એના તરફથી એ જ ઉપેક્ષા મળ્યા કરી
હું વાત, વાતવાતમાં કહેતી રહી અને…
– મેગી આસનાની

નભ ખોલીને જોયું -ચંદ્રકાન્ત શેઠ

નભ ખોલીને જોયું, પંખી નથી નથી;    
જળ ખોલીને જોયું, મોતી નથી નથી. –

સતત છેડીએ તાર,           
                       છતાં કંઈ રણકે નહીં;
આ કેવો ચમકાર ! –         
                                કશુંયે ચમકે નહીં !

ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;    
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી. –

લાંબી લાંબી વાટ,              
                          પહોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય ?
                              મને સમજાય નહીં;

આ તે કેવો દેશ ?! – દિશા જ્યાં નથી નથી !   
આ મારો પરિવેશ ? – હું જ ત્યાં નથી નથી ! –

-ચંદ્રકાન્ત શેઠ

ઘોર નિરાશાનું છતાંયે પોતીકું લાગતું ગીત.  આખા ગીતમાં  ‘નથી નથી’ ની પુનરોક્તિ નિરાશાને સતત ઘૂંટી ઘૂંટીને એવી ઘોળે છે કે જેની ઘેરી અસર ભાવકનાં મન-હૃદય સુધી પહોંચ્યા વિના રહેતી જ નથી…

9 Comments »

  1. kanchankumari parmar said,

    February 17, 2010 @ 6:25 PM

    દુર દુર નાખિ નજર તોય તારો અહેસાસ ક્યાય નથિ ;માથે ઝળુંબે પ્રકાશ તોય તારો પડછાયો ક્યાય નથિ…….

  2. tirthesh said,

    February 18, 2010 @ 2:13 AM

    મને આમાં કવિ સ્થૂળ અને તત્વ ની વાત કરતા હોય તેમ લાગે છે. નિરાશા કરતાં મૂળ તત્વની શોધ વધુ પડઘાતી હોય તેવું લાગ્યું.

  3. ઊર્મિ said,

    February 18, 2010 @ 7:53 AM

    સાચી વાત છે તિર્થેશ… જો કે કવિતામાં દ્વૈત-અદ્વૈત જેવા વિવિધ ભાવો પણ માણસની મન:સ્થિતિ પ્રમાણે જ નીપજે છે ને… અને એવી કવિતા તો કેટલી સફળ ગણાય !

  4. Dhaval said,

    February 18, 2010 @ 4:59 PM

    કાળી નિરાશાને ઘૂંટતું ગીત.

  5. Pinki said,

    February 18, 2010 @ 11:35 PM

    પ્રારંભથી અંત સુધીમાં ગીતનો ભાવ નિરાશાત્મક લાગી શકે…

    પણ પંખી જે આત્માનું પ્રતિક ગણાય છે તે અને અંતિમ પંક્તિમાં ‘ હું જ ત્યાં નથી નથી’…
    નિર્ગુણ, નિરાકાર પરમ તત્ત્વને જ મન પામી નથી શકતું તેવી વેદના વ્યકત કરે છે.

    અને અંતિમ પંક્તિમાં ‘ હું નથી ‘ કહીને પરોક્ષ રીતે આપણામાં જ તે પરમ તત્ત્વ સમાયેલું છે,
    તેને સમસ્ત બ્રહ્માંડમાં શોધવાની જરુર નથી નથી…. તેવો ભાવ વ્યકત કરે છે.. ?!!!

  6. Pancham Shukla said,

    February 20, 2010 @ 2:27 PM

    નેતિ નેતિથી મૂળ તરફ લઈ જતું સિદ્ધહસ્ત કવિનું સુંદર ગીત. શબ્દાવલિ, લય, પુનરૂક્તિ, પ્રાસ સાયુજય બધું બધું રસમય. એક કલાત્મક કાવ્ય.

  7. Pinki said,

    February 21, 2010 @ 8:14 AM

    સરસ પંચમભાઈ, નેતિ નેતિ વાળી વાત ગમી.
    આંતરાનુપ્રાસ અંતરને અનહદ આનંદની અનુભૂતિ કરાવે છે !

  8. વિવેક said,

    February 22, 2010 @ 9:09 AM

    સાદ્યંત સુંદર રચના… કાળા રંગની પછીતેથી અજવાળું શોધવાની વ્યથાની કથા…

  9. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    March 11, 2010 @ 10:05 AM

    “કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.”
    આવી કવિતાઓ અમર આશાની અગવાઈ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment