સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.
રઈશ મનીઆર

આવકાર સપ્તાહ: ૦૭: “તારું શિખર તને મળી જાશે” – રાકેશ હાંસલિયા

કવિના ત્રીજા ગઝલસંગ્રહ ‘તારું શિખર તને મળી જાશે’નું લયસ્તરો પર સ્વાગત છે.

સંગ્રહની ૧૪૨ ગઝલોમાંથી એક સહજસાધ્ય અને શેરિયતથી ભરી ભરી ગઝલ આપ સહુ માટે. ત્રીજો સંગ્રહ હોય અને આટલું ગઝલબાહુલ્ય હોય ત્યારે કવિ પાસેની અપેક્ષા પણ વધી જાય એ સ્વાભાવિક છે. સરળ ભાષા, છંદપ્રભુત્વ, છંદવૈવિધ્ય સહિત ગઝલના બાહ્યસ્વરૂપ પરની કવિની પકડ નોંધપાત્ર છે, પણ વધુ પડતા ભરતીના શેર અને તૂકબંદીની માત્રાના કારણે સંગ્રહને હાનિ પહોંચે છે. અહીં રજૂ કરી છે એવી સુવાંગ અને સ્મરણીય ગઝલોની સંખ્યા સંચયમાં પ્રમાણમાં ઓછી જણાય છે. કળા અને કસબ –ઉભયમાં નિપુણ કવિની સમર્થ કલમેથી ભવિષ્યમાં આપણી ભાષાને રળિયાત અને વધુ સમૃદ્ધ કરે એવા સંગ્રહ અવતરે એવી દિલી સ્નેહકામનાઓ…

ફળિયે બેસું પગ લંબાવી

ફળિયે બેસું પગ લંબાવી,
સાંજ કદી ના એવી આવી.

ખુલ્લા છે દરવાજા એના,
તો પણ તું શોધે છે ચાવી?

ઓણ થયું ચોમાસું એવું,
બે-ત્રણ ઇચ્છા મેં પણ વાવી.

નીંદર પાછી વેરી થાશે,
ચાલ્યાં ગ્યાં એ મુખ મલકાવી.

તાજપ આવી માના ચહેરે,
પરવારી શિશુ નવડાવી!

ગુલાલ થઈ ગઈ શેરી આખી,
સ્હેજ ઊભાં એ ફળિયે આવી.

ચારે બાજુ જળ ભાસે છે,
તરસ થઈ છે એવી હાવી!

– રાકેશ હાંસલિયા

13 Comments »

  1. કૌશલ યાજ્ઞિક said,

    June 28, 2026 @ 11:16 AM

    વાહ સરસ
    સર્જક ને શુભેરછાઓ અને અભિનંદન

  2. Reena Parikh said,

    June 28, 2026 @ 11:20 AM

    સુંદર શેર 👌
    ખૂબ અભિનંદન તથા શુભેચ્છા !💐💐

  3. વિજય રાજ્યગુરુ said,

    June 28, 2026 @ 11:21 AM

    સરસ

  4. રાજેન્દ્ર ભટ્ટ said,

    June 28, 2026 @ 12:40 PM

    સુંદર રચના કવિશ્રી ને અભિનંદન

  5. Aasifkhan Pathan said,

    June 28, 2026 @ 1:04 PM

    કવી ને શુભેચછાઓ

    સરસ

  6. Yogesh Samani said,

    June 28, 2026 @ 1:05 PM

    વાહ. ખૂબ સરસ.
    અંતિમ શેરના સાનીમાં છંદ કેવી રીતે બેસે છે?

  7. ભગીરથ પંડ્યા said,

    June 28, 2026 @ 2:11 PM

    ઓવરઑલ ઍન્જોએબલ. વેરી નાઇસ. કવિ, અભિનંદન.

  8. વિવેક said,

    June 28, 2026 @ 2:55 PM

    @ યોગેશ સામાણી:

    આ છંદ છે:

    ગાગાગાગા ગાગાગાગા

    આ છંદમાં આઠ માત્રાના આ પ્રકારના આવર્તન વાપરી શકાય:

    લગાલગાગા
    ગાલલગાગા
    ગાગાગાલલ વગેરે…

    ગાગાલલગા – આ એક આવર્તન ન વાપરી શકાય

    આશા છે કે હવે ખ્યાલ આવ્યો હશે.

  9. ramesh maru said,

    June 28, 2026 @ 3:21 PM

    વાહ 👌🏻👌🏻👌🏻

  10. વિરલ વ્યાસ said,

    June 30, 2026 @ 8:31 AM

    તરસ થઇ છે એવી હાવી ….સરસ

  11. Pragnaju Vyas said,

    June 30, 2026 @ 8:21 PM

    રાકેશ બી. હાંસલિયાની નખશિખ સુંદર ગઝલ… ! દરેક શે’ર મજાનાં,
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    ચારે બાજુ જળ ભાસે છે,
    તરસ થઈ છે એવી હાવી! –
    સુંદર શેર
    .આ શેરમાં વિરહ અથવા ભીતરી અસમંજસની ખૂબ જ અદભુત અને મર્મસ્પર્શી અભિવ્યક્તિ છે, જેમાં ચારેય તરફ પાણી હોવા છતાં (અર્થાત અઢળક પ્રેમ/લાગણી હોવા છતાં) હૃદયમાં એક અસીમ તરસ કે અધૂરાશ અકબંધ રહી જાય છે
    કવિશ્રી રાકેશ હાંસલિયાને ખૂબ અભિનંદન તથા શુભેચ્છા

  12. kantilal babulal sopariwala said,

    July 18, 2026 @ 11:46 AM

    ઘણું બધુ મેળવ્યા પછી પણ માણસ ની તરસ
    એવી ને એવી કોરીધાકોર રહી જતી હોયછે
    આપણી સામાજીક વ્યવસ્થાઓ ના કારણે.
    કોઈ ને કહેવાય નહિ ને સહેવાય નહિ એવી
    પરીસ્થીતી અત્યારે ઘણા ના જીવન માં
    પ્રવર્તમાન છે ને કોઈ ઈલાજ પણ નથી
    સુંદર કાવ્ય સરિતા
    કે બી

  13. Kishor Ahya said,

    July 18, 2026 @ 12:11 PM

    શેર ખીલી ઉઠ્યા છે ખુબજ સરળ, ભાર વિનાના, અર્થસભર બધાજ શેર ઉતમ થયા છે. માણવાની મજા આવી.

    🌹🌹🌹🌹

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment