જાત અટકી તોય ના અટકી પીડાની જાતરા,
જો અમે પથ્થર થયા તો ટાંકણા સામા મળ્યાં !
રમેશ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગરબી

ગરબી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મોહનમાં મોહિની – દયારામ

કિયે ઠામે ? મોહિની ન જાણી રે ! મોહનજીમાં,
કિયે ઠામે ? મોહની ન જાણી !

ભ્રૂકુટીની મટકમાં ? કે ભાળવાની લટકમાં ?
કે શું મોહની ભરેલી વાણી રે? મોહનજીમાં0

ખીટળિયાળા કેશમાં ? કે મદનમોહન વેશમાં ?
કે મોરલી મોહનની વખાણી રે? મોહનજીમાં0

શું મુખારવિંદમાં ? કે મંદહાસ્યફંદમાં ?
કે કટાક્ષે મોહની પિછાણી રે ? મોહનજીમાં0

ચપળ રસિક નેનમાં ? કે છાનીછાની સેનમાં ?
કે જોબનનું રૂપ કરે પાણી રે ? મોહનજીમાં0

શું અંગઅંગમાં ? કે લલિત ત્રિભંગમાં ?
કે શું અંગઘેલી કરે શાણી રે ? મોહનજીમાં0

દયાના પ્રીતમ પોતે મોહનીસ્વરૂપ છે
તનમનધને હું લૂંટાણી રે ! મોહનજીમાં0

– દયારામ

દયારામની ગરબીઓ માત્ર મધ્યકાલીન નહીં, સર્વકાલીન ગુજરાતી ગીતોનો સરતાજ છે. દયારામની ગરબી એમની બેવડી પ્રાસરચના -આંતરપ્રાસ તથા અંતર્પ્રાસ- ના કારણે સવિશેષ ધ્યાન ખેંચે છે. કિયા ઠામે મોહિની ના જાણીનો પ્રશ્ન રાધિકા જ્યારે દૃઢાવે છે ત્યારે એ પોતે પણ જાણે જ છે કે મોહિની કયા-કયા ઠામમાં છે પણ આ મિષે એ લાડલાને બે ઘડી લાડ કરવાની તક જતી કરે એમ નથી…

Comments (2)

વાંસલડીનો ઉત્તર – દયારામ

ઓ વ્રજનારી ! શા માટે તું અમને આળ ચડાવે ?
પુણ્ય પૂરવ તણાં, તેથી પાતળિયો અમને લાડ લડાવે.

મેં પૂરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢ-તડકા વેઠ્યાં તનમાં,
ત્યારે મોહને મહેર આણિ મનમાં, ઓ વ્રજનારી !

હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેઘઝડી શરીરે સહેતી,
સુખ-દુઃખ કાંઈ દિલમાં નવ લ્હેતી, ઓ વ્રજનારી !

મારે અંગ વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,
તે ઉપર છેદ પડાવિયા, ઓ વ્રજનારી !

ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કોમાં શિરોમણિ કીધી,
દેહ અર્પી અર્ધ અંગે દીધી, ઓ વ્રજનારી !

માટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ,
મારા ભેદગુણ દીસે ભારી ! ઓ વ્રજનારી !

– દયારામ

વ્રજની ગોપીઓ દયારામની એક ગરબીમાં કૃષ્ણ વાંસળીને પોતાના કરતાં વધુ વહાલ કરે છે એમ માનીને ‘વેરણ’ અને ‘શોક’ કહી બોલાવે છે એનો પ્રત્યુત્તર વાંસળી આ ગરબીમાં આપે છે. વાંસલી વ્રજનારીને કહે છે કે અમને નહક આળ ન દે. અમારા આગલા જન્મોના પુણ્ય છે. અમે વનમાં ટાઢ-તડકો-મેઘઝડીઓ ખુલ્લા ડિલે મનમાં સુખ-દુઃખ આણ્યા વિના ઝીલ્યાં છે. અંગે કાપા પડાવ્યા, સંઘાડે ચડ્યા અને પછી કાયામાં છીદ્રો પડાવ્યાં ત્યારે મુરારીએ મને હોઠવગી કીધી છે.

(ચાચર = ખુલ્લો ચોક)

Comments (2)

કિયે ઠામે મોહની – દયારામ

કિયે ઠામે મોહની ન જાણી રે,
.                          મોહનજી, કિયે ઠામે મોહની ન જાણી રે ? મોહનજીo

ભ્રકુટીની મટકમાં કે ભાળવાની લટકમાં
.                          કે શું મોહની ભરેલી વાણી રે ? મોહનજીo

ખિટળિયાળા કેશમાં કે મદનમોહન વેશમાં
.                          કે મોરલી મોહનની પિછાણી રે ? મોહનજીo

શું મુખારવિંદમાં કે મંદહાસ્ય ફંદમાં
.                          કે કટાક્ષે મોહની વખાણી રે ? મોહનજીo

કે શું અંગેઅંગમાં કે લલિતત્રિભંગમાં
.                          કે શું અંગ-ઘેલી કરી શાણી રે ? મોહનજીo

ચપળ રસિક નેનમાં કે છાની છાની સેનમાં
.                          કે જોબનનું રૂપ કરે પાણી રે ? મોહનજીo

દયાના પ્રીતમ પોતે મોહની સ્વરૂપ છે
.                          તનમનધને હું લૂંટાણી રે ! મોહનજીo

– દયારામ

ગોપીના મનોભાવનો અંચળો ઓઢીને નખશીખ કૃષ્ણપ્રેમની ચરમસીમાઓ આલેખતી દયારામની ગરબીઓ આપણી ભાષાની અણમોલ સમૃદ્ધિ છે. અત્યંત મનોહર ભાષામાં મુગ્ધ ગોપી અહીં કામદેવથી ય રૂપાળા મોહનનું વર્ણન કરે છે. શ્રીકૃષ્ણના કયા અંગમાં કે ગુણમાં એનું ખરું આકર્ષણ છે એ જાણે અહીં ગોપી શોધવાની કોશિશ કરી રહી છે અને અંતે ‘અખિલમ્ મધુરમ્’નો કાયદો સ્વીકારી લઈ તન-મન-ધનથી એના પ્રેમમાં લૂંટાઈ બેસે છે એ આખી રીતિમાં દયારામનું કવિત્વ એના સુભગ રૂપે પ્રકટ્યું છે. મટક-લટક, કેશ-વેશ, નેન-સેન જેવા મધ્યાનુપ્રાસ ગરબીને મીઠી ગાયકી બક્ષે છે.

Comments (1)

શ્યામ રંગ સમીપે ન જાવું – દયારામ

શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.

જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું.
કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં, કાજળ ના આંખમાં અંજાવું. મારે….

કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવું.
નીલાંબર કાળી કંચૂકી ન પહેરું, જમનાનાં નીરમાં ન ન્હાવું. મારે….

મરકતમણિ ને મેઘ દ્રષ્ટે ના જોવા, જાંબુ-વંત્યાક ના ખાવું.
’દયા’ના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે ‘પલક ના નિભાવું’. મારે….

દયારામ : કવિ પરિચય

Comments (4)

શહેરમાં પધાર્યા તાપી માત !

રૂડું   સૂરત   સરખું   શહેર,   જગરેલે  કાઢ્યું  ઝેર,
કંઈક     દહાડાનું     વેર,    એણે     લીધું    છે.

ઘણું   કીધું છે  નુકશાન,  સૌનાં  ઉતાર્યા છે માન,
એ    તો   કરતી  આવી  તાન,   દુ:ખ   દીઘું છે.

ફરતી   ફરતી  ઠામેઠામ,  સૌએ મૂકી મનની હામ,
કાંઠા   ઉપરના   ગામ,   ઘસડી    લાવી     છે.

બીજે   દહાડે   મંગળવાર, માએ રસ્તા રોક્યા બાર,
જોવા    નીકળ્યા   અમલદાર,    હારી   બેઠા  છે.

જ્યાં જ્યાં જઈએ ત્યાં પાણી, દુનિયા કરી ધૂળધાણી,
જાણે   સૂરત   લેશે   તાણી,    ભય    લાગે   છે.

આજે જ કોઈએ આ પંક્તિઓ તાપીના પાણી સામે હારી ગયેલા સુરતની હાલત જોઈને લખી હોય એવી લાગે છે. પણ ખરેખર આ પંક્તિઓ સો વરસ કરતા પણ જૂની છે. આ કૃપાશંકર વ્યાસે 1883માં લખેલી ગરબી ‘શહેરમાં પધાર્યા તાપી માત!’માંથી લીધી છે.

સવાસો વર્ષના સમય પછી અને બે-બે બંધ બાંધેલ હોવા છતાં આજે પણ પરિસ્થિતિ એની એજ છે એ પણ જોવા જેવી વાત છે.  કાલ સુધીમાં ધીમે ધીમે પાણી ઉતરશે એવી વાત છે. આ તો માત્ર શક્યતાની જ વાત છે અને વળી સામે વધુ વરસાદની આગાહી છે. સુરતમાં મારા ઘરમાં બેથી ચાર ફૂટ પાણી ભરાયા છે એવા સમાચાર મળ્યા છે. (અત્યારે ત્યાં કોઈ રહેતું નથી) હવે સુરતમાં કોઈ ફોન લાગતા નથી. માત્ર સમાચાર પરથી પરિસ્થિતિનો અંદાજ મેળવવાની કોશિશ કરું છું પણ આ તો કોઈ રીતે મગજમાં ના ઉતરે એવી વાત છે.

Comments (2)

આકાશ તથા કાળ વિશેની ગરબી – કવિ દલપતરામ

જોયા બે જૂના જોગી રે, કહે સૈયર તે કોણ હશે ?
નથી નિર્બળ કે કાંઈ રોગી રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.           ૧
અબઘડી થાતા નથી અળગા રે, કહે સૈયર તે કોણ હશે ?
એમ એકબીજાને વળગ્યા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.           ૨
મન ધારી પરસ્પર માયા રે, કહે સૈયર તે કોણ હશે ?
બંનેની એક જ કાયા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.                     ૩
એક સ્થિર રહે એક દોડે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ જણાય જોડેજોડે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.                     ૪
મણિઓની પહેરી માળા રે, કહે સૈયર તે કોણ હશે ?
દીસે છે રુડારૂપાળા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.                     ૫
વળી વસ્ત્ર ધર્યાં વાદળિયા રે, કહે સૈયર તે કોણ હશે ?
બે ગોળ ધર્યા માદળિયાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.           ૬
વસ્તીમાં વળી વદડામાં રે, કહે સૈયર તે કોણ હશે ?
ગિરિરાજ તણી ગુફામાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.           ૭
છે પવન-પાવડી પાસે રે, કહે સૈયર તે કોણ હશે ?
અંતરિક્ષે પણ એ ભાસે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.           ૮
પાતાળે પણ તે પેસે રે, કહે સૈયર તે કોણ હશે ?
જઈ સ્વર્ગ નરકમાં બેસે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.           ૯
એની ઉમ્મર કંઈક ગણે છે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ ભૂલી ફરી ગણે છે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.           ૧૦
કંઇ ઉપજે અને ખપે છે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ એ તો એના એ છે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.           ૧૧
કોણ જાણે જનમ્યા ક્યારે રે, કહે સૈયર તે કોણ હશે ?
ક્યાં સુધી કાયા ધારે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.                     ૧૨
એનો આદિ અંત ન આવે રે, કહે સૈયર તે કોણ હશે ?
સખી કોણ મુજને સમજાવે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.           ૧૩
અચરજ સરખું આ ઠામે રે, કહે સૈયર તે કોણ હશે ?
દિલે દીઠું દલપતરામે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.           ૧૪

કવિ દલપતરામ

શાળેય પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવતી આ સુંદર રચના એ સમયના કવિકર્મની આરસી છે. પ્રત્યેક કડીના આરંભે આકાશ તથા કાળનું એકએક પરસ્પર ભિન્ન એવું લક્ષણ દર્શાવી, ‘કહે સૈયર તે કોણ હશે?’ એવો પ્રશ્ન અને બીજી પંક્તિમાં લક્ષણની પૂર્તિ કરતા સૈયરના જવાબ સાથે ધ્રુવપંક્તિ કે ‘જ્યાં જોઉં ત્યાં વાસ વસે’ એ રીતિ વડે આકાશ તથા કાળની આશ્ચર્યજનક લાક્ષણિકતાઓનું કવિ બયાન કરે છે. અનાદિ અનંત એવું આકાશ તથા એવો કાળ ખરે જ આ વિશ્વનું અકળ ‘અચરજ’ છે અને તેથી જ તે આ કાવ્યનો એક રસમય વિષય પણ છે.

Comments

લોચન–મનનો ઝઘડો – દયારામ

લોચન – મનનો રે, કે ઝઘડો લોચન – મનનો !
રસિયા તે જનનો રે, કે ઝઘડો લોચન – મનનો ! ટેક0

પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ ?
મન કહે : “લોચન તેં કરી,” લોચન કહે : “તુજ હાથ.” 0ઝઘડો

“નટવર નિરખ્યા, નેન તેં, ‘સુખ આવ્યું તુજ ભાગ;
પછી બંધાવ્યું મજને, લગન લગાડી આગ ! 0ઝઘડો

“સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન ;
નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન.” 0ઝઘડો

“ભલું કરાવ્યું મેં તને – સુંદરવરસંજોગ;
હુંને તજી નિત તું મળે, હું રહું દુઃખવિજોગ.” 0ઝઘડો

“વનમાં વ્હાલાજી કને, હું વસું છું સુણ નેન !
પણ તુજને નવ મેળવ્યે, હું નવ ભોગવું ચેન.” 0ઝઘડો

“ચેન નથી મન ! કેમ તુંને ? ભેટ્યે શ્યામ શરીર ?
દુઃખ મારું જાણે જગત, રાતદિવસ વહે નીર.” 0ઝઘડો

મન કહે : “ધીખું હું હ્યદે ધૂમ પ્રગટ ત્યાં હોય,
તે તુંને લાગે રે નેન, તેહ થકી તું રોય.” 0ઝઘડો

એ બેઉ આવ્યાં બુદ્ધિ કને, તેણે ચૂકવ્યો ન્યાય,
“મન ! લોચનનો પ્રાણ તું, લોચન તું મન-કાય. 0ઝઘડો

સુખથી સુખ, દુઃખ દુઃખથી, મનલોચન ! એ રીત,
દયાપ્રીતમ શ્રીકૃષ્ણ-શું બેઉં વડેથી પ્રીત.” 0ઝઘડો

(ચાંદોદના વતની અને મોસાળ ડભોઈના નિવાસી કવિ દયારામ ( જ્ન્મ : ૧૭૭૭, મૃત્યુ : ૧૮૫૩) કૃષ્ણલીલા અને કૃષ્ણપ્રેમનું નિરૂપણ કરતી ગરબીઓ માટે પ્રસિદ્ધ છે. ઢાળની વિવિધતાવાળી એમની ગરબીઓ, એમના ઉમંગ-ઊછળતા ઉપાડથી, ભાષાના માધુર્યથી અને ભાવની ઉત્કટતાથી લોકપ્રિય બની છે. એમણે વ્રજ, હિન્દી અને ગુજરાતી ત્રણેમાં લખ્યું. ‘દયારામ રસસુધા’, ‘રસિક વલ્લભ’, ‘પ્રબોધબાવની’, અજામિલાખ્યાન’ વિ. એમના પુસ્તક. ક.મા.મુનશીએ કહ્યું હતું કે દયારામ નિતાંત શૃંગારકવિ જ છે. દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણવિરામ.)

Comments (5)