અમે સૂરજ નથી કે જીદ પર આવી સળગશું રોજ,
અમે તો કોડિયાં, ચાહે જલાવો કે બુઝાવી દો !
– સુધીર પટેલ

લગ્નિલ કન્યાનું ગીત – જયેન્દ્ર શેખડીવાળા

ઝાંખા સોળ વરસના દીવા, પાછળ મેલ્યાં પાદર કૂવા,
અમને લઈને ચાલ્યા રે ભૂવા પરદેશના.

અમને કાજળકાળી રાતે ઝમ્મર ગુલમહોરુંની શાખે
ડંખ્યાં એરુનાં અંધારાં, મારા રાજ્વી!
ઝામણ ઝેર ચડ્યું રે અંગે પાંગત બોલી પડધા સંગે
અમ્મે સાવ થયાં નોંધારાં, મારા રાજવી!
ઝમરખ અજવાળાં રે પીવાં, પાછળ મેલ્યાં પાદર કૂવા,
અમને લઈને ચાલ્યા રે ભૂવા પરદેશના.

આંખે વાદળ ઝૂક્યાં એવાં, ઝરમર ફટ્ટાણાના જેવાં
મેડી સ્હેજ ધરુજી બોલી, મારા રાજવી!
ચૈતર હોય તો વેઠું તડકો, તમે સૂકી વાડનો ભડકો
સૈયર એમ કહે છે ઓલી, મારા રાજવી!
એવાં ઝળહળ જળને પીવા, પાછળ મેલ્યાં પાદર કૂવા,
અમને લઈને ચાલ્યા રે ભૂવા પરદેશના.

– જયેન્દ્ર શેખડીવાળા

સ્વપ્નિલ વિશેષણ પરથી કવિ ‘લગ્નિલ’ જેવો શબ્દ કોઇન કરીને કાવ્યારંભ કરે છે એ જ સૂચવે છે કે જે રચનાનો આપણને સાક્ષાત્કાર થનાર છે એ જરા હટ કે હશે. સોળ વરસની કન્યાને લગ્ન સંદર્ભે થતી અનુભૂતિનું આ ગીત છે. ‘પાછળ મેલ્યા પાદર કૂવા’ એમ અર્ધવાક્યખંડની મદદ માત્રથી કવિ લગ્ન બાદ ગામ છૂટી જવાનું ચિત્ર આબાદ ઊભું કરી બતાવે છે. ઘર પાછળ રહી ગયું હોવાથી જે ઘરમાં સોળ વરસનું આયખું વીત્યું એ સોળ દીવા પણ હવે ઝાંખા દેખાવા માંડ્યા છે. ચાળીસ વરસ પહેલાં ૧૯૮૨માં પ્રગટ થયેલ સંગ્રહમાં સોળ વરસની છોકરીના લગ્નની વાત છે, એટલે સમજી શકાય છે કે આ એવા સમયના લગ્નની વાત છે જ્યાં લગ્નપૂર્વે કન્યાને વરનું મોઢું જોવાય નહીં મળ્યું હોય. હસ્તમેળાપની ઘડીએ અલપઝલપ મોઢું જોવા માત્રથી કન્યા એવી તો વશીભૂત થઈ ગઈ છે કે પરદેશથી આવેલ પતિને એ જંતરમંતર કરી વશીભૂત કરી લેનાર ભૂવો કહી ઓળખાવે છે. માત્ર બે જ પંક્તિમાં કવિ કેટકેટલું કહી બતાવે છે એ સમજવા જેવું છે. સાચું કવિકૌશલ્ય જ આને કહેવાય ને!

આંગણમાં ગુલમહોર ખીલ્યાં છે, મતલબ લગ્ન ઉનાળાની ઋતુમાં લેવાયા હશે. એની શાખે કાજળકાળી રાતે બંધાયેલ શરીરસંબંધની વાત નાયિકા મુખર થવા છતાંય ગરિમાપૂર્ણ રીતે એરુનાં અંધારાં ડંખ્યાં કહીને કરે છે. નાયિકાને અંગાંગમાં પ્રણયપરિતોષનું ઝેર ચડ્યું છે. ‘ઝામણ’ શબ્દ વાંચતાં જ ર.પા.ના ‘રાણી સોનાંદેનું મરશિયું’ કાવ્યમાં નાયિકા પતિને ‘મારા લોહીમાં રમતા ઝામણ નાગ’ કહીને સંબોધે છે એ યાદ આવે. નાયકના જીવનમાં હવે નાયિકા જ કેન્દ્રસ્થાને રહેનાર હોવાથી પાંગત-પડધા નોંધારા થઈ ગયાની લાગણી અનુભવે છે. અંધારી રાતોમાં જીવતરનાં અજવાળાં પીવા નાયિકાએ પિયર ત્યાગ્યું છે.

ગીતમાં અનિવાર્ય અંત્યાનુપ્રાસોપરાંત કવિએ દરેક કડીમાં આંતર્પ્રાસની ગૂંથણી પણ કરી છે, જે ધ્યાનાર્હ છે. ગીતરચનાની ઇબારતના અભ્યાસ માટે ઉપયોગી થઈ રહે એવી મજાની આ કૃતિ છે.

16 Comments »

  1. preetam lakhlani said,

    August 5, 2022 @ 12:14 PM

    બહુ સરસ ઉત્તમ લગ્ન ગીત, ગમતાના ગુલાલ વિશે શું લખું! સાથે વિવેક્ભાઈ તમારો આસ્વાદ પણ અદભૂત છે.

  2. વિવેક said,

    August 5, 2022 @ 12:19 PM

    @ પ્રીતમ લખલાણી:

    ખૂબ ખૂબ આભાર… આવા પ્રતિભાવ જ સાચું ચાલકબળ છે…

  3. Varij Luhar said,

    August 5, 2022 @ 12:33 PM

    ગીત અને આસ્વાદ બન્ને દિલમાં
    ઉતરી જાય તેવા

  4. Kaushik patel said,

    August 5, 2022 @ 12:34 PM

    વાહ… અદ્ભુત ગીત રચના…

  5. Kaushik patel said,

    August 5, 2022 @ 12:35 PM

    વાહ… અદ્ભુત ગીત રચના … ગીત ગમ્યું…

  6. Kaushik patel said,

    August 5, 2022 @ 12:35 PM

    અદ્ભુત ગીત રચના … ગીત ગમ્યું…

  7. Mana s. Vyas said,

    August 5, 2022 @ 12:36 PM

    વાહ..અનન્ય અનુભૂતિનું પ્રણય ગીત.પ્રીતમાં ઝબોળાયેલા શરમાળ શબ્દો બેમિસાલ.એક નવપરણેતરના હૈયાની વાત કવિ કઇ રીતે જાણી શક્યા હશે?

  8. કિશોર બારોટ said,

    August 5, 2022 @ 1:47 PM

    વારી જવાય તેવું અદ્ભૂત ગીત.
    કવિને સાદર વંદન. 🙏

  9. Lata hirani said,

    August 5, 2022 @ 2:10 PM

    ડોલાવી જાય એવું ગીત..

  10. Daxa sanhavi said,

    August 5, 2022 @ 3:22 PM

    ખુબ જ સુંદર ગીત . આંતરપ્રાસના કારણે લયની ઝમક અને પ્રવાહિતા કર્ણપ્રિ
    ય બન્યું છે

  11. Nehal said,

    August 5, 2022 @ 4:58 PM

    A hidden gem! Beautiful.

  12. pragnajuvyas said,

    August 5, 2022 @ 8:36 PM

    અદ્ભૂત અનુભૂતિનું પ્રણય ગીત
    ડૉ.વિવેકજીનો અદભૂત આસ્વાદ

  13. જયેન્દ્ર શેખડીવાળા said,

    August 5, 2022 @ 9:25 PM

    આ ગીતના આસ્વાદમાં આસ્વાદકશ્રી વિવેકજીએ મને ગીત રચના કરતી વખતે ઉપલબ્ધ થયેલી તમામ સાંદરભિક બાબતોને ખોલી આપી છે. વળી તેમણે આખા ગીતની ગુંથણીમાં રહેલા ભાવ સીમાંકનો ને પણ ઉઘાડી આપ્યા છે સાચે જ હું આભો બનીને અન્યનું કાવ્ય હોય એવી રીતે આસ્વાદકના આસ્વાદ સાથે એકરૂપ થઈ મારું જ કાવ્ય માણી રહ્યો હતો આસ્વાદક મિત્રનું હું ઋણ ઉતારી શકીશ નહીં આભાર વિવેકભાઈ આભાર
    આભાર લયસ્તરો

  14. Poonam said,

    August 6, 2022 @ 11:21 AM

    ઝમરખ અજવાળાં રે પીવાં, પાછળ મેલ્યાં પાદર કૂવા,
    અમને લઈને ચાલ્યા રે ભૂવા પરદેશના…
    – જયેન્દ્ર શેખડીવાળા – sa ras !

    Aaswad mastaan sir ji 👌🏻

  15. Tanu patel said,

    August 8, 2022 @ 7:20 PM

    ખુબ સરસ ગીત રચના અને એટલો જ ભાવસભર આસ્વાદ…

  16. વિવેક said,

    August 9, 2022 @ 11:14 AM

    પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો આભાર…

    સર્જકમિત્ર શ્રી જયેન્દ્ર શેખડીવાળાને રચનાનું મૂલ્યાંકન પસંદ આવ્યું એનો સવિશેષ આનંદ… હૃદયપૂર્વક આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment