(છંછેડાઈ ગયા ને?) – કૃષ્ણ દવે
સહેજ તમારી વાત કરી કે તરત જ છંછેડાઈ ગયા ને?
કપડાં પરથી રજ ખંખેરે એમ જ ખંખેરાઈ ગયા ને?
ચારે બાજુ તમે જ વાવેલા એ તમને યાદ હશે ને?
અડાબીડ ઊગેલા જૂટ્ઠાણાઓથી ઘેરાઈ ગયા ને?
જેમ લખાવે સમય એમ ખુદને પણ લખતા ગયા હોત તો?
ઉતાવળા થઈ ટપક્યા કાગળ ઉપર તો રેલાઈ ગયા ને?
નદી જેમ વહેવાનો દાવો ઘણા બધા કરતા જ રહે છે.
તમેય મોજું થઈ આવ્યા તે પાછા હડસેલાઈ ગયા ને?
મૂળ વિના ઊગ્યાની વાતો ટકી ટકીને ટકે કેટલી?
જરા મિલાવ્યો હાથ હવાએ તો પણ ધક્કેલાઈ ગયા ને?
ઘણી વાર સમજાવ્યુ’તું ને? પાણીને પણ ધાર હોય છે!
આંસુની આડે ઊતર્યા તો વચ્ચેથી વે’રાઈ ગયા ને?
કિરણોની પહેલી જ સભામાં ઝાકળના ઝભ્ભા પહેરીને –
ઝળહળતા રહેવાના ભાષણ પળમાં સંકેલાઈ ગયા ને?
‘તમે નથી’ની સાબિતીમાં તમે જ બોલો વધુ હોય શું?
સૂરજની સામે જ તમારા પડછાયા વેડાઈ ગયા ને?
– કૃષ્ણ દવે
ગણગણ્યા વિના વાંચવી શક્ય જ ન બને એવી મજાની લયપ્લાવિત રચના. બધા જ શેર સહજ સાધ્ય છે…
pragnajuvyas said,
December 30, 2021 @ 9:43 PM
કિરણોની પહેલી જ સભામાં ઝાકળના ઝભ્ભા પહેરીને –
ઝળહળતા રહેવાના ભાષણ પળમાં સંકેલાઈ ગયા ને?
‘તમે નથી’ની સાબિતીમાં તમે જ બોલો વધુ હોય શું?
સૂરજની સામે જ તમારા પડછાયા વેડાઈ ગયા ને?
વાહ્
શ્રી કૃષ્ણ દવે સંવેદનશીલ કવિ છે. કસબી જણ છે. જબરા કવિ છે
આપણે વાંસલડી.કોમ અથવા આ સઘળા ફૂલોને કહી દો..ના ગીતોથી એમને ઓળખીએ છીએ..
પણ અત્યારે ગઝલ પર એમનું ધમધોકાર અને એવું જ બળકટ કામ ચાલે છે..
તાજેતરના ગુજરાતના વાતાવરણે એમની સંવેદનાને ઝંકૃત કરી
અને કવિનું સંવેદન તો કવિતામાં જ પરિણમે ને?
ડૉ વિવેકના આસ્વાદ ‘ગણગણ્યા વિના વાંચવી શક્ય જ ન બને એવી મજાની લયપ્લાવિત રચના. ‘અનુભવી જોયુ
Vineschandra Chhotai 🕉 said,
December 31, 2021 @ 8:39 AM
બહુજ સરસ કવિ
સુંદર રચના
રજૂઆત
અભિનદન ને અભર
જયેન્દ્ર ઠાકર said,
December 31, 2021 @ 9:46 AM
કાગળના ફુલો માં ખુશબુ ક્યાંથી હોય! સરસ ઉદ્દાહરણોથી કવિ સત્યને સજાવે છે!
હરીશ દાસાણી. said,
December 31, 2021 @ 12:14 PM
ખૂબ સરસ મસ્તીખોર ગઝલ