અમને શું ફેર પડે બોલો ?- કૃષ્ણ દવે
ઢેફું સમજીને તમે ફેંકી દ્યો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો
અમને શું ફેર પડે બોલો ?
આંગળીયું પકડી ક્યાં આવ્યા’તા કોઈની તે ભૂલા પડવાથી હવે ડરીએ ?
મારગ ને પગલાંને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ
લ્હેરખીને જોઈ ઘણાં ભોગળ ભીડે ને વળી કોઈ કહે બારીયું તો ખોલો
અમને શું ફેર પડે બોલો ?
વગડે વેરાન હારે વાતું મંડાણી ને મન થયું ઊગ્યા તો ઊગ્યા
આપણે ક્યાં માળીને કરગરવા ગ્યા’તા ભાઈ, ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા
ડાળીયું પર ઝૂલે છે આખું આકાશ એમાં પોપટ બેસે કે વળી હોલો !
અમને શું ફેર પડે બોલો ?
આપણે ક્યાં પરપોટા ભેગા કરવા’તા તે કાંઠે જઈ માથાં પછાડીએ ?
એકાદો મરજીવો મૂળ લગી પ્હોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ
બાકી તો ઝાંઝવાને કરવતથી વેરો કે રંધા મારીને તમે છોલો!
અમને શું ફેર પડે બોલો ?
– કૃષ્ણ દવે
ક્ષેત્ર કોઈ પણ હોય, નવોદિતોનો પ્રવેશ સતત ચાલુ જ રહેવાનો અને એક તરફ નવોદિતોને પોતાનું મહત્ત્વ સાબિત કરવાની ચાહ હોય તો બીજી તરફ જૂના જોગીઓ નવા નિશાળિયાંઓને નીચા ઊતારી પાડવાની એકેય તક જતી કરવા તૈયાર નથી હોતા… પણ જે ભીતરના સત્વથી સુપેરે પરિચિત હોય છે એને દુનિયાના ત્રાજવાના માપતોલથી કોઈ ફરક પડતો નથી. દુનિયા એને સોનાના ત્રાજવે તોલે કે ઢેફુ ગણીને ફેંકી દે, એ હરફન-મૌલા નિજાનંદમાં જ મસ્ત રહેવાનો. એ કોઈ ગોદફાધરની આંગળી પકડીને આવ્યો નથે એટલે એને રાહ ભૂલવાનો ડર નથી. ભલે એને જોઈને કોઈ દરવાજા વાખી દે કે કોઈ બારી ખોલીને આવકારે. એ તો એવી છીપ છે જે કોઈ મરજીવો એના તળ સુધી પહોંચે તો જ પોતાનું મોતી ધરે…
suresh shah said,
January 12, 2018 @ 12:40 AM
Enjoyed as usual
all the best
જગદીશ કરંગીયા ‘સમય’ said,
January 12, 2018 @ 1:38 AM
સુંદર ગીત..
Jagdish Karangiya ‘Samay’
https://jagdishkarangiya.wordpress.com
Shivani Shah said,
January 12, 2018 @ 4:46 AM
‘ઢેફું સમજીને તમે ફેંકી દ્યો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો
અમને શું ફેર પડે બોલો ?’
સાવ સાચી વાત!
વિચારો અને લાગણીઓની અભિવ્યક્તિનું માધ્યમ એટલે ભાષા એને ઊંડાણમય લય પ્રદાન કરવી એ કંઇ નાનુસૂનુ કામ નથી. માટે જ કવિએ કહ્યું હશે કે …
‘ક્ષણ સરકતું, લય લહરતું વૃક્ષ છું,
શ્વાસને સંચાર સરતું વૃક્ષ છું.
હો ધરા કે હો ગગન, મ્હોરી ઊઠું,
હું ફૂલોની જેમ ફરતું વૃક્ષ છું.
મર્મરે છે પંખીઓ, પર્ણો, પવન,
કલરવે કલ્લોલ કરતું વૃક્ષ છું.
તું ખખડધજ કાળ, ખોડાઈ રહે,
હું તો હળવે હરતુંફરતું વૃક્ષ છું.
ડાળ-નીચે-મૂળ-ઊંચે શબ્દનું –
હું પરમ મકરંદ ઝરતું વૃક્ષ છું…
– શ્રી રાજેન્દ્ર શુક્લ ( શ્રી સુરેશ દલાલ સંકલિત ‘ કવિતાનો આનંદ’ માંથી)
Shivani Shah said,
January 12, 2018 @ 4:47 AM
‘ઢેફું સમજીને તમે ફેંકી દ્યો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો
અમને શું ફેર પડે બોલો ?’
સાવ સાચી વાત!
વિચારો અને લાગણીઓની અભિવ્યક્તિનું માધ્યમ એટલે ભાષા એને ઊંડાણમય લય પ્રદાન કરવી એ કંઇ નાનુસૂનુ કામ નથી. માટે જ કવિએ કહ્યું હશે કે …
‘ક્ષણ સરકતું, લય લહરતું વૃક્ષ છું,
શ્વાસને સંચાર સરતું વૃક્ષ છું.
હો ધરા કે હો ગગન, મ્હોરી ઊઠું,
હું ફૂલોની જેમ ફરતું વૃક્ષ છું.
મર્મરે છે પંખીઓ, પર્ણો, પવન,
કલરવે કલ્લોલ કરતું વૃક્ષ છું.
તું ખખડધજ કાળ, ખોડાઈ રહે,
હું તો હળવે હરતુંફરતું વૃક્ષ છું.
ડાળ-નીચે-મૂળ-ઊંચે શબ્દનું –
હું પરમ મકરંદ ઝરતું વૃક્ષ છું…’
– શ્રી રાજેન્દ્ર શુક્લ ( શ્રી સુરેશ દલાલ સંકલિત ‘ કવિતાનો આનંદ’ માંથી)
હિમલ said,
January 13, 2018 @ 12:41 AM
વાહ. મજાની રચના
Himanshu Jasvantray Trivedi said,
January 17, 2018 @ 6:41 AM
એકાદો મરજીવો મૂળ લગી પ્હોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ
બાકી તો ઝાંઝવાને કરવતથી વેરો કે રંધા મારીને તમે છોલો!
અમને શું ફેર પડે બોલો ?
વાહ, શ્રી કૃષ્ણ દવે, બહુજ સરસ કૃતિ. આભાર.
La Kant Thakkar said,
September 3, 2018 @ 8:20 AM
” … કી ફરક પેંદા હૈ યારોં ?…”
નિજાનંદી જીવ …. સમથળ મનનો ધણી, ધની પણ…
“હો ધરા કે હો ગગન, મ્હોરી ઊઠું,” ની જેમ પાણીની જેમ પોતાની સપાટી શોધી લે,સંતુલિત રહે … લગભગ !