આભમાં આઘા ભમો તો,
ગીધડાં ! બે પળ ખમો તો..
તાજું સગપણનું મરણ છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રાકેશ બી. હાંસલિયા

રાકેશ બી. હાંસલિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




તારું નામ લઈ – રાકેશ હાંસલિયા

કોઈ આવ્યું માત્ર તારું નામ લઈ,
એમના માટે ઊભો છું પ્રાણ લઈ.

ઠેસ વાગી એક પાલવની જરા,
આજીવન ફરવું પડ્યું આઘાત લઈ.

જાગવાની જેને બીમારી હતી,
એ બધે જાતો હંમેશાં ખાટ લઈ.

કોઈને ક્યાં બેસવા દે છે નજીક,
જ્યારથી આવ્યા છે પંડિત જ્ઞાન લઈ.

છે કસોટીનો સમય તારો હવે
સૌ ઊભા છે આંખમાં સન્માન લઈ.

બુંદ સામે આખરે ઝૂકી ગયો,
હર ઘડી ફરતો હતો જે આગ લઈ.

એ વિચારે દ્વારને હું ખોલું છું,
કોઈ આવ્યું હોય તારી વાત લઈ.

– રાકેશ હાંસલિયા

ગઝલનો મત્લા પ્રેમની ચરમસીમાથી શરૂ થાય છે અને આખરી શેર પરમસીમા સુધી લઈ જાય છે. કોઈ સદેહે (દ્વાર પર) પ્રિયજનનું નામ લેતું આવ્યું છે, એટલામાં કથક પ્રાણ આપવાની તૈયારી સાથે ઊભા છે. આ થઈ ચરમસીમા. આખરી શેરમાં કોઈ સદેહે દ્વાર પર આવ્યું જ નથી. ખાલી એક વિચાર કથકને આવ્યો છે. એટલામાં કવિએ (દિલ અને દુનિયાના) દ્વાર ખોલી નાંખ્યા છે. બંને શેરમાં પ્રિયજનનું નામ કે વાત લઈ કોઈ આવ્યું હોય તો જીજાનથી સ્વાગત કરવાની તૈયારીની જ વાત છે પણ મત્લામાં મૂર્તનો સાક્ષાત્કાર હતો એ આખરી શેરમાં અમૂર્ત સુધી પહોંચ્યો. આ થઈ પરમસીમા.

આ બે શેર વચ્ચેના તમામ શેર પણ માંડીને વાત કરવાનું મન થાય એવા પાણીદાર થયા છે. આવી સંગોપાંગ સુંદર ગઝલ આજકાલ બહુ ઓછી જ મળે છે.

Comments (3)

(અંધારની ચાદર સજાવીને) – રાકેશ હાંસલિયા

બધે અંધારની ચાદર સજાવીને,
હવા ચાલી ગઈ દીવા બુઝાવીને.

સમય આવે ભલે બાંયો ચઢાવીને,
નથી ઊભો હુંયે મસ્તક નમાવીને.

ચરણ મૂકે ને થઈ જાતો તરત રસ્તો
તમે આવ્યાં નસીબ એવું લખાવીને.

પૂછો એને જરા આ ઢેબરાંનો સ્વાદ,
જીવે છે જાતને કાયમ દળાવીને.

હતાં જે સાવ અક્કડ, ઉંબરે ઊભા,
પ્રવેશી ગ્યાં ઘણાં માથું નમાવીને.

પહાડોને કહે છે કે હટી જાઓ,
થયો મગરૂર કાગળ બે ઉડાવીને.

કર્યો સોનેટનો ઉલ્લેખ અમથો ત્યાં,
ગઝલ બેસી ગઈ લ્યો મોં ફૂલાવીને.

– રાકેશ હાંસલિયા

રાકેશ હાંસલિયાના નવા સંગ્રહ ‘ક્યારેક ઉત્તર પણ મળે’માંથી એક ગઝલ આજે આપ સહુ મિત્રો માટે… મત્લા જ કેવો મજાનો થયો છે… હવાથી દીવો હોલવાઈ જતાં ફેલાઈ વળતા અંધારાનું સહજ દૃશ્ય કવિએ કેવું બખૂબી દોરી આપ્યું છે! એ પછીના પણ બધા શેર નિતાંત આસ્વાદ્ય થયા છે…

Comments (8)

(સામે જ છે) – રાકેશ હાંસલિયા

એક હૉસ્પિટલ અહીં સામે જ છે,
ઝૂંપડી તો પણ હજુ ખાંસે જ છે.

માંગવા જેવું તું ક્યાં માંગે જ છે,
આપવા જેવું તો એ આપે જ છે.

આમ તો બદલી ગયો છે પારધિ,
તો ય મનમાં જાળ તો નાખે જ છે.

બાળકો, ઝરણાં, પતંગિયાં, પહાડ,
કેટલા ઈશ્વર નજર સામે જ છે.

આભ પાસેથી હવે શું માંગવું ?
મા મને કાયમ દુઆ આપે જ છે.

– રાકેશ હાંસલિયા

લયસ્તરોના આંગણે કવિમિત્ર શ્રી રાકેશ હાંસલિયાના ગઝલસંગ્રહ ‘ક્યારેક ઉત્તર પણ મળે’નું સહૃદય સ્વાગત છે…

નાની અમથી ગઝલ. બધા જ શેર સ્વયંસ્પષ્ટ છે. સરલ સહજ ભાષામાં ગઝલ ઊંડી વાત કરી રહી છે.

Comments (5)

ગઝલ – રાકેશ હાંસલિયા

બુંદના ભારે નમે એવું બને,
પાંદડું હેલી ખમે એવું બને !

કોઈ એકાકી રમે આરંભમાં,
એ રમત દુનિયા રમે એવું બને.

ખીણની સાથે શિખર વાતો કરે,
પ્હાડ મનમાં સમસમે એવું બને.

મૌનમાં ડૂબી ગઈ હો વાત જે,
એના પડઘા ના શમે એવું બને.

સૂર્ય જેવો સૂર્ય પણ સંજોગવશ,
ભરબપોરે આથમે એવું બને.

કોઈ શેરી સાંજ લગ સૂમસામ હોય,
રાત આખે ધમધમે એવું બને !

– રાકેશ હાંસલિયા

આખી હેલીનું તોફાન બેબાકપણે સહન કરી લેનાર પાંદડું ક્યારેક બુંદ માત્રના ભારથી પણ નમી જઈ શકે છે…. કેવી મજાની વાત !

Comments (13)

ગઝલ – રાકેશ હાંસલિયા

rakesh hansaliya

*
તારા હોઠે જે અજબ મુસ્કાન છે,
મારા માટે એ જ તો ભયસ્થાન છે.

આંગણું ક્યાં એટલું વેરાન છે,
તારા પગલાંનાં હજુ નિશાન છે.

જેઓ તારા નામની રચના કરે.
એ બધા અક્ષર ખરા ધનવાન છે.

ઓરડો ભરચક છે તારી યાદથી,
એ જ મારો કિંમતી સામાન છે.

પ્રેમથી તું ના નિહાળે કોઈને,
એમાં તો તારું ફકત નુકસાન છે.

સાવ છેલ્લી પંક્તિમાં બેસું ભલે,
કેટલાંના દિલમાં મારું સ્થાન છે.

– રાકેશ હાંસલિયા

લયસ્તરો તરફથી કવિશ્રીને એમના પ્રથમ સ્વતંત્ર ગઝલ સંગ્રહ બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ….

Comments (11)

ગઝલ – રાકેશ હાંસલિયા

અશ્રુઓના ડાઘને જોતો રહ્યો,
હું ઠરેલી આગને જોતો રહ્યો.

વ્યર્થ હો બાકી બધું નિહાળવું,
એવી રીતે આભને જોતો રહ્યો !

આપવાની હો તું ગુલદસ્તો મને,
એમ તારા હાથને જોતો રહ્યો.

ધૂળિયો મારગ મને રોકી ન લે,
દૂરથી બસ ગામને જોતો રહ્યો.

જાણે લાગી હોય મારી ભીતરે,
એવી રીતે આગને જોતો રહ્યો.

ઊતરીને આવવાની હોય તું,
એમ અપલક ચાંદને જોતો રહ્યો !

મ્હેંકતા શબ્દો હતા સામે ઘણાં,
હું તો તારા નામને જોતો રહ્યો !

કોઈનીયે સ્હેજ પણ પરવા વગર,
આજ તારા ભાલને જોતો રહ્યો.

– રાકેશ હાંસલિયા

મનનીય રચના…

Comments (7)

ગઝલ – રાકેશ હાંસલિયા

આ ખભે શાથી જમેલો રાખીએ ?
સાવ ખાલી ‘હું’નો થેલો રાખીએ.

શી ખબર અંધાર ક્યારે ખાબકે ?
એક દીપક પેટવેલો રાખીએ.

સંત હોવાનો ન રહે મિથ્યા ભરમ
હાથને બસ સ્હેજ મેલો રાખીએ.

શક્ય છે ક્યારેક ઉત્તર પણ મળે,
પત્ર એને પાઠવેલો રાખીએ.

જીવવા એકાદ કારણ જોઈએ,
જીવને ક્યાંક ગૂંચવેલો રાખીએ.

– રાકેશ હાંસલિયા

રાજકોટના કવિ રાકેશની વધુ એક ગઝલ. ગઝલના મોટાભાગના શેરોમાં કહેવાયેલી વાત કદાચ નવી ન લાગે પણ જે તાજગીથી આખી વાત અહીં કહેવામાં આવી છે એની જ ખરી મજા છે. થોડા અરુઢ કાફિયા અને સાફ અને સરળ બયાનીના કારણે શેર વધુ ઉઠાવ પામે છે. પત્રવાળો શેર વાંચીએ ત્યારે મિર્ઝા ગાલિબ જરૂર યાદ આવે: क़ासिद के आते आते ख़त इक और लिख रखूँ , मैं जानता हूँ जो वो लिखेंगे जवाब में |

Comments (12)

થાય છે – રાકેશ હાંસલિયા

આખરે એની કૃપા તો થાય છે,
આપણાથી રાહ ક્યાં જોવાય છે ?

એ પધારે; દ્વાર પણ હરખાય છે,
ખુદ ઊઘડવાને અધીરા થાય છે !

કોણ બનવાકાળને ટાળી શકે ?
તે છતાં ક્યાં સ્હેજ સ્વીકારાય છે ?

માત્ર કંકર ફેંકવાના ખ્યાલથી,
જળમાં વમળો અણદીઠાં સર્જાય છે !

‘સર્વનું કલ્યાણ કરજો, હે પ્રભુ’
વેણ એવાં એમ ક્યાં બોલાય છે !

– રાકેશ હાંસલિયા

વિધિનું લખાણ ટાળી શકાતું નથી એ છતાં આપણે ક્યાં એને સહેજે સ્વીકારી શકીએ છીએ ? અને છેવટે એની કૃપા વરસવાની જ છે એ જાણવા છતાં આપણે ધીરજ ક્યાં રાખી શકીએ છીએ?

Comments (16)

ગઝલ – રાકેશ બી. હાંસલિયા

શું મહેકે છે બધે લોબાન જેવું ?
ઊર્મિઓનું થાતું હો સન્માન જેવું.

સ્થિર છે ચહેરાની એક્કેએક રેખા,
ભીતરે નક્કી હશે તોફાન જેવું.

…ને પ્રપંચોની પછી શરૂઆત થાશે,
બાળકોમાં જ્યારે આવે ભાન જેવું.

જાત આખી ઓગળી રહી છે કશામાં,
આ હૃદયનું હો કશું સંધાન જેવું.

કૈંક પાથરણાં મળ્યા રેશમ સરીખા,
ક્યાં કદી ચાહ્યું હતું કંતાન જેવું !

એક પ્રાચીન વૃક્ષનું ઊભું છે ઠૂંઠું,
કેટલીયે મોસમોના બયાન જેવું.

કેમ બારીને કરું હું બંધ ‘રાકેશ’,
આ હવાનું થાય ના અપમાન જેવું.

– રાકેશ બી. હાંસલિયા

રાજકોટના કવિની એક પાણીદાર ગઝલ… ચહેરા પરની વધુ પડતી  સ્થિતપ્રજ્ઞતા ભીતરના તોફાનની એંધાણી નથી આપતી હોતી? આ શેર વાંચીએ ત્યારે આ કડી યાદ આવે:  तुम इतना जो मुस्कुरा रहे हो, क्या गम है जिसको छिपा रहे हो? .. એક બીજો પણ શેર યાદ આવે છે: ચાહ માણસની મહત્તમ જ્યારે થાય, શાંત મધદરિયા સમો દેખાય છે. ગઝલના છેલ્લા બે શેર પણ મજાના થયા છે. અને હવાના અપમાનવાળી વાત તો  દુબારા દુબારા કહેવા મજબૂર કરી દે એટલી સરસ થઈ છે…

Comments (17)