ચીતરું છું એનું નામ હથેળી ઉપર ‘મરીઝ’,
વિશ્વાસ મુજને મારા મુકદ્દર ઉપર નથી.
મરીઝ

ગઝલ – રાકેશ બી. હાંસલિયા

શું મહેકે છે બધે લોબાન જેવું ?
ઊર્મિઓનું થાતું હો સન્માન જેવું.

સ્થિર છે ચહેરાની એક્કેએક રેખા,
ભીતરે નક્કી હશે તોફાન જેવું.

…ને પ્રપંચોની પછી શરૂઆત થાશે,
બાળકોમાં જ્યારે આવે ભાન જેવું.

જાત આખી ઓગળી રહી છે કશામાં,
આ હૃદયનું હો કશું સંધાન જેવું.

કૈંક પાથરણાં મળ્યા રેશમ સરીખા,
ક્યાં કદી ચાહ્યું હતું કંતાન જેવું !

એક પ્રાચીન વૃક્ષનું ઊભું છે ઠૂંઠું,
કેટલીયે મોસમોના બયાન જેવું.

કેમ બારીને કરું હું બંધ ‘રાકેશ’,
આ હવાનું થાય ના અપમાન જેવું.

– રાકેશ બી. હાંસલિયા

રાજકોટના કવિની એક પાણીદાર ગઝલ… ચહેરા પરની વધુ પડતી  સ્થિતપ્રજ્ઞતા ભીતરના તોફાનની એંધાણી નથી આપતી હોતી? આ શેર વાંચીએ ત્યારે આ કડી યાદ આવે:  तुम इतना जो मुस्कुरा रहे हो, क्या गम है जिसको छिपा रहे हो? .. એક બીજો પણ શેર યાદ આવે છે: ચાહ માણસની મહત્તમ જ્યારે થાય, શાંત મધદરિયા સમો દેખાય છે. ગઝલના છેલ્લા બે શેર પણ મજાના થયા છે. અને હવાના અપમાનવાળી વાત તો  દુબારા દુબારા કહેવા મજબૂર કરી દે એટલી સરસ થઈ છે…

17 Comments »

  1. રાકેશ ઠક્કર , વાપી said,

    October 8, 2009 @ 12:49 AM

    આફરીન! આફરીન! દમદાર ગઝલ. પ્રત્યેક શેરમાં ચોટ છે. ‘આ’ એક શેર બહુ ગમ્યો એમ કહેવામાં બીજા શેરનું અપમાન થાય એમ છે.

    શું મહેકે છે બધે લોબાન જેવું ?
    ઊર્મિઓનું થાતું હો સન્માન જેવું.

    સ્થિર છે ચહેરાની એક્કેએક રેખા,
    ભીતરે નક્કી હશે તોફાન જેવું.

    …ને પ્રપંચોની પછી શરૂઆત થાશે,
    બાળકોમાં જ્યારે આવે ભાન જેવું.

    જાત આખી ઓગળી રહી છે કશામાં,
    આ હૃદયનું હો કશું સંધાન જેવું.

    કૈંક પાથરણાં મળ્યા રેશમ સરીખા,
    ક્યાં કદી ચાહ્યું હતું કંતાન જેવું !

    એક પ્રાચીન વૃક્ષનું ઊભું છે ઠૂંઠું,
    કેટલીયે મોસમોના બયાન જેવું.

    કેમ બારીને કરું હું બંધ ‘રાકેશ’,
    આ હવાનું થાય ના અપમાન જેવું.

    ‘રાકેશ’ ને રાકેશના અભિનંદન અને શુભેચ્છા!

  2. manharmody ('મન' પાલનપુરી) said,

    October 8, 2009 @ 1:12 AM

    બહુ જ વ્યવહાર-પ્રધાન ગઝલ. બધા જ શેરોમાં એક સચોટ વ્યવહારીક વાત. શ્રી રાકેશ ઠક્કર જોડે હું સંમત છું. એક શેર ને સારો કહેવામાં બીજા શેરનું અપમાન થાય તેવું છે. ખુબ મજા આવી.

  3. misha said,

    October 8, 2009 @ 1:33 AM

    સ્થિર છે ચહેરાની એક્કેએક રેખા,
    ભીતરે નક્કી હશે તોફાન જેવું.

    …ને પ્રપંચોની પછી શરૂઆત થાશે,
    બાળકોમાં જ્યારે આવે ભાન જેવું.

    kehvo pade, kharekhar sundar rajuaat che.

  4. Kirtikant Purohit said,

    October 8, 2009 @ 2:02 AM

    સરસ મ્ગ્ઝલ છે.અને ચોટ્દાર પણ.

  5. ડૉ.મહેશ રાવલ said,

    October 8, 2009 @ 4:25 AM

    રાકેશ હાંસલિયા નવી પેઢીની જવાબદારી બખૂબી નિભાવી શકે એવી સક્ષમ કલમ અને ક્લ્પનોનું નામ છે.
    સુંદર ગઝલ બદલ ખૂબ-ખૂબ અભિનંદન અને એથી ય અનેકગણા આશીર્વાદ.

  6. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    October 8, 2009 @ 6:38 AM

    વાહ ભઈ વાહ.વાહ વાહ.
    “ભઈ”બરોબર,ભાઈ નહીં!

  7. najam said,

    October 8, 2009 @ 8:00 AM

    સુંદર ગઝલ બદલ ખૂબ-ખૂબ અભિનંદન રાકેશ્

    સ્થિર છે ચહેરાની એક્કેએક રેખા,
    ભીતરે નક્કી હશે તોફાન જેવું.

    …ને પ્રપંચોની પછી શરૂઆત થાશે,
    બાળકોમાં જ્યારે આવે ભાન જેવું.

    golden words of guzul and true in life

  8. sapana said,

    October 8, 2009 @ 11:30 AM

    સ્થિર છે ચહેરાની એક્કેએક રેખા,
    ભીતરે નક્કી હશે તોફાન જેવું…અસરકારક ગઝલ્..

    વિવેકભાઈ, જગજીતસિંગની ગાયેલી આ ગઝલ મારી મનગમતી છે..અને શ્યામસે આંખમે નમીસિ હૈ..
    વાહ..સરસ ગઝલ્..ક્યા બાત હૈ.
    સપના

  9. pragnaju said,

    October 8, 2009 @ 12:23 PM

    સર્વાંગ સુંદર ગઝલના
    આ શેરો વધુ ગમ્યા
    સ્થિર છે ચહેરાની એક્કેએક રેખા,
    ભીતરે નક્કી હશે તોફાન જેવું.

    …ને પ્રપંચોની પછી શરૂઆત થાશે,
    બાળકોમાં જ્યારે આવે ભાન જેવું.

  10. mrunalini said,

    October 8, 2009 @ 12:28 PM

    સરસ
    યાદ આવી

    ભીતરે તોફાન ઉઠે તે છતાં,
    મૌન ખામોશી બની અકળાય છે.સાવ ભીતર કૈંક ભીનું થાય છે, એ પછી આખી ગઝલ સર્જાય છે. કોઈ આવી આંગણે કંઈ ગાય છે, એ પછી આખી ગઝલ સર્જાય છે

  11. Prabhulal Tataria"dhufari" said,

    October 8, 2009 @ 1:37 PM

    ભાઇશ્રી રાકેશ્,
    બહુ જ વ્યવહાર-પ્રધાન ગઝલ. બધા જ શેરોમાં એક સચોટ વ્યવહારીક વાત. શ્રી રાકેશ ઠક્કર તથા ભાઇશ્રી મનહર મોદી(‘મન”પાલનપુરીના)ના મંતવ્ય જોડે હું પણ સંમત છું. એક શેર ને સારો કહેવામાં બીજા શેરનું અપમાન થાય તેવું છે. ખુબ મજા આવી.
    અભિનંદન

  12. sudhir patel said,

    October 8, 2009 @ 7:59 PM

    ખૂબ જ માતબર ગઝલ! છેલ્લા બે શે’ર વિશેષ ગમ્યાં.
    સુધીર પટેલ.

  13. sunil shah said,

    October 8, 2009 @ 11:22 PM

    સરસ મઝાની, મજબૂત ગઝલ.

  14. Gaurang Thaker said,

    October 9, 2009 @ 9:06 AM

    કેમ બારીને કરું હું બંધ ‘રાકેશ’,
    આ હવાનું થાય ના અપમાન જેવું
    બહુ સરસ ગઝલ

  15. Pinki said,

    October 9, 2009 @ 11:35 AM

    જાત આખી ઓગળી રહી છે કશામાં,
    આ હૃદયનું હો કશું સંધાન જેવું.

    એક પ્રાચીન વૃક્ષનું ઊભું છે ઠૂંઠું,
    કેટલીયે મોસમોના બયાન જેવું.

    સરસ ગઝલ… !!

  16. ઊર્મિ said,

    October 9, 2009 @ 12:02 PM

    વાહ… આખી ગઝલ આફલાતૂન લાગી..

    સ્થિર છે ચહેરાની એક્કેએક રેખા,
    ભીતરે નક્કી હશે તોફાન જેવું.

    આ શેર વધુ ગમી ગયો…. અને….

    ચાહ માણસની મહત્તમ જ્યારે થાય,*
    શાંત મધદરિયા સમો દેખાય છે.

    વાહ વાહ… ક્યા બાત હૈ…

    * આ શેર જરા જાણીતો લાગ્યો અને શોધવા ગઈ તો એ તો તારી જ ગઝલનો શેર નીકળ્યો… 😀
    http://vmtailor.com/archives/160

  17. Lata Hirani said,

    October 13, 2009 @ 4:35 PM

    સ્થિર છે ચહેરાની એક્કેએક રેખા,
    ભીતરે નક્કી હશે તોફાન જેવું.

    બહુ સરસ્. ગમી ગઝલ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment