પત્થરનો ઇશ્વર – કૃષ્ણ દવે
મંદિર ભીતર છપ્પન છપ્પન ભોગ લગાવી,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?
ને મંદિરની બહાર ભભુક્યા કરતી,
આ જઠરોની જ્વાળા,
કોઇ ન ઠારે? કોઇ ન ઠારે?
સોનાના હિંડોળા હો, કે હો મખમલના ગાદીતકિયા,
પત્થરની આંખોને તે કંઇ નીંદર આવે?
અરે જુઓ આ મખમલ જેવા બાળકને,
પાષાણ પથારીમાંયે કેવાં
જાતજાતનાં સપનાં આવે?
ભલે પછી એ દોડ્યે રાખે,
આખું જીવતર આ ખાંડાની ધારે ધારે.
એવે ટાણે પુષ્પોના નાજુક સથવારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?
લજ્જા શેરી વચ્ચે આવી સ્વયં વસ્ત્રની ખોજ કરે છે,
ને વસ્ત્રોના હરનારા બેઠાબેઠા કેવી મોજ કરે છે.
અને કાળ પણ આ ઘટનાનું પુનરાવર્તન રોજ કરે છે.
એવે ટાણે લીલાંપીળાં, લાલગુલાબી,
વસ્ત્રોની જૂઠી ભરમારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?
જ્યાં બાળક પહેલા સ્તનપાને, દૂધ નહીં પણ દુઃખ પીએ છે,
જ્યાં જીવન ડગલે ને પગલે,
મધમાખીશા ડંખ જીવે છે,
અને વલોવી ઇચ્છાઓને,
બાળી બાળી જાત સીવે છે.
એવે ટાણે પંચામૃતની મીઠી ધારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?
– કૃષ્ણ દવે
આ કાવ્યમાં પત્થરની મૂર્તિને સ્વાર્થી લાલસાઓમાં ભજી ભજીને પત્થર જેવા થઇ ગયેલા- ઇશ્વરનો અંશ મનાતા – આપણા આત્માને સંબોધન છે. મગરની ચામડી જેવી થઇ ગયેલી આપણી સંવેદનશીલતા ઉપર કવિનો આ તીવ્ર આક્રોશ છે. આપણે ક્યારે આપણી અંદર રહેલા પત્થરના એ ઇશ્વરને તજીને આ રડતા ઇશ્વરને સાંભળીશું?
હરીશ દવે said,
August 29, 2006 @ 11:20 PM
ભાઈ શ્રી કૃષ્ણ દવેની એક. વધુ એક .. સુંદર રચના!
શબ્દોના સરળ છતાં છટાદાર અર્થપૂર્ણ ઉપયોગથી કેવી ચોટ ઉભરે તેનું આ ઉદાહરણ છે. …
“ડુંગર ટોચે દેવ વિરાજે … જય જગન્નાથ .. “ ની યાદ આવી ગઈ! .. હરીશ દવે
nilam doshi said,
August 31, 2006 @ 4:02 AM
આ સાથે કરસનદાસ માણે કની રચના યાદ આવી ગઇ.”ડુંગર ટોચે દેવ બિરાજે….”મજા આવી ગઇ માણવાની.સાચાઅર્થમાં ઇશ્વરની,,,પૂજા કયારે શરૂ થશે?શ્રાવણ મહિનામાં ભગવાન ને દૂધની નદીઓ અને મંદિર પાસે ટીપું દૂધ વિના ટળવળતા નાના ભુલકાઓ!!!આ દ્રશ્યો કયાં સુધી હજુ જોવાના?
ઈશ્વર « અંતરની વાણી said,
January 9, 2008 @ 12:11 PM
[…] મંદિર ભીતર છપ્પન છપ્પન ભોગ લગાવી, આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે? ને મંદિરની બહાર ભભુક્યા કરતી, આ જઠરોની જ્વાળા, કોઇ ન ઠારે? કોઇ ન ઠારે? […]