છત મળશે ને છત્તર મળશે , ગોદ માતની કયાં ?
શયનખંડ ને શય્યા મળશે, સોડ માતની કયાં ?
રસ્તો મળશે, રાહી મળશે,રાહત માની કયાં ?
ચાંદ, સૂરજ ને તારા મળશે, આંખો માની કયાં ?
પલ્લવ ને પુષ્પો તો મળશે,પાલવ માનો કયાં ?
સૂર,તાલ ને સંગીત મળશે,ટહૂકો માનો કયાં ?
હાજર હાથ હજાર હોય,પણ છાતી માની કયાં ?
બારે ઊમટે મેહ,હેતની હેલી માની કયાં ?
ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની કયાં ?
ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની કયાં ?
– ચંદ્રકાન્ત શેઠ
ગુજરાતી સાહિત્યાકાશમાં વિવેચનતારકોનો લાંબા સમયથી ભારી શૂન્યાવકાશ સર્જાયો છે. પરિણામે લખો એ કવિતા જેવું વાતાવરણ સર્જાયું છે. આ અંધેરનગરીમાં ઉદયન ઠક્કર જેવા કોઈક હજી છે એનો આનંદ. ચંદ્રકાન્ત શેઠ જેવા લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર અને વિવેચક તથા સમસ્ત ગુજરાતી પાઠ્યપુસ્તક મંડળની કૃતિચયનવિધિ પર પ્રકાશ ફેંકવાની આવી હિંમત આજે બીજા કોઈમાં તો દેખાતી નથી… ઉદયન ઠક્કરની કલમે આ રચના અને જેના થકી મરું-મરું થઈ રહેલી ગુજરાતી ભાષા જીવવાની નજીવી આશા હજી રહી ગઈ છે, એ પાઠ્યપુસ્તક વિશે શી અપેક્ષા છે એ જાણીએ:
પાઠ્યપુસ્તકમાંની કવિતાઓ – ઉદયન ઠક્કર
આ રચના ગુજરાત રાજ્યના ધોરણ નવમાના પાઠ્યપુસ્તક માટે પસંદ કરાઈ છે.રાજ્યભરના કિશોરો સામે આદર્શરૂપે મુકાતી કૃતિ પાસે, સ્વાભાવિક છે કે આપણે મોટી અપેક્ષા લઈને જઈએ. પહેલાં રચનાનું બાહ્યરૂપ તપાસીએ. પાંચમાંથી ત્રણ સ્ટાન્ઝા (શ્લોક)માં અંત્યાનુપ્રાસ સચવાયા છે. પરંતુ બીજા (રાહત-આંખો) અને ત્રીજા (પાલવ-ટહુકો) શ્લોકમાં અંત્યાનુપ્રાસ જળવાયા નથી. ચાર શ્લોકમાં અંતે ‘માની ક્યાં/માનો ક્યાં’ પદ આવે છે, પણ પહેલા શ્લોકમાં ‘માતની ક્યાં’ પદથી ચલાવાયું છે. આ કારણોસર રચનાનું શિલ્પ ખંડિત થતું લાગે છે.
હવે આંતરિક સૌંદર્ય તપાસીએ. ‘હેતની હેલી,’ ‘માની છાયા’ જેવા પદયુગ્મો નિશાળના નિબંધોમાં દાયકાઓ સુધી વપરાતાં રહીને પોતાની વ્યંજકતા ખોઈ બેઠાં છે. ઉનાળો પણ ‘ભર્યો’ અને શિયાળો પણ ‘ભર્યો’? ‘ગોદ’ અને ‘સોડ’ વચ્ચેની ભેદરેખા પાતળી હોવાથી પહેલી અને બીજી પંક્તિમાં પ્રશ્નનું પુનરાવર્તન થતું લાગે છે. ‘શયનખંડ’ અને ‘શય્યા’ને ‘સોડ’ સાથે સંબંધ છે એ સાચું, પણ ‘છત’ (તાપ-વર્ષા સામે રક્ષણ) અને ‘છત્તર’ (માન-મોભો)ને ભલા ‘ગોદ’ સાથે શો સંબંધ? ‘માની છાતી’ પ્રયોગ ગ્રામ્ય લાગે છે, ‘હૈયું’ જેવો કોઈ વિકલ્પ શોધી શકાતે.
અહીં શયનખંડ-સોડ, રાહી-રાહત, પલ્લવ-પાલવ, સંગીત-ટહુકો,હાથ-છાતી, મેહ-હેલી એવાં જોડકાં ગોઠવવામાં આવ્યાં છે, જેમાં કળાકૌશલ્ય કરતાં ગણિતકૌશલ્ય વધુ દેખાય છે. મા જેવો વિષય હોવા છતાં સંવેદન વર્તાતું નથી. માની આંખોને ચાંદ-સૂરજ-તારાની ઉપમા આપતા બીજા શ્લોકને મેઘાણીના ગીત ‘માની યાદ’ સાથે સરખાવી જોઈએ:
કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ.
સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું,
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું.
તગમગ તાકતી ખોળલે લૈ,
ગગનમાં એ જ દ્રગ ચોડતી ગૈ…
(ટાગોરના ગીતનો અનુવાદ)
કિમ્ બહુના? વધારે કહેવાની જરૂર ખરી?
શ્રી ચંદ્રકાન્ત શેઠ સહ-સંપાદિત ‘ગુજરાતી કાવ્યમુદ્રા’માં, આજથી સો વર્ષ પૂર્વે રચાયેલું દા.ખુ. બોટાદકરનું ગીત ‘જનની’ સ્થાન પામ્યું છે:
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તો મોરી માત રે
…વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે.
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ.
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના સંપાદકોને એવું મન નહિ થતું હોય, કે પોતે શીખ્યા હતા તેવા જ સુંદર ગીતો આજના કિશોરો સમક્ષ પણ મૂકે?
-ઉદયન ઠક્કર