જગતના દુઃખથી ત્રાસ્યા હો તો રાખો દુઃખ મહોબ્બતનું,
એ એવું દર્દ છે જે સર્વ દર્દોને મટાડે છે.
બરકત વિરાણી ‘બેફામ’

હૉસ્પિટલ – લિલી બ્રેટ (અનુ.: વિવેક મનહર ટેલર)

કંઈ
સમજાતું
નહોતું

બધુ

અનિશ્ચિત

લોકોના
એક

અંતહીન
સમૂહને

આકાશને
ભોગ
ધરાવી
દેવાયો

બાકીનાઓએ
ધરતીને
સળગાવી

અને
નદીઓ
ભરી
દીધી

કંઈ
સમજાતું
નહોતું

બધુ

અનિશ્ચિત

એસ.એસ.ને
ડર હતો

સંક્રામક
રોગોનો

એ વરસે
હૉસ્પિટલ
નો

ચેપી
રોગોનો
વૉર્ડ
બ્લૉક 20

લાગતું
હતું

સૌથી
સુરક્ષિત
સ્થળ

ધરતી
પરનું.

– લિલી બ્રેટ
(અનુ.: વિવેક મનહર ટેલર)

વિશ્વયુદ્ધના વિનાશ અને વિભીષિકાએ અનેકાનેક કવિતાઓને જન્મ આપ્યો. આમ તો આ કવિતા વિશે ખાસ કશું કહેવાનું ન હોય. એસ.એસ. (Schutzstaffel) એટલે હિટલરની સુરક્ષા સેના, જેણે જઘન્ય સામૂહિક નરસંહારને અંજામ આપ્યો એટલી સમજૂતિ આપી દઈએ એટલું જ પૂરતું છે. પણ કવિતાનો બાંધો જોવા જેવો છે. કવિએ આખા વાક્ય લખવાના બદલે કવિતાને એક-એક (ક્યારેક બે) શબ્દની પંક્તિનો દેહ આપ્યો છે અને બેથી લઈને વધુમાં વધુ ચાર-ચાર પંક્તિઓના સમૂહથી એકાધિક પરિચ્છેદ તારવ્યા છે. યહૂદીઓને પકડી પકડીને કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેદ કરવામાં આવ્યા હતા. ક્યારેક ગેસચેમ્બરમાં સામૂહિક મૃત્યુદંડ તો ક્યારેક મન થાય એ બે-ચારને ઊઠાવીને લઈ જવાના અને ગોળીએ દેવાના… શબ્દ અને ફકરાઓમાં ટુકડા-ટુકડા થઈ ગયેલ વાક્યો જાણે કે આ નરસંહારને આ રીતે ચિત્રિત કરતા હોય એમ નથી લાગતું? હિટલરના સૈનિકોને એ સમયે સૌથી વધુ ડર ટાઇફસ વગેરે ચેપી રોગોનો હતો. કેમ્પમાં કોઈ પણ યહૂદીની કોઈપણ વાતથી વાંધો પડતાવેંત એને મોતને ઘાટ ઉતારી દેતા સૈનિકો હૉસ્પિટલના બ્લૉક નંબર વીસમાં જતા ડરતા હતા, કારણ ચેપી રોગોના દર્દીઓને ત્યાં દાખલ રખાતા હતા. કેમ્પમાં માથે મૃત્યુની પળેપળ તોળાતી તલવારના ડર નીચે જીવતા લોકોને હૉસ્પિટલનો વૉર્ડ દુનિયામાં સૌથી સુરક્ષિત સ્થળ જણાતું હતું… કેવી વિસંગતિ! કેવી વિડંબના!

6 Comments »

  1. વિવેક said,

    May 25, 2026 @ 11:02 AM

    મૂળ રચના:

    the hospital

    Nothing
    made
    sense

    everything
    was
    unpredictable

    an
    endless
    procession

    of
    people

    were
    fed
    to the
    sky

    others
    burned
    the
    earth

    and
    filled
    the
    rivers

    nothing
    made
    sense

    everything
    was
    unpredictable

    the SS
    dreaded

    contagious
    diseases

    Block 20
    the
    infectious
    ward

    of
    the
    hospital

    that year
    felt
    like

    the
    safest
    place

    on
    earth.

    – Lily Brett

  2. Vrajesh Mistri said,

    May 25, 2026 @ 11:44 AM

    અદભુત રચના… ચોટદાર

  3. Kishor Ahya said,

    May 25, 2026 @ 4:50 PM

    ઇતિહાસ સાક્ષી છે કે પ્રજા પ્રજા વચ્ચે વેર એ નવી વાત નથી, નાઝી લોકોએ યહૂદી પ્રજા ઉપર કરેલા જુલ્મનું મૂળ કારણ પ્રજાની એક બીજા માટેની નફરત હતી ,બીજા વિશ્વયુદ્ધ વખતે હિટલરે વેરઝેરને હવા આપી યહૂદી પ્રજા સામે વૈમનસ્ય વધાર્યું અને અનેક નરસંહાર થયા.

    કવયિત્રી સુ.શ્રી લિલી બ્રેટનો જન્મ જર્મનીમાં થયો. યુદ્ધ દરમિયાન માતા પિતાએ પાંચ વર્ષથી વધુ સમય નાઝી નિયંત્રણ સહન કર્યું, કેદ પણ સહન કરી,જ્યાં તેઓએ જર્મન કબજા હેઠળના પોલેન્ડમાં લગ્ન કર્યા, કેમ્પમાં બંને જુદા પડી ગયા અને યુદ્ધ સમાપ્ત થયા પછી, દંપતીને એકબીજાને શોધવામાં છ મહિના લાગ્યા! બ્રેટનો જન્મ 1946 માં જર્મનીના આ વિસ્થાપિત વ્યક્તિઓના શિબિરમાં થયો.

    કવિયત્રીએ ટુકી ટુકી વાક્ય રચના, જેમાં એકાદ બે શબ્દો જ હોય એવી સરસ રચના આપી છે ,જે નાઝીઓ એ આચરેલા જુલ્મો વિશે ઘણું કહી જાય છે.

    અંતહીન સમૂહને
    આકાશને ભોગ ધરાવી દેવાયો

    બાકીનાઓએ ધરતીને સળગાવી

    અને નદીઓ ભરી દીધી

    કંઈ સમજાતું નહોતું

    બધુજ અનિશ્ચિત

    જેમ જીવ બચાવવા માટેનું સૌથી સારું ઠેકાણું જેલ ગણાય છે તેમ નાઝીઓથી બચવા માટેનું સારું ઠેકાણું એ વખતે રોગીષ્ટ માટેનો વોર્ડનંબર ૨૦ ગણાતો, જ્યાં ચેપ લાગવાના ભયથી નાઝીઓ ત્યાં જતા ડરતા ! કદાચ આ રીતેજ મરવા માટે છોડી દેવાની નાઝીઓની ઇચ્છા પણ હોય!

    ‘વિજ્ઞાન ભૈરવ તંત્ર’ માં કહેવાયુ છે, મનુષ્યની ચેતના વિકાસમાન છે પણ પૂર્થ્વીપરના દેશો વચ્ચે ટકરાવ થાય છે ત્યારે જે વિધ્વંસક સંહાર જોવા મળે છે એ જોતા ચેતનાના ‘વિકાસમાન’ હોવા પર પણ પ્રશ્ન થાય છે કે મનુષ્યની ચેતનાનો આ તો કેવો વિકાસ?

    શ્રી વિવેકભાઈએ કાવ્યનો સરસ અનુવાદ કરી સરસ આસ્વાદ આપ્યો છે.

    🌹🌹🌹🌹

  4. Harihar Shukla said,

    May 25, 2026 @ 6:22 PM

    હૃદય સોંસરવી ઉતરી જતી કવિતા👌

  5. Chetna Bhatt said,

    May 26, 2026 @ 9:50 AM

    Omg.!!
    Jordaar.👌👌

  6. વિવેક said,

    May 26, 2026 @ 11:07 AM

    તમામ પ્રતિભાવકોનો દિલી આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment