શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૨ – નથી મળાતું
બે પંખીને મળવું છે, પણ નથી મળાતું.
એક વળાંકે વળવું છે, પણ નથી વળાતું! –
એક પંખી છે પિંજરપૂર્યું,
પગ પણ બાંધ્યા પાશે;
અવર પંખી તે છિન્ન-પાંખ છે,
ઊડતાં કેમ ઉડાશે?
બે પંખીને ઊંચે જવું છે, નથી જવાતું;
જોડે રહીને,
જલ પીવું છે એક ઝરણનું, નથી પિવાતું! –
એક પંખીને દિવસ મળ્યો છે,
અવર પંખીને રાત,
એક કથે ને અવર સુણે એ,
કેમ બને રે વાત?
બે પંખીને,
એક ડાળ પર ઝૂલવું છે, પણ નથી ઝુલાતું
એકબીજામાં ખૂલવું છે, પણ નથી ખુલાતું. –
– ચંદ્રકાન્ત શેઠ
પૂરી ન થતી ઇચ્છાઓ મનુષ્યજીવનની દુર્નિવાર્ય હકીકત છે. ઇચ્છાપૂર્તિની કામના કેટલાક જીવનનું ચાલકબળ બની રહે છે, તો કેટલાક માટે જીવનભરનું દર્દ. પ્રસ્તુત ગીતરચનામાં ઇચ્છાનદીના બે અલગ-અલગ કાંઠે જીવવા મજબૂર બે જીવોની વેદનાને પંખીના પ્રતીકની મદદથી કવિએ વાચા આપી છે. સરળ બાની અને પ્રવાહી લયના કારણે આ રચના વાંચતા, સોરી, ગણગણતાવેંત સ્પર્શી જાય છે. મળવું હોય પણ મળી ન શકાતું હોય, જીવનના વળાંકે સાથ નિભાવવો હોય પણ નિભાવી ન શકાતો હોવાની લાચારીની પીડા ગીતની દરેક કડીઓમાંથી સુપેરે વ્યક્ત થઈ છે. એક પંખી પિંજરામાં તો કેદ છે જ, પગ પણ બંધાયેલ છે; તો બીજાની પાંખ કપાયેલી છે. ન ઊડી શકાય, ન ઊંચે વિહાર કરી શકાય, ન સાથે મળીને એક ઝરણનું જળ પી શકાય. દુન્યવી જવાબદારીઓનું પિંજરુ, ફરજના પાશ અને સામાજિક નિયમોએ કાપી લીધેલી પાંખના કારણે ઉન્નતિની અસંભવ બનતી ઉડાણ અને જીવનજળ અને સહવાસથી વંચિત રહેવાની વાસ્તવિક્તા કવિએ જે રીતે આલેખી છે, એ આપણા હૈયામાં દર્દની ઊંડી રેખા કંડારી રહે છે. બે જણનો સમય પણ એક થઈ શકતો નથી, પરિણામે સહજીવનના સ્વપ્નને વાસ્તવની ડાળનો સ્પર્શ સંભવ બનતો નથી.
સુનીલ શાહ said,
August 14, 2024 @ 12:24 PM
ચોટદાર કાવ્ય.. સુંદર આસ્વાદ
રશ્મિ અગ્નિહોત્રી said,
August 14, 2024 @ 7:29 PM
સુંદર ગીત… ગીતકાર શ્રી ચંદ્રકાંત શેઠની દિવ્ય ચેતનાને શતશત નમન 🙏
બાબુ સંગાડા said,
August 15, 2024 @ 11:31 AM
ચંદ્રકાંત શેઠ સાહેબને મે કોલેજકાળમાં ઘણીવાર સાંભળ્યા…તેઓ મજબુત મનોબળ
પોતાનું વકતવ્ય આપતો…સચોટ માહિતી …પોતાના મંતવ્યમાં અડગતા પણ એટલી
ખરેખર એક આગવું વ્યક્તિત્વ હતું…અહીં તેમનું ગીત વાંચી મને મારા કોલેજકાળના દિવસોમાં લઈ ગયું….તેમની દિવ્યચેતનાને શત્ શત્ વંદન
પીયૂષ ભટ્ટ said,
August 17, 2024 @ 6:39 PM
મળવું છે છતાં ન મળી શકવાની વ્યંધતા અને પરવશતા કવિશ્રી ચંદ્રકાંતભાઈનાં પ્રસ્તુત ગીતમાં વેધક રીતે વિવિઘ આયામોમાં
મળવું છે છતાં કૈંક અધૂરપ અનુભવાય છે અને ન મળી શકવાની વેદના કવિ શ્રી ચંદ્રકાંત ભાઈ શેઠ નાં પ્રસ્તુત ગીતમાં વેધક રીતે વ્યક્ત થઈ છે. ઈચ્છા નદીના કાંઠા કહો કે ટ્રેનનાં બે પાટા. સમાંતર વહેતી જિંદગી માં સાથે સાથે રહેવા, જીવવા છતાં કૈંક અધૂરપ છલકાયા કરે છે. સહજીવન યાત્રા ના ઉર્ધ્વ શિખરો સર કરવાની ઝંખના છે, જીવન જળ સીંચવા છે, મન ભરીને ઝીલવા છે, ખોબો ભરીને પીવા છે , ખીલવું છે, ખુલવું છે, પણ….
આ પણ…. ની વાસ્તવિકતા આડી પડી છે.
અધૂરપની વેદનાનું આ ગીત પંખીઓનાં પ્રતીકથી સુપેરે ઉગ્યું છે, તો આસ્વાદથી ઉઘડ્યું છે. આસ્વાદ્ય બન્યુ છે.કવિશ્રી ની શબ્દ ચેતનાને નમન વંદન સહ વિવેકભાઇ ને અભિનંદન.
વિવેક said,
August 18, 2024 @ 11:36 AM
પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…
કવિતાનું બહુ સરસ રીતે આકલન કરવા બદલ શ્રી પીયૂષ ભટ્ટનો સવિશેષ આભારી છું…
Poonam said,
August 26, 2024 @ 5:49 PM
એક વળાંકે વળવું છે, પણ નથી વળાતું! – 👌🏻
– ચંદ્રકાન્ત શેઠ –
Sundar aaswad sir ji 🙏🏻