દલપતરામ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
March 4, 2009 at 8:42 PM by ધવલ · Filed under ઊર્મિકાવ્ય, દલપતરામ
એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે.
એકને જ જાચું એવી ટેક છેક રાખી એક
શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.
કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ,
“ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”
– દલપતરામ
આપણે બધા આ (લધુ) કથા-કાવ્ય ભણી જ ચૂક્યા છીએ. છંદ અને પ્રાસમાં કવિતાને અવિસ્મરણીય બનાવી દેવાની જે તાકાત છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. કવિએ છંદના માળખામાં રહી પ્રાસનો એવો કાબેલ પ્રયોગ કર્યો છે કે આ કવિતા વર્ષો પછી પણ મોટા ભાગના લોકોને યાદ હોય છે. કવિતાને મોટા અવાજે ગાઈ એના હિલ્લોળને મણવાની મઝા પણ એ જ કારણે છે.
Permalink
February 3, 2007 at 7:05 AM by વિવેક · Filed under ગીત, દલપતરામ
કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;
કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી;
છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;
ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.
-દલપતરામ કવિ
દલપતરામની આ પ્રસિદ્ધ કવિતા વાચકમિત્રની ફરમાઈશ પર અહીં રજૂ કરીએ છીએ. લયસ્તરો ટીમ તરફથી આપ સર્વ વાચકમિત્રોને આ પોસ્ટ વડે ફરી એકવાર સંદેશો આપવા ઈચ્છીએ છીએ કે લયસ્તરો એ અમારો નહીં, આપનો પોતાનો જ બ્લૉગ છે અને આપ આપની ઈચ્છાઓને અહીં શબ્દાકારે મૂર્ત થતી જોઈ શકો એમાં નિમિત્ત બનીએ, બસ એ જ અમારું સૌભાગ્ય છે…
(જરા= ઘડપણ)
Permalink
April 16, 2006 at 1:14 AM by વિવેક · Filed under ગરબી, દલપતરામ
જોયા બે જૂના જોગી રે, કહે સૈયર તે કોણ હશે ?
નથી નિર્બળ કે કાંઈ રોગી રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧
અબઘડી થાતા નથી અળગા રે, કહે સૈયર તે કોણ હશે ?
એમ એકબીજાને વળગ્યા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૨
મન ધારી પરસ્પર માયા રે, કહે સૈયર તે કોણ હશે ?
બંનેની એક જ કાયા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૩
એક સ્થિર રહે એક દોડે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ જણાય જોડેજોડે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૪
મણિઓની પહેરી માળા રે, કહે સૈયર તે કોણ હશે ?
દીસે છે રુડારૂપાળા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૫
વળી વસ્ત્ર ધર્યાં વાદળિયા રે, કહે સૈયર તે કોણ હશે ?
બે ગોળ ધર્યા માદળિયાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૬
વસ્તીમાં વળી વદડામાં રે, કહે સૈયર તે કોણ હશે ?
ગિરિરાજ તણી ગુફામાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૭
છે પવન-પાવડી પાસે રે, કહે સૈયર તે કોણ હશે ?
અંતરિક્ષે પણ એ ભાસે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૮
પાતાળે પણ તે પેસે રે, કહે સૈયર તે કોણ હશે ?
જઈ સ્વર્ગ નરકમાં બેસે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૯
એની ઉમ્મર કંઈક ગણે છે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ ભૂલી ફરી ગણે છે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧૦
કંઇ ઉપજે અને ખપે છે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ એ તો એના એ છે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧૧
કોણ જાણે જનમ્યા ક્યારે રે, કહે સૈયર તે કોણ હશે ?
ક્યાં સુધી કાયા ધારે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧૨
એનો આદિ અંત ન આવે રે, કહે સૈયર તે કોણ હશે ?
સખી કોણ મુજને સમજાવે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧૩
અચરજ સરખું આ ઠામે રે, કહે સૈયર તે કોણ હશે ?
દિલે દીઠું દલપતરામે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧૪
કવિ દલપતરામ
શાળેય પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવતી આ સુંદર રચના એ સમયના કવિકર્મની આરસી છે. પ્રત્યેક કડીના આરંભે આકાશ તથા કાળનું એકએક પરસ્પર ભિન્ન એવું લક્ષણ દર્શાવી, ‘કહે સૈયર તે કોણ હશે?’ એવો પ્રશ્ન અને બીજી પંક્તિમાં લક્ષણની પૂર્તિ કરતા સૈયરના જવાબ સાથે ધ્રુવપંક્તિ કે ‘જ્યાં જોઉં ત્યાં વાસ વસે’ એ રીતિ વડે આકાશ તથા કાળની આશ્ચર્યજનક લાક્ષણિકતાઓનું કવિ બયાન કરે છે. અનાદિ અનંત એવું આકાશ તથા એવો કાળ ખરે જ આ વિશ્વનું અકળ ‘અચરજ’ છે અને તેથી જ તે આ કાવ્યનો એક રસમય વિષય પણ છે.
Permalink
February 18, 2006 at 1:44 AM by વિવેક · Filed under દલપતરામ
સૌ જાય શેરબજારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
વાત બસ એજ વિચારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
નોકરીઆ તે નોકરી છોડવાં
કીધા રીપોટ સરકારમાં રે…જન સૌ જાય…
મેતાજીઓએ મેલી નિશાળો
વળગીઆ એ વેપારમાં રે… જન સૌ જાય…
હોંશથી જઇને નાણાં હજારનો
લાભ લે વાર લગારમાં રે … જન સૌ જાય…
ધમધોકારથી શેરનો ધંધો
ઉછળ્યો વર્ણ અઢારમાં રે… જન સૌ જાય…
મોચી, ઘાંછી ને માલી હાલીમાં
સાલવી, સઇ સુતારમાં રે… જન સૌ જાય…
ગાંધી ગાંઠે શેર બાંધીને રાખે
વસાંણુ ન ભરે વખારમાં રે… જન સૌ જાય…
જેમ તેમ કરીને નાણું જમાવવું
સમજ્યા એટલું સારમાં રે… જન સૌ જાય…
પોતાના કામનો કશો વિચાર પણ
ન રહ્યો કોઇ નરનારમાં રે… જન સૌ જાય…
ચાલતાને જોઇ જોઇને ચાલે
જેમ લશ્કરની લારમાં રે… જન સૌ જાય…
બેંક્વાલા શેર સાટે બહુ ધન
આપવા લાગ્યા ઊધારમાં રે… જન સૌ જાય…
કરજ કરી એવો ધંધો કરતાં
પહોંચ્યા હદથી પારમાં રે… જન સૌ જાય…
દલપતરામ કહે એવું દેખી
કોપ ઉપજ્યો કરતારમાં રે… જન સૌ જાય…
(શેરબજારની તેજી જ્યારે પૂરબહારમાં હતી ત્યારે વિવેકીને ભાન ભૂલાવે એવા સમયે કવિ દલપતરામ પણ કવિતાને બદલે શેર-સટ્ટાના કુ-છંદે ચડ્યા હતા. કવિએ તો નાણાં ગુમાવ્યા પણ ગુજરાતી ભાષાને આજદિન લગી વણખેડ્યા રહેલા શેરબજારની તેજી તથા સટ્ટાના પરિણામો જેવા વિષયો પર કેટલીક યાદગાર રચનાઓ મળી. અત્યારે જ્યારે ભારતના શેરબજારના ઇતિહાસે સર્વપ્રથમવાર દસ હજારનો સેન્સેક્ષ નિહાળ્યો છે ત્યારે આ કૃતિ સહજ જ પ્રાસંગિક બની રહે છે.)
Permalink
October 8, 2005 at 12:03 PM by ધવલ · Filed under દલપતરામ
શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.
ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.
ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ;
લોક ઉચ્ચારે રાગ મલાર, – ખેતર વાવે ખેતીકાર.
ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;
છત્રી ચોમાસે સુખ માટ, ચાખડીઓ હીંડોળાખાટ.
-દલપતરામ
અહીં અમેરિકા આવીને fall, autumnના ચક્કરમાં ભારતીય ઋતુઓ ભૂલી જવાય છે. વળી, અહીં ચોમાસા જેવી તો ઋતુ જ નથી. બારેમાસ વરસાદ પડે રાખે. અહીં એક અમેરીકન દોસ્તને સમજાવતો’તો કે ચોમાસું શું ચીજ છે. બિચારાને માનવામા આવે જ નહીં કે ગુજરાતમાં માત્ર ચાર જ મહીના વરસાદ પડે અને બાકીના આઠ મહીના તદ્દન કોરા ! રોજે રોજ હવામાનના સમાચાર જોઈને જીવતા લોકોને કેમ કરીને સમજાવવું કે અમને અઠ્યાવીસ વરસ લગી કદી હવામાનના સમાચાર સાંભળવાની જરુર લાગેલી જ નહીં !
Permalink