ત્યારે બોલશું – પારુલ ખખ્ખર
આંખ છલકાશે ઉઘાડેછોગ ત્યારે બોલશું,
માંગશે આ વાવ જ્યારે ભોગ ત્યારે બોલશું.
બોલવું તો છે ઘણું પણ મૌન રોકે છે હજુ,
દર્દનો હો શબ્દ સાથે યોગ ત્યારે બોલશું.
હા, દવાઓ છે, દુવાઓ છે, પરેજી સાથમાં,
તે છતાં વકરી જશે આ રોગ ત્યારે બોલશું.
આમ તો કંઈ મોં ન ખૂલે, ઘૂંટ પીવાતા રહે,
નાક જ્યારે દાબશે સંજોગ ત્યારે બોલશું.
એકલે હાથે લડીશું મોરચા, મેરે ખુદા!
જો હશે કંઈ કામ તારે જોગ ત્યારે બોલશું.
– પારુલ ખખ્ખર
યાદ આવે – કાઝિમ લખનવીસાહેબ –
मुद्दतें हो गई हैं चुप रहते
कोई सुनता तो हम भी कुछ कहते


pragnajuvyas said,
July 18, 2023 @ 7:55 PM
સુ શ્રી પારુલ ખખ્ખરની સુંદર ગઝલ.
આંખ છલકાશે ઉઘાડેછોગ ત્યારે બોલશું,
માંગશે આ વાવ જ્યારે ભોગ ત્યારે બોલશું.
વાહ્
–યાદ આવે
ખલીલ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું.
ધીરુ મકવાણા said,
July 8, 2026 @ 11:16 AM
“ પારુલને મંજૂર નથી “ પછી ફરી “ત્યારે બોલશું” વ્યર્થ રદિફ ..
કોઈપણ ગઝલમાં રદિફ , એ ગઝલનો પ્રાણ હોય છે. એ માત્ર પંક્તિ પૂરી કરવાનું સાધન નથી, પણ દરેક શેરમાં એક નવો અર્થ ઉઘાડવાનું કેન્દ્રબિંદુ છે.
“ત્યારે બોલશું” એ એક એવો રદિફ છે જે કવિને બહુ સીમિત (limited) કરી દે છે. આ રદિફ અનિવાર્યપણે એક જ પ્રકારની શરત અથવા સ્થિતિ,તરફ દોરી જાય છે: “જ્યારે આમ થશે… ત્યારે બોલશું.”
નવીનતાનો અભાવ: દરેક શેરમાં વિચારનો એ જ ઘરેડવાળો પ્રવાહ છે—લાચારી, મજબૂરી, અથવા અતિશય અતિશયોક્તિ
માંગશે આ વાવ જ્યારે ભોગ ત્યારે બોલશું.
આ શેરમાં ‘વાવ ભોગ માંગશે’ એવો પ્રયોગ કરીને માત્ર ‘ભોગ’ (કાફિયા) સેટ કરવા માટે આખી પંક્તિ ગોઠવી હોય તેવું લાગે છે, જે ગઝલની સહજતાને હણી નાખે છે.
વિચારોનું પુનરાવર્તન: ‘મૌન રહેવું’, ‘સંજોગો સામે ઝૂકવું’, અને ‘રોગ વકરવો’—આ બધા જ શેરોમાં ભાવ એકસરખો જ ભીનો અને લાચાર છે. કોઈ આંતરિક વળાંક કે ગઝલની ખરી તાકાત (ચોટ) જોવા મળતી નથી.
”ગઝલ લખી નથી ,પણ ઘસી નાખી છે.”
આજે સોશિયલ મીડિયાના જમાનામાં ‘ગઝલ’ લખવી એ માત્ર છંદ (બહર) અને કાફિયા-રદિફ ગોઠવવાની રમત બની ગઈ છે.
શાબ્દિક ગોઠવણ: ઘણા કવિઓ માત્ર માત્રાઓ અથવા લઘુ-ગુરુના માળખામાં શબ્દો ફિટ કરી દે છે, પણ એ શબ્દોની પાછળ કોઈ ઊંડી અનુભૂતિ, દર્શન કે મૌલિક વિચાર હોતો નથી.
રદિફનો દુરૂપયોગ: જ્યારે રદિફ બહુ સામાન્ય કે નબળો હોય, ત્યારે આખી ગઝલ એક લિસ્ટ (યાદી) જેવી બની જાય છે, કવિતા નથી બનતી.