મોહનમાં મોહિની – દયારામ
કિયે ઠામે ? મોહિની ન જાણી રે ! મોહનજીમાં,
કિયે ઠામે ? મોહની ન જાણી !
ભ્રૂકુટીની મટકમાં ? કે ભાળવાની લટકમાં ?
કે શું મોહની ભરેલી વાણી રે? મોહનજીમાં0
ખીટળિયાળા કેશમાં ? કે મદનમોહન વેશમાં ?
કે મોરલી મોહનની વખાણી રે? મોહનજીમાં0
શું મુખારવિંદમાં ? કે મંદહાસ્યફંદમાં ?
કે કટાક્ષે મોહની પિછાણી રે ? મોહનજીમાં0
ચપળ રસિક નેનમાં ? કે છાનીછાની સેનમાં ?
કે જોબનનું રૂપ કરે પાણી રે ? મોહનજીમાં0
શું અંગઅંગમાં ? કે લલિત ત્રિભંગમાં ?
કે શું અંગઘેલી કરે શાણી રે ? મોહનજીમાં0
દયાના પ્રીતમ પોતે મોહનીસ્વરૂપ છે
તનમનધને હું લૂંટાણી રે ! મોહનજીમાં0
– દયારામ
દયારામની ગરબીઓ માત્ર મધ્યકાલીન નહીં, સર્વકાલીન ગુજરાતી ગીતોનો સરતાજ છે. દયારામની ગરબી એમની બેવડી પ્રાસરચના -આંતરપ્રાસ તથા અંતર્પ્રાસ- ના કારણે સવિશેષ ધ્યાન ખેંચે છે. કિયા ઠામે મોહિની ના જાણીનો પ્રશ્ન રાધિકા જ્યારે દૃઢાવે છે ત્યારે એ પોતે પણ જાણે જ છે કે મોહિની કયા-કયા ઠામમાં છે પણ આ મિષે એ લાડલાને બે ઘડી લાડ કરવાની તક જતી કરે એમ નથી…
Sharad Shah said,
March 29, 2014 @ 12:41 AM
જ્યારે હૃદય અને આંખ પ્રેમથી ભરાય ત્યારે ચારેકોર મનમોહન અને તેની મોહીની ન દેખાય તો શું દેખાવાનુ?જ્યારે હૃદય અને આંખ પ્રેમથી ભરાય ત્યારે ચારેકોર મનમોહન અને તેની મોહીની ન દેખાય તો શું દેખાવાનુ?
Bipin Desai said,
March 31, 2014 @ 8:01 PM
સુન્દર ..ભણ્યા ત્યારથિ આજ સુધિ આ ગરબીઓ ભુલાતિ ન્થિ…ફોન્ત લ્ખ્વામાં સ્ર્ળ ન્થિ.