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર?
ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર?
તું બોલે બેફામ ને મારે કંઈ ના કહેવું? આ તે કેવું?

હોય વૃક્ષની જાત અને ના છાંયો આપે?
છે અમાસની રાત અને પડછાયો આપે?
માંગું ખુલ્લેઆમ ને તારે કંઈ ના દેવું? આ તે કેવું?

મત્સ્ય હોઉં ને જળને કંઈ તરવાનું પૂછું?
વાદળ છું તો વરસું, કંઈ સરનામું પૂછું?
ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું! આ તે કેવું?

– કૃષ્ણ દવે

Comments (2)

વાંસલડી ડૉટ કૉમ… – કૃષ્ણ દવે

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…

એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…

કૃષ્ણ દવે ગીતોનો માણસ છે. અમરેલી જિલ્લાના ધારી ગામમાં ૪-૯-૧૯૬૩ ના રોજ જન્મેલાં કૃષ્ણ દવે આજે ભલે બેન્કમાં કામ કરતાં હોય, પણ મોટાભાઈનું શિક્ષણ ખોરંભે ન ચડે એટલે સુથારીકામ કરી ઘેર ઘેર જઈ ફર્નિચર પણ બનાવતાં હતાં. કાવ્યસંગ્રહો: ‘પ્રહાર’, ‘વાંસલડી ડૉટ કૉમ’, ‘ભોંદુભાઈ તોફાની (બાળકાવ્યો)’.

Comments (14)