આપણે રહેવાનું કેવળ આપણામાં
આપણે મળવાનું કેવળ ધારણામાં.

હૂંફ શાને શોધે છે તું તાપણામાં?
એટલી ઉષ્મા નથી શું આપણામાં?
- વિવેક મનહર ટેલર

લગ્નિલ કન્યાનું ગીત – જયેન્દ્ર શેખડીવાળા

ઝાંખા સોળ વરસના દીવા, પાછળ મેલ્યા પાદર-કૂવા
અમને લઈ ચાલ્યા રે ભુવા પરદેશના….

અમને કાજળ કાળી રાતે ઝમ્મર ગુલમહોરુંની શાખે
ડંખ્યા એરુનાં અંધારાં, મારા રાજવી!
ઝામણ ઝેર ચડ્યું રે અંગે પાંગત બોલી પડધા સંગે
અમ્મે સાવ થયાં નોધારાં, રાજવી!
ઝમરૂખ અજવાળું રે પીવા….
અમને લઈ ચાલ્યા રે ભુવા પરદેશના…

આંખે વાદળ ઝૂક્યાં એવાં, ઝરમર ફટ્ટાણાંનાં જેવાં
મેડી સુહેજ ધરુજી બોલી, મારા રાજવી!
ચૈતર હોય તો વેઠું તડકો, તમ્મે સૂકી વાડનો ભડકો
સૈયર એમ કહે છે ઓલી, મારા રાજવી!
એવાં ઝળહળ જળને પીવા…
અમને લઈ ચાલ્યા રે ભુવા પરદેશના…

– જયેન્દ્ર શેખડીવાળા

લગ્ન કરીને સાસરે જતી ષોડશીનું ગીત. (ગુજરાતી કવિઓએ હવે કવિતામાં બાળલગ્ન કરાવવાનું બંધ કરવું ન જોઈએ?)

પિયરમાં વીતાવેલા સોળ ઝગમગતા વરસ પાછળ દૂ…ર રહી જવાના કારણે ઝાંખા પડી ગયેલ દીવા જેવા ભાસે છે અને પતિ પરદેશી ભૂવા જેવો. ભૂવો કેમ? તો કે, લગ્ન પૂર્વે જ એણે સોળ વરસની નાજુક કન્યાને પૌરુષત્વનો સ્વાદ ચખાડી દીધો છે. કાજળકાળી રાતે અંગાંગમાં ઝામણ ઝેર પ્રસરી જાય એવો એરુ કન્યાને આભડી ચૂક્યો છે. કામકેલિના પ્રતાપે હચમચતો ખાટલો પડઘા પાડીને કહે છે કે નવોઢા નોધારી થઈ ચૂકી છે, પિયરયાંવનો સાથ છૂટી ગયો છે. બીજો બંધ પણ સ-રસ થયો છે…

(એરુ=સાપ; પાંગત= ખાટલાનો પગ તરફનો ભાગ; ઝમરૂખ=રામણ દીવડો)

*

લયસ્તરો પર આજે ધ્રુવ શુક્લ નામે સાવ અજાણ્યા કવિનું આ ગીત મૂક્યું… તરત જ મિત્રોના સંદેશા આવવા માંડ્યા કે આ ગીત તો જયેન્દ્ર શેખડીવાળાનું છે… તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે આ ગીત મેં જ લયસ્તરો પર ચાર વરસ પહેલાં જયેન્દ્ર શેખડીવાળાના નામે પોસ્ટ કર્યું હતું…

‘કવિતા’ દ્વિમાસિકના પચાસમા વર્ષની ઉજવણી નિમિત્તે “૩૦૦ કવિતા” નામે ઓક્ટોબર ૨૦૧૭માં દીપોત્સવી અંક પ્રગટ કરાયો હતો, એમાં આ ગીત ધ્રુવ શુક્લના નામે ૨૩૩માં પાને પ્રગટ થયું છે. એ જ અંકમાં ૪૮મા પાને શેખડીવાળાનું બીજું એક ગીત પણ છે.

જયેન્દ્ર શેખડીવાળાને ફોન કરતાં ખબર પડી કે એ જમાનામાં ખૂબ લખાતું હોવાથી તેઓ અલગ-અલગ નામે કવિતાઓ મોકલતા હતા અને ધ્રુવ શુક્લ પણ બીજું કોઈ નહીં, જયેન્દ્ર શેખડીવાળા સ્વયં જ છે…

ચાર વરસ પહેલાંની પોસ્ટ:
https://layastaro.com/?p=20154

હે પ્રભુ !!!

😉

6 Comments »

  1. કૌશલ યાજ્ઞિક said,

    July 3, 2026 @ 11:15 AM

    વાહ સર્જક ને અભિનંદન

  2. Bhagirath Pandya said,

    July 3, 2026 @ 11:45 AM

    વાચકનેય લગ્નિલ ષોડશીના મનોભાવનો અનુભવ કરાવી દે એવા બળુકા શબ્દો. સિમ્પલી વ્વાહ!

  3. Amin Kanchanbhai said,

    July 3, 2026 @ 12:11 PM

    તળપદી બળક્ટતા વ્યક્ત કરતું સરસ ગીત

  4. Nirja parekh said,

    July 3, 2026 @ 12:11 PM

    વાહ અને વાહ..કોને કહેવાની? જયેન્દ્રભાઈને કે ધ્રુવભાઈ ને 😁! સરસ ગીત.. વિનોદભાઈનું કૂંચી આપો બાઈજી યાદ આવી ગયું..
    શુભેચ્છાઓ
    નીરજા

  5. Kishor Barot said,

    July 3, 2026 @ 12:52 PM

    મીઠડું ગીત. 👌

  6. રાજેન્દ્ર ભટ્ટ said,

    July 3, 2026 @ 5:01 PM

    કન્યા ના ભાવ વિશ્વ નું સુંદર નિરૂપણ ખૂબ ખૂબ અભિનંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment