રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
મેં મુસીબતમાં મદદ માંગી નહીં.

મરીઝ

મારા ઘટમાં…. – ચંદ્રકાન્ત શેઠ

મારા ઘટમાં ઘેરાય હવે રાત,
.                ચાંદલિયો ચમક્યો નથી;
મને આઘેનું કાંઈ ના ભળાય,
.                તારલિયો ટમક્યો નથી. –

મારી નીંદરની શેરી છે શાંત,
.                આગિયાય ઊડતા નથી;
મારા દીવાને એટલો ઉચાટ
.                કે અંધારાં બૂડતાં નથી. –

મારી આસપાસ એવું એકાંત,
.                કો બારણુંય ખોલતું નથી;
કોક પકડીને ઊભું છે ડાળ,
.                કે પાંદડુંય ડોલતું નથી. –

મારી જાગેલી વાણીનાં વ્હેણ,
.                આજ અહીં વ્હેતાં નથી;
ક્યાંક છુપાયાં નમણાં બે નેણ,
.                જે આજ કશું કહેતાં નથી. –

– ચંદ્રકાન્ત શેઠ

સદીઓ પૂર્વે એરિઓસ્ટોટલે catharsis – વિરેચનનો સિદ્ધાંત આપ્યો હતો. અંતરને વલોવી દે અને આંખોને નિચોવી કાઢે એવા કરુણતમ નાટકોને જોતી વખતે પ્રગટપણે દુઃખી દેખાતો પ્રેક્ષક હહીકતમાં દર્દભરી હૃદયોર્મિઓનું વિરેચન થઈ જતાં ભીતરથી હળવો થાય છે. પ્રસ્તુત ગીતરચના વિશે પણ આવું જ કહી શકાય. પરમના સાક્ષાત્કારના અભાવમાં ઘોર અંધાર અને એકલતામાં અટવાતા જીવનું આ કરુણગાન છે. સર્જકના સર્જનકાળના મનોભાવોમાં આપને સામેલ થઈ વ્યથા તો અનુભવીએ છીએ, પણ હૃદય પરનો કોઈક બોજો ઓછો થતાં સાથોસાથ હળવાશ પણ અનુભવીએ છીએ.

કવિસંવિતમાં ઘોર અંધકાર ભર્યો પડ્યો છે. હકીકતે તો પોતાની ભીતર કેવળ અંધકાર જ ભર્યો પડ્યો હોવાનું આત્મજ્ઞાન થાય એય બહુ કહેવાય, કારણ આપણામાંથી મોટાભાગનાંને તો એનુંય જ્ઞાન હોતું નથી. નથી કોઈ પથદર્શક ચાંદો ખીલ્યો કે નથી કોઈ પથનિર્દેશક તારો ઊગ્યો. આગિયા જેવા મિત્રો ઝબૂકે તોય કદાચ નીંદર ઊડે. નથી ઈશ્વર, નથી ગુરુ ને નથી કોઈ સહમાર્ગી. પંડના દીવામાંય એટલો ઉચાટ છે કે એ એનું મૂળભૂત કાર્ય કરવામાંય વિફળ રહે છે- અંધારું હટાવી શકતો નથી. વાણી તો જાગૃત થઈ ગઈ છે, પણ વાચા હજી ફૂટી નથી,કારણ પરમકૃપાળુ પરમાત્માની નજર હજી પડી નથી.. तमसोमा ज्योतिर्गमय…

Leave a Comment