જોઈ કુબેરી ભાગ્ય હથેળીમાં ખુશ ન થા,
સંભવ છે ખાલી હાથનો કિસ્સો ફરી બને.
શૂન્ય પાલનપુરી

અમદાવાદ સાથે શું વેર છે? – કૃષ્ણ દવે

મુંબઈમાં ધોધમાર દીધે રાખો છો ને કોરુંધાકોર મારું શ્હેર છે!
કહો, અમદાવાદ સાથે શું વેર છે?

બેડાં ભરે ને પાછાં કાંઠે ઠલવી દે છે, વાદળીયુંય આળસુની પીર!
અડધા અષાઢમાંય સુરજ ક્યાં જંપે છે? મારે છે તડકાનાં તીર!
વ્હાલની આ વ્હેંચણીના વરસાદી ખાતામાં જોઈ લ્યો ભાઈ, કેવું અંધેર છે!
કહો, અમદાવાદ સાથે શું વેર છે?

લીલી કંકોત્રીઓ લખવામાં આળસું જરાક અમે છઈએ તો છઈએ,
એમાં અકળાઈ તમે ઠલવ્યે રાખો છો, ઈ કેટલો બફારો અમે સહીએ?
સાંબેલાધારે નહીં, ઝરમર થઈ આવો ને, અમને તો તોય લીલાલ્હેર છે.
કહો, અમદાવાદ સાથે શું વેર છે?

– કૃષ્ણ દવે

કૃષ્ણ દવે સાંપ્રત વિષયો પરનાં કાવ્યો માટે જાણીતા છે. અને કવિ તો કોઈની પણ ખબર લઈ પાડે. આ વરસે મેહુલિયો બરાબરનો મંડ્યો છે. તળગુજરાત અને સૌરાષ્ટ્રમાં પૂરની પરિસ્થિતિ છે. મુંબઈ પણ એ રીતે જળબંબાકાર છે કે ગૌરાંગ ઠાકરનો શેર યાદ આવે:

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

પરંતુ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત કોરુંધાકોર છે એટલે અમદાવાદના કવિ મુંબઈનો સંદર્ભ લઈને મેઘરાજાનો ઉધડો ન લે તો જ નવાઈ. વરસાદ અમદાવાદ પર મહેર કરશે કે કેમ એ તો વરસાદ જ જાણે પણ આપણને તો નખશિખ સુંદર ગીતરચના સાંપડી એનો જ આનંદ!

9 Comments »

  1. Yogesh Samani said,

    July 25, 2024 @ 12:06 PM

    વાહ વાહ ને વાહ.

  2. Yogesh Samani said,

    July 25, 2024 @ 12:07 PM

    વાહ વાહ ને વાહ. મજા પડી ગઈ.

  3. સુષમ પોળ said,

    July 25, 2024 @ 12:20 PM

    વાહ વાહ ખૂબ સુંદર રચના
    કેવો સુંદર લય……આહા….અમદાવાદ શહેરમાં ભલે જળલહરી ના હોય,કવિતા કેટલી પ્રવાહી…!! વાહ મજા પડી..

  4. Aasifkhan Pathan said,

    July 25, 2024 @ 12:22 PM

    વાહ વાહ સરસ ગીત

  5. Shah Raxa said,

    July 25, 2024 @ 1:03 PM

    વાહ..વાહ..સરસ ગીત..સુંદર લયબદ્ધ..

  6. Harihar Shukla said,

    July 25, 2024 @ 4:18 PM

    અનરાધાર આનંદ👌

  7. અસ્મિતા શાહ said,

    July 25, 2024 @ 5:22 PM

    વાહ વાહ અને બસ વાહ….

  8. ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ' said,

    July 27, 2024 @ 12:05 PM

    વાહ, કૃષ્ણ દવે 💐

  9. Poonam said,

    August 28, 2024 @ 11:15 AM

    કહો, અમદાવાદ સાથે શું વેર છે?
    – કૃષ્ણ દવે – 😊

    તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
    રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.
    – ગૌરાંગ ઠાકર – Aahaa ! Aaswad 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment