અલ્ઝાઈમરનું કાવ્ય – કિરણસિંહ ચૌહાણ
ધીમેધીમે
અજાણ્યાં લોકો વધી રહ્યાં છે.
– કિરણસિંહ ચૌહાણ
લઘુકાવ્યની એક આખી અલગ જ દુનિયા છે. ઇમેજિસ્ટ પોએટ એઝરા પાઉન્ડે દોઢ જ પંક્તિમાં અજરામર કાવ્ય આપ્યું -‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો!’ ગુજરાતી કવિઓય કંઈ પાછા પડે એમ નથી. સુન્દરમે દોઢ જ પંક્તિમાં પ્રેમનો આખેઆખો ઉપનિષદ આપ્યો છે –તને મેં ઝંખી છે… તો રાજેન્દ્ર શાહે પણ બે પંક્તિમાં સંકુચિતતાના ત્યાગનો મહિમા વર્ણવ્યો છે- ઘરને ત્યજી જનારને… લઘુકાવ્ય એટલે જાણે કે હાઇકુ. પીંછીના ઓછામાં ઓછા લસરકે સર્જક આખેઆખું ચિત્ર કે મનોભાવ તાદૃશ કરી બતાવે. પ્રસ્તુત કાવ્ય પણ આવું જ મજાનું લઘુકાવ્ય છે. કોઈપણ પ્રકારની સરખામણી કર્યા વિના જ કહી શકાય કે દોઢ જ પંક્તિમાં કવિએ અલ્ઝાઇમરની બિમારીનું સુવાંગ ચિત્રાંકન સફળતાપૂર્વક કરી બતાવ્યું છે. બાહોશ ફોટોગ્રાફર કોઈ મનહર દૃશ્યને આખેઆખું આબાદ ઝડપી લે એ જ કુશળતાથી દોઢ જ પંક્તિમાં કવિએ બિમારીને ઝીલી બતાવી છે…


kiransinh chauhan said,
November 1, 2025 @ 11:32 AM
દિલથી આભાર વિવેકભાઈ
Bharat vinzuda said,
November 1, 2025 @ 11:32 AM
વાહ..
લલિત ત્રિવેદી said,
November 1, 2025 @ 11:33 AM
વંદન
Hema Mehta said,
November 1, 2025 @ 11:36 AM
વાહ ગાગરમાં સાગર જેવું લઘુકાવ્ય અને સમજૂતી
Nirja parekh said,
November 1, 2025 @ 11:37 AM
કેવું સચોટ….
Udayan Thakker said,
November 1, 2025 @ 11:55 AM
વિસ્મૃતિ
લેખકનું નામ સૌપ્રથમ વિસરી જવાય છે,
પછી શીર્ષક,પછી વાર્તાનો પ્લોટ,
પછી હ્રદય-વિદારક અંત, છેલ્લે નવલકથા આખી-
જાણે વાંચી જ ન હો.
તમે સાચવેલાં સ્મરણો
સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ચાલ્યાં જાય છે,
એક પછી એક,
મગજના દક્ષિણ ગોળાર્ધમાં આવેલા, માછીમારોના
ફોન વિનાના નાનકડા ગામમાં.
સપ્તર્ષિના તારાનાં નામોને તો
ક્યારની ય વિદાય આપી દીધી હતી,
ક્વોડ્રિએટિક ઈક્વેશન બેગ-બિસ્તરા બાંધીને
થયાં હતાં ચાલતાં,
આજે તમે ગ્રહોના ક્રમાંકનું રટણ કરી રહ્યા છો ત્યારે
ઊડી જાય છે બીજું કશુંક,કદાચ રાષ્ટ્રીય પંખી,
કોઈ પિતરાઈનું સરનામું,પેરેગ્વેની રાજધાની.
તમે જે સંભારવા ફાંફા મારી રહ્યા છો,
તે જીભની ટોચે નથી, કે નથી
બરોળના અંધારખૂણે,
તે વહી ગયું છે કાળી પૌરાણિક નદીમાં,
જેનું નામ- તમને યાદ છે ત્યાં સુધી-
‘વ’થી શરૂ થાય છે.
તમે શૂન્ય તરફ ગતિ કરી રહ્યા છો,
જ્યાં તમે જોડાશો એ વ્યક્તિઓ સાથે,
જે ભૂલી ગઈ છે તરવાનું અને સાઈકલ ચલાવવાનું.
તમે મધરાતે જાગી જઈને ફંફોળો છો પુસ્તકમાં,
પ્લાસીના યુદ્ધનું વર્ષ.
બારીએ દેખાતો ચંદ્ર વહી આવ્યો છે પ્રેમગીતમાંથી,
જે કદીક તમને કંઠસ્થ હતું.
-બિલી કોલિન્સ
(અંગ્રેજીમાંથી અનુ. ઉદયન)
વ્રજેશ said,
November 1, 2025 @ 12:03 PM
મજા આવી..
Jigisha Desai said,
November 1, 2025 @ 12:06 PM
વાહ…ખૂબસરસ કાવ્ય
Varij Luhar said,
November 1, 2025 @ 12:32 PM
વાહ… જે પરિચિત હોય અને કોઈ કારણોસર અપરિચિત કે અજાણ્યા બની જાય તેવી સ્થિતિને થોડા જ શબ્દોમાં વેધક રીતે વણી લીધી.. જો કે આ સારી સ્થિતિ ગણાય.
પીયૂષ ભટ્ટ said,
November 1, 2025 @ 1:04 PM
વાહ સરસ કાવ્ય. લઘુ કાવ્યની મજા એ છે કે લાઘવનું સૌંદર્ય સાગરની વિશાળ લહેરો જેવી મોજ આપે. વળી પ્રત્યેક લહેરે વિવિધ રંગની અર્થ છાયાઓ ખંખેરી અહીં કિરણસિંહ ચૌહાણ ધીમેથી શરૂઆત કરી ઝડપથી કાવ્યને વધારે અર્થ ગંભીર બનાવી આપણાં સંવેદનતંત્રને રણઝણાવે છે. અહીં અજાણ્યા લોકો વધવાનું કારણ, નિવારણ અને વિસ્તરણ અધ્યાર છે. કવિએ પરિસ્થિતિ જન્ય રોગની ધેરી અસરગ્રસ્ત હાલત વિષે લાધવતા પૂર્વક આપણી ચેતનાને જોડી આપી છે. કવિની અભિવ્યક્તિને સ્નેહાદર સહિત અભિનંદન.
સમર્થનમાં ઉદયનભાઈએ બોલી કોલિન્સનાં વિસ્મૃતિ કાવ્યને અહીં મૂકી આપણાં ભાવવિશ્વને વિસ્તૃત રીતે ઉઘાડી આપ્યુ છે.
વિવેકભાઈનો આ લઘુ કાવ્ય ને અહી આપણી સંવેદનાની એરણે ચઢાવવા બદલ આભાર.
વિવેક said,
November 1, 2025 @ 2:07 PM
પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર… ખાસ આભાર કવિશ્રી ઉદયન ઠક્કરનો, જેમણે આ જ વિષય પર સરસ મજાની વિદેશી કવિતા અનુવાદના માધ્યમથી સહિયારી…
અદભુત પ્રતિસાદ આપનાર શ્રી પીયૂષ ભટ્ટનો પણ ખૂબ ખૂબ આભાર. બારીક કામને બારીકાઈથી જોવું એય નાનુંસૂનું કામ નથી.
શ્રી વારિજ લુહારને એક સવાલ.. એમણે લખ્યું છે કે, “જો કે આ સારી સ્થિતિ ગણાય.” – કોના માટે? દર્દી માટે? પરિવાર માટે? કે બધા માટે?
DILIPKUMAR CHAVDA said,
November 1, 2025 @ 4:46 PM
લઘુ કાવ્ય
પરંતુ વાત બ્રહ્માંડ જેવી વિશાળ છે..
વાહ સર વાહ
Kishor Ahya said,
November 1, 2025 @ 6:48 PM
“ધીમે ધીમે અજાણ્યા લોકો વધી રહ્યા છે”, આ વાક્ય અલ્ઝાઇમર ના અર્થમાં છે અને અર્થની દૃષ્ટિએ સરસ લઘુ કાવ્ય પણ છે. જોકે આ સેન્ટેન્સનો અર્થ એક કવિ સાથે ડોક્ટર હોવાના નાતે શ્રી વિવેકભાઈ તુરત સમજી શક્યા,આ સિવાય પણ આ લઘુ કાવ્ય ખૂબ વ્યાપક અર્થ ધરાવે છે.
જે રીતે સોશિયલ મીડિયા ઉપર અજાણ્યા સાથે પરિચય કરવાનો ટ્રેડ વધી રહ્યો છે એને પણ અજાણ્યા લોકોની સંખ્યા વધી રહી હોવાનું કહી શકાય.
આ સેન્ટેન્સનો અર્થ એક અન્ય સ્થિતિમાં પણ હોય શકે.
આજકાલ લોકો દૂરના લોકો સાથે સોશિયલ મીડિયા મારફતે સંબંધ વિકસાવવા ઇરછે છે પણ નજીકના એવા પડોશી સાવ અજાણ્યા થઈ ગયા છે. શરૂઆતમાં થોડો સમય અજાણ્યા હોય તે સ્વભાવિક છે, પણ વર્ષો પછી પણ કોઈ પરિચય ન હોય, ઘણીવાર એકબીજાના નામથી પણ અજાણ હોય તેવી સ્થિતિ મોટા શહેરોમાં ધીમે ધીમે વધતી જાય છે આને અજાણ્યા લોકો વધી રહ્યા છે એમ જરૂર કહી શકાય. ..
જોકે દરેક પરિસ્થિતિના ફાયદા ગેરફાયદા હોય છે.અજાણ્યા લોકો જ્યા સુધી અજાણ્યા રહે છે ત્યાં સુધી વ્યક્તિત્વના માલિક પોતે હોય છે. જાણીતા બનેતા જ આ સ્વતંત્રતા ખોરવાય જાય છે.મનુષ્ય બાહ્ય દૃષ્ટિથી જીવે છે, વિચારે છે જે મન ઉપર થોડો તણાવ લાવે છે. જોકે આ વિષય અત્યારનો નથી પણ (Lao Tzu ) લાઓ ત્સૂ ,જે અજાણ્યા હોય તેને અજાણ્યા રાખવાની સલાહ આપે છે. એક ઉદાહરણમાં તેઓ કહે છે ‘મારા ગામની બાજુમાં એક ગામ હતું ત્યાં કૂતરાઓ ભસતા તેના અવાજ સંભળાતા, પણ મારા ગામનું કોઈ કદી એ ગામમાં ગયું નથી.’ મૂળ કારણ જિગ્નાસા વૃતિથી દૂર રહેવાથી વ્યક્તિ પોતે પોતાના પર ધ્યાન આપી શકે તે છે.તેમનું પુસ્તક ( Tao Te Ching )
એક બીજો બહુ ગહન અર્થ પણ છે. અજાણ્યા હોવું અને જાણીતા હોવું બંનેનો ફરક પરિચયનો નથી, આજના સમયમાં જાણીતા હોય તે પણ ધીમે ધીમે માનસિક સ્તરે એકબીજા થી દૂર થતા જાય છે, આથી સમયાંતરે એક બીજાની લાગણી કે વિચારોથી અજાણ થતા જાય છે, આને પણ અજાણ્યા વધતા જાય છે એવી ટીપ્પણીમાં જરૂર મૂકી શકાય.
આ સિવાય ગામડાઓમાંથી શહેરો તરફ વધતો વસ્તીનો વ્યાપ્ત, બીજા રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં રોજગારી માટે વધતો પ્રવાહ, સમસ્યાઓને લીધે બીજા દેશોમાં થી આવતા શરણાર્થીઓ આ બધા અજાણ્યા છે અને ધીમે ધીમે આ સંખ્યા વધતી જાય છે. આ પણ અજાણ્યા લોકોમાં આવી શકે.એકંદરે કહેવા માટે લઘુ કાવ્ય છે પણ વિશાળ અર્થ ધરાવતું કાવ્ય છે.
શ્રી વિવેકભાઈએ સરસ આસ્વાદ આપ્યો છે.
🌹🌹🌹🌹
Sejal Desai said,
November 1, 2025 @ 8:15 PM
ખૂબ સરસ
વિવેક said,
November 3, 2025 @ 10:35 AM
@કિશોર આહ્યા:
લઘુકાવ્યનું વિદ્વત્તાપૂર્ણ વિષદ આકલન કરવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર
Vinorai said,
November 7, 2025 @ 12:18 PM
Good