તારું નામ લઈ – રાકેશ હાંસલિયા
કોઈ આવ્યું માત્ર તારું નામ લઈ,
એમના માટે ઊભો છું પ્રાણ લઈ.
ઠેસ વાગી એક પાલવની જરા,
આજીવન ફરવું પડ્યું આઘાત લઈ.
જાગવાની જેને બીમારી હતી,
એ બધે જાતો હંમેશાં ખાટ લઈ.
કોઈને ક્યાં બેસવા દે છે નજીક,
જ્યારથી આવ્યા છે પંડિત જ્ઞાન લઈ.
છે કસોટીનો સમય તારો હવે
સૌ ઊભા છે આંખમાં સન્માન લઈ.
બુંદ સામે આખરે ઝૂકી ગયો,
હર ઘડી ફરતો હતો જે આગ લઈ.
એ વિચારે દ્વારને હું ખોલું છું,
કોઈ આવ્યું હોય તારી વાત લઈ.
– રાકેશ હાંસલિયા
ગઝલનો મત્લા પ્રેમની ચરમસીમાથી શરૂ થાય છે અને આખરી શેર પરમસીમા સુધી લઈ જાય છે. કોઈ સદેહે (દ્વાર પર) પ્રિયજનનું નામ લેતું આવ્યું છે, એટલામાં કથક પ્રાણ આપવાની તૈયારી સાથે ઊભા છે. આ થઈ ચરમસીમા. આખરી શેરમાં કોઈ સદેહે દ્વાર પર આવ્યું જ નથી. ખાલી એક વિચાર કથકને આવ્યો છે. એટલામાં કવિએ (દિલ અને દુનિયાના) દ્વાર ખોલી નાંખ્યા છે. બંને શેરમાં પ્રિયજનનું નામ કે વાત લઈ કોઈ આવ્યું હોય તો જીજાનથી સ્વાગત કરવાની તૈયારીની જ વાત છે પણ મત્લામાં મૂર્તનો સાક્ષાત્કાર હતો એ આખરી શેરમાં અમૂર્ત સુધી પહોંચ્યો. આ થઈ પરમસીમા.
આ બે શેર વચ્ચેના તમામ શેર પણ માંડીને વાત કરવાનું મન થાય એવા પાણીદાર થયા છે. આવી સંગોપાંગ સુંદર ગઝલ આજકાલ બહુ ઓછી જ મળે છે.
Prahladbhai Prajapati said,
February 12, 2021 @ 8:37 AM
સરસ્
pragnajuvyas said,
February 12, 2021 @ 9:09 AM
કવિશ્રી રાકેશ બી. હાંસલિયાની અફલાતુન ગઝલનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
એ વિચારે દ્વારને હું ખોલું છું,
કોઈ આવ્યું હોય તારી વાત લઈ.
વાહ્
Maheshchandra Naik said,
February 12, 2021 @ 3:27 PM
બુન્દં સામે આખરે ઝૂકી ગયો,
હર ઘડી ફરતો હતો જે આગ લઈ,
બધા જ શેર અફ્લાતુન, રસાસ્વાદ પણ ખુબ સરસ્,
કવિશ્રી ને અભિનદન……