શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૫ – આવતીકાલે સૂરજ ઊગશે જ
આંખ તો એમ જ થઈ જાય છે ભીની ભીની,
ને પછી તો બધું જ લાગવા માંડે છે ભારે ભારે, સજળ!
બારીઓમાં બગાસાં
દીવાલોમાં ઊંડી ઊંડી સુસ્તી,
પવન સાવ પડેલો, હતાશ શઢ-શો.
ને તડકો સાવ ખરવાપાત્ર પીળાશ-શો.
થાય છે : આજની હવામાં
. હું નહીં ઊગું, નહીં વિસ્તરું, નહીં ફળું.
. ભલે હું કોડિયામાં ડૂબેલો રહું માખ-શો.
. હું નહીં ઊડું.
મારે નથી પહોંચવું ક્યાંય,
નથી પહોંચાડવાં કોઈનેય ક્યાંય…..
ભલે ઝૂમખાંનાં ઝૂમખાં ચાવીઓ પડી રહે, કાટ ખાતી,
મારે નથી ઉઘાડવાં કોઈ તાળાં, કોઈ સંચ.
ભલે આકાશ પોઢેલું રહે, આઠે પહોર,
મારે નથી જગાડવા કોઈ સૂરજ કે ચંદ.
ભલે અટકી જતાં અજવાળાં,
. મારી આંખ સુધી પહોંચવા જતાં જ અધવચાળે.
ભલે અટકી જતાં મોજાં મારા દરિયાનાં,
. એકાએક હલેસું જોતાં.
ભલે પીરસેલાં ભાણાં રહે અકબંધ,
. ને ઉજાગરાએ ધીકતા રહે છત્રપલંગ.
ભલે વેદનાના કંપે ખળભળતા રહે
. મારા અંદરના અને બહારના સૌ લોક.
. મારે કશુંય કરવું નથી આ અકાળે હવાયેલી જિંદગીમાં.
ડહોળાવાનું ભલે ડહોળાતું,
તણાવાનું ભલે તણાતું,
ભલે તૂટતાં લંગર
. ને ભલે વછૂટતાં વહાણ આડેધડ ખડકો ભણી.
. આજ ભલે ડૂબતી, પણ આવતીકાલ તો છે જ.
આવતીકાલે સૂરજ ઊગશે જ.
ને ઘણું ઘણું તપશે ને તપી તપીને હલકું થશે;
ઘણું ઘણું પામશે ઉઘાડ હૂંફાળો હૂંફાળો;
ને ત્યારે આજનો આપણો મોકૂફ રહેલો કાર્યક્રમ
ફરીથી ગતિમાન થશે, શાનદાર રીતે સૂરજની સાથે.
. ચોમાસું કંઈ બારે માસનું તો હોતું જ નથી.
– ચંદ્રકાન્ત શેઠ
‘એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી.’ (પ્રભુલાલ દ્વિવેદી) ખરું ને? કોઈક કારણોસર આજે કથકની આંખે ચોમાસું બેઠું છે. કવિ કહે છે કે આંખો આજે ‘એમ જ’ ભીની ભીની થઈ છે. કારણ જે હોય એ, પણ આંખો ભીની થવાના કારણે બધું જ ભારઝલ્લું સજળ લાગવા માંડે છે. હતાશાનો ભાવ ચોકોરથી કથક ફરતે ભરડો લઈ બેઠો છે. બારી, દીવાલ, પવન, તડકો- બધું જ ઉદાસીનતાના રંગે રંગાઈ ગયું છે. કશું જ કરવાની ઇચ્છા બચી નથી. સ્વયં માટે કે અવર માટે થઈને પણ કશું કરવાની આજે તો તમા નથી. કોઈ તાળાં કે ખજાના ઊઘાડવાનું આજે મન થતું નથી. અકાળે હવાઈ ગયેલી જિંદગીમાં કથકને કંઈ કરતાં કંઈ જ કરવા-કારવવાની ઝંખના થતી નથી. જીવનને જેટલું ડહોળાવું હોય, ડહોળાઈ લે; જેટલું તણાઈ જવા માંગતું હોય, ભલે તણાઈ જાય; ભલે બધા જ જહાજ ખડકોમાં ફળાઈને તૂટી જવા દોટ કેમ ન મૂકે, કથકની આજ મરી પરવારી છે, આશ નહીં. આજ મરી પરવારે એ ચાલે, પણ આશ મરી પરવારવી ન જોઈએ. આજ જશે તો કાલ આવશે પણ આશ જશે તો જીવનમાં કદી હાશ નહીં આવે… આજ ભલે ડૂબી મરતી, કાલ તો ઊગશે જ ને! કાલે ફરીથી ભરોસાનો સૂરજ ઊગવાનો જ છે અને જીવનચક્રના આરા પુનઃ ગતિમાન થવાના જ છે. કારણ ચોમાસું ગમે એટલું વિનાશકારી અને લાંબુ કેમ ન હોય, બારે માસનું તો નથી જ હોવાનું!
આ આશા જ આ કાવ્યનો પ્રાણ છે…