ઉછાળ દરિયા – ચંદ્રકાન્ત શેઠ
ઉછાળ દરિયા, ઉછાળ પ્હાડો, ઉછાળ માટી-પંડ;
ઉછાળ મનવા, મુઠ્ઠી ખોલી સકળ બ્રહ્મનું અંડ !
હોય હવે નહીં બંધન-બાધા, ધોધે ધસમસ ધસવું;
એકીશ્વાસે ચડી હવે તો મેરુ-માથે વસવું !
. હૈયે બારે મેઘ ઊમટ્યા, વરસે વ્હાલ પ્રચંડ !
નાવે નાવે પાંખ ઊઘડે, ગગન ઊઘડે દરિયે !
ગ્રહ-તારાની ભીડ મચી શી ! ચાંદ-સૂરજ આ ફળિયે !
. વાટઘાટ-ઘર-ગામ ડૂબતાં પામું બધું અખંડ !
વામનજીના કીમિયા કેવા ! કણ કણ વિરાટ ખૂલે,
શેષનાગની શય્યા છોડે અનંત અંદર ઝૂલે,
. છોળે છોળે છંદ છલકતા જલ જલ ચેટીચંડ !
– ચંદ્રકાન્ત શેઠ
પ્રેમની અનુભૂતિ કેવી અદભુત છે. સ્વનું સંધાન માત્ર સર્વ સાથે જ નહીં, સર્વસ્વ એવા બ્રહ્મ સાથે થઈ જાય છે. હૈયામાં પ્રચંડ વહાલ વરસે ત્યારે ક્ષણમાં સદી ને કણમાં બ્રહ્માંડ મહસૂસ થાય છે.
Rajnikant Vyas said,
January 31, 2015 @ 3:07 AM
ગૂઢ અર્થની સાથે લય અને પ્રાસનો અદ્ભૂત સમન્વય!
Harshad said,
January 31, 2015 @ 5:54 PM
સુન્દર રચના !! ખૂબ જ ગમી.
Pankaj Dubal said,
February 1, 2015 @ 2:41 AM
Saras