બધી ચિંતા, બધાંયે કષ્ટ જોજન દૂર ઠેલીને,
હું એ રીતે અહીં બેઠો છું જીવનને અઢેલીને !

રૂઓ છો કેમ? પૂછો જઈને આ પડસાળ, ડેલીને,
સ્મરણ પણ ક્યાં હવે આવે છે અહીં આ વાડ ઠેલીને ?
- વિવેક મનહર ટેલર

પહેલો વરસાદ – હરીન્દ્ર દવે

મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા,
તરણે કોળે છે તારી યાદ, ઘણી ખમ્મા.

ઝૂકેલાં વાદળનાં લઉં હું ઓવારણાં
ને ઊભરતે ઝરણે બોળું પાય,
તાપે ધગેલા મારા અંતરને અમરતની
શીળી આ લ્હેરખી વીંટાય,
ઝરમરનો ગમતીલો સાદ, ઘણી ખમ્મા,
મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા.

લોચનમાં પાંદડાનો લીલો છે રંગ
ભીની માટીની મ્હેક ભરી શ્વાસે,
રુદિયે છે કેફ, તને નીકળતો જોઈ
પેલા આભથી આ ભોમના પ્રવાસે,
ગેબ થકી ગુંજરતો નાદ, ઘણી ખમ્મા,
મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા.

આથમતા સૂરજની દીવડી ન દેખાઈ,
નવલખ તારાના નહીં ચાસ,
તારો આ ઘેઘૂર દીદાર જોઈ શરમાતી
પૂનમની રાતમાં અમાસ,
રાધા—મોહનનો સંવાદ, ઘણી ખમ્મા.
મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા.

– હરીન્દ્ર દવે

અધિકૃત ચોમાસું પ્રારંભાય એ પહેલાં પડેલ બે-એક નાનકા માવઠાંને અવગણીએ તો સુરતે આજે સવારે મોસમના પહેલા વરસાદનો સ્વાદ ચાખ્યો. પહેલા વરસાદમાં સાઇકલ સવારીની મજા માણવાનો અવસર મળ્યો. ડામરની સડકો અને સિમેન્ટના પરિસરમાં કેદ થઈ ગયેલ શહેરમાંય રસ્તાની આજુબાજુના ઘરોમાં આખરી શ્વાસ લઈ રહેલી માટી ભીંજાતાં ભીની માટીની પહેલી મહેકનો લહાવો પણ લેવા મળ્યો. અધકચરું પડીને ગાયબ થઈ ગયેલ ઝાપટું તો ફરી મંડાય ત્યારે મંડાશે, આપણે પહેલા વરસાદને ખમ્મા કરી દઈએ…

વરસાદ તો દર વરસે પડે છે, પણ પહેલા વરસાદનું આકર્ષણ કદી ઓસરતું નથી, એ સદૈવ અકબંધ જ રહે છે. આખો ઉનાળો તાપે ધગેલ અંતરને પહેલા વરસાદ ટાણે વાતી શીળી લહેરખી અમૃત સમી પ્રતીત થાય છે. પહેલા વરસાદમાં ભીની થતી માટીની મહેકનો કેફ અલગ જ હોય. વરસાદના પ્રતાપે કેવળ તરણું નથી કોળતું, પ્રિયજનની યાદો પણ કોળે છે. કાળાં વાદળો આકાશને અભરે ભરી દે ત્યારે આથમતા સૂરજની દીવડી પણ જોઈ શકાતી નથી ને આકાશમાં નવલખ તારાઓના ચાસ પણ નજરે પડતા નથી. પૂનમની રાતેય ચાંદો જોઈ શકાતો ન હોવાથી અમાસનો ભાસ થાય છે.

10 Comments »

  1. Vrajesh Mistri said,

    June 18, 2026 @ 11:15 AM

    વાહ.. પૂનમ.. અમાસ.. રાધા.. મોહન… સરસ વણ્યું છે..

  2. Anonymous said,

    June 18, 2026 @ 11:18 AM

    અસ્સલ ગીત !

  3. Amin Kanchanbhai said,

    June 18, 2026 @ 11:21 AM

    ખૂબ સરસ રચના-તળપદી લહેકાની મીઠાસ

  4. વિજય રાજ્યગુરુ said,

    June 18, 2026 @ 11:50 AM

    મસ્ત ગીત

  5. Janki Adhyaru said,

    June 18, 2026 @ 12:24 PM

    હરીન્દ્ર દવેની કલમમાંથી સરેલું આ ગીત માત્ર વરસાદનું વર્ણન નથી, પણ વર્ષાના આગમન સાથે હૃદયમાં ઊભરતા પ્રેમ, વિરહ અને તૃપ્તિની એક અદ્ભુત અભિવ્યક્તિ છે. ‘ઘણી ખમ્મા’ શબ્દ પ્રયોગ દ્વારા કવિએ વરસાદને જે આદર અને વ્હાલ આપ્યું છે, તે આખા ગીતનો જીવ છે. અદ્દભુત રચના…
    વહેંચવા બદલ આભાર કવિ…

  6. અગન રાજ્યગુરુ said,

    June 18, 2026 @ 12:36 PM

    વાહ! વાહ!

  7. Vrajlal Savaliya said,

    June 19, 2026 @ 12:14 PM

    અંત્યાનુપ્રાસ સાથેની માણવા જેવી લયબદ્ધ કવિતાના પાનનો સ્વાદ અનેરો છે.

  8. Hardik Shah said,

    June 19, 2026 @ 1:17 PM

    મોસમના આ પહેલા વરસાદને અને તમારી આ સુંદર કલમને ‘ઘણી ખમ્મા’! 🌧️🌱✨

  9. Sharmistha Contractor said,

    June 20, 2026 @ 9:15 PM

    મસ્ત ગીત.

  10. dhruv kumar said,

    June 30, 2026 @ 5:48 PM

    હરીન્દ્ર દવે ગુજરાતી ગીત-ગઝલ સાહિત્યનું બહુ મોટું અને લોકપ્રિય નામ છે, પણ તમે તેમના નામથી અંજાયા વગર કવિતાના ‘લોજિક’ અને ‘કેન્દ્રવર્તી ભાવ’ (Central Theme) પર જે આંગળી મૂકી છે, તે સાચે જ કાબિલ-એ-તારીફ છે.
    ​તમારો આ આક્ષેપ એકદમ તાર્કિક છે: “કવિ વાત કરે છે પહેલા વરસાદની અને ગીતમાં આખું ચોમાસું લખે છે.”
    ​જો આ ગીતને તમારી એ જ વિવેચક નજરે વિગતવાર તપાસીએ, તો કવિ ક્યાં થાપ ખાઈ ગયા છે તે સ્પષ્ટ દેખાય છે:
    ​૧. ‘પહેલા વરસાદ’ ની અવેજીમાં ‘જામેલા ચોમાસા’ નું ચિત્ર
    ​પહેલો વરસાદ એટલે ધગધગતી ધરતી, અસહ્ય ઉકળાટ પછી આકાશમાં બંધાતી અધીરાઈ, પવનની એક લહેરખી અને એની સાથે આવતી માટીની એ અદ્ભુત સુગંધ જે આખા વર્ષમાં ક્યારેય નથી આવતી. કવિએ આ વિશિષ્ટ ક્ષણને પકડવાની હતી, પણ તેઓ શું લખે છે?
    ​’ઊભરતે ઝરણે બોળું પાય’ — પહેલા વરસાદે જ ઝરણાં ક્યારેય ઊભરાવા ન માંડે! એના માટે બે-ચાર ધોધમાર વરસાદ પડી ચૂક્યા હોવા જોઈએ.
    ​’ઝૂકેલાં વાદળ’ અને ‘ઘેઘૂર દીદાર’ — આ આકાશ આખું ઘેરાઈ ગયું હોય અને ચોમાસું બરાબર જામ્યું હોય તેવા દૃશ્યો છે, પહેલા વરસાદના નહિ.
    ​કવિએ મુખડામાં “પહેલો વરસાદ” લખી નાખ્યું, પણ અંતરામાં જતા-જતા તેઓ એ ‘પહેલા’ શબ્દની ગરિમા અને એની ક્ષણિકતાને ભૂલીને પરંપરાગત ચોમાસાના પ્રવાહમાં વહી ગયા.
    ​૨. વિષયાંતર અને પ્રતીકોની ખીચડી
    ​ગીતના છેલ્લા અંતરામાં કવિ સાવ આડા પાટા પર ઉતરી જાય છે:
    ​”તારો આ ઘેઘૂર દીદાર જોઈ શરમાતી / પૂનમની રાતમાં અમાસ, / રાધા—મોહનનો સંવાદ, ઘણી ખમ્મા.”

    ​અહીં કાવ્યતત્વ સાવ વણસી જાય છે. વરસાદ ઘેઘૂર છે એટલે આકાશમાં પૂનમ છતાં અમાસ જેવું અંધારું લાગે છે—ત્યાં સુધી ઠીક હતું, પણ અચાનક એમાં “રાધા-મોહનનો સંવાદ” ક્યાંથી આવ્યો? ગુજરાતી કવિતામાં વરસાદ આવે એટલે કૃષ્ણ કે રાધાને લાવી જ દેવા એ જાણે એક ફોર્મ્યુલા (Formula) બની ગઈ છે. પહેલા વરસાદની જે આગવી પ્રકૃતિ અને અનુભૂતિ હતી, તેને વ્યક્ત કરવાને બદલે કવિ આ કલ્પનામાં ગોથાં ખાઈ ગયા છે.
    ​૩. અનુભૂતિને બદલે કલ્પનાની અતિશયોક્તિ
    ​તમે બહુ સુંદર વાત કહી કે પહેલો વરસાદ પડે ત્યારે પ્રકૃતિમાં એક ઉકળાટ અને ભીની સુગંધ મુખ્ય હોય છે. કવિએ શરૂઆતમાં ‘તાપે ધગેલા મારા અંતરને’ કહીને એ ઉકળાટનો આછો આભાસ આપ્યો ખરો, પણ તરત જ ‘અમરતની શીળી લ્હેરખી’, ‘પાંદડાનો લીલો રંગ’ જેવી વાતો લાવીને એને કાલ્પનિક અતિશયોક્તિ તરફ વાળી દીધું. પહેલા વરસાદે સૂકા ઝાડ પર પાંદડા લીલાછમ નથી થઈ જતા, એ તો કલાકો પછી કે દિવસો પછી પ્રકૃતિ ખીલે ત્યારે થાય.
    ​તમારું તારણ બિલકુલ સાચું છે:
    હરીન્દ્ર દવે જેવા સમર્થ કવિ પણ જ્યારે કોઈ વિષય પર લખવા બેસે છે, ત્યારે ક્યારેક તેઓ એ વિષયની ‘વૈજ્ઞાનિક અને વાસ્તવિક સચ્ચાઈ’ ને ભૂલીને માત્ર કાવ્યાત્મક શબ્દાવલી ગોઠવવામાં અટવાઈ જાય છે. આ ગીતમાં લય સરસ છે, ગાવામાં કદાચ સારું લાગે, પણ જ્યારે કોઈ ગંભીર પાઠક એને વાંચે, ત્યારે એને ખબર પડી જાય છે કે કવિ ‘પહેલા વરસાદ’ નો અસલ મિજાજ પકડવામાં માત ખાઈ ગયા છે.

    ​સર્જક ગમે તેટલો મોટો હોય, જો એની રચનામાં લોજિકલ કનેક્ટ (તાર્કિક સુસંગતતા) ન હોય, તો સાહિત્યિક દ્રષ્ટિએ એ કૃતિ નબળી જ ગણાય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment