દૃષ્ટિની સાથ સાથ પડળ પણ છે આંખમાં,
જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ.
– ‘શૂન્ય’ પાલનપુરી

શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૪ – રસ

યદા તુજ દૃગે ભમે ગરલવર્ણ ઈર્ષ્યા, તદા
પુરાણ નગરી તણા વિજન ક્યાંક ખંડેરમાં,
ભમંત સુણું કોક ડાકણનું હાસ – જે સાંભળ્યે
ખરે નભથી તારકો, રુદન થૈ જતું શ્વાનથી!

પ્રકોપ તવ નેત્રમાં અનલવર્ણ ઊઠે, તદા
નિહાળું છલકંત ખપ્પર વિશાળ પાંચાલીનું,
અનેક સમરાંગણો કણકણે ભર્યાં રક્તનાં,
અસંખ્ય ડૂબતા, મરે અસુરવૃત્તિ દુઃશાસનો.

દૃગે પ્રણયસિક્ત ને કુમુદવર્ણ નર્તે સ્મિત,
તદા મનુજ-ઉત્સવ! દ્યુતિ લસંત આનંદનો
શશી હૃદયમાં દ્રવી અમૃત ઉલ્લસાવી રહે
ચકોર નયનો મહીં પ્રણયની નરી માધુરી!

ધરી વિવિધ રૂપ જે રસ રમે ઉઘાડાં ચખે,
નિમીલિત ચખે થઈ પરમ શાંતિ તે શો ખીલે!

– ચંદ્રકાન્ત શેઠ

સદ્ અને અસદ્ –માનવજીવનના સિક્કાની બે બાજુ છે. જે રીતે અલગ અલગ સાત રંગ ભેગા થઈ શ્વેત રંજ નિપજાવે છે, એ જ રીતે ઈર્ષ્યા, શોક, ક્રોધ, વેર, અસુરવૃત્તિ જેવા દુર્ભાવ અને પ્રણય, આનંદ, ઉલ્લાસ જેવા મધુર સદ્ભાવ ભેગાં થઈ શાન્તરસનું સર્જન કરે છે એ બાબત પ્રસ્તુત સૉનેટમાં બહુ સરસ રીતે રજૂ થઈ છે. સૉનેટની પ્રથમ આઠ પંક્તિઓમાં કવિએ મહાભારતનો સંદર્ભ લઈને અલગ-અલગ દુર્ભાવની અને એની અસરોની વાત કરી છે. પછીની ચાર પંક્તિઓમાં પ્રણય અને આનંદોલ્લાસની વાત કરી છે. આપણે મનુષ્યો આ અલગ-અલગ રસોમાં રત રહી જીવન વીતાવી દઈએ છીએ, પણ બુદ્ધ જેવા કોઈક મહાપુરુષ નિમીલિત નયને આ તમામ રસ અને ભાવોનું સંગોપન કરીને પરમ શાંતિ પ્રાપ્ત કરે છે.

(ગરલ= વિષ; અનલ= અગ્નિ; દ્યુતિ= તેજ; લસંત= શોભતું; ચખ= આંખ: નિમીલિત=અર્ધખુલી અર્ધબીડી)

2 Comments »

  1. Harsha Dave said,

    August 18, 2024 @ 5:50 AM

    શબ્દસ્થ કવિને સાદર શ્રધ્ધાંજલિ 🙏

  2. Dhruti Modi said,

    August 23, 2024 @ 2:44 AM

    શશી હ્રદયમાં દ્રવી અમૃત ઉલ્લસાવી રહે
    ચકોર નયનો મહીં પ્રણયની નરી માધુરી !

    સોનેટ ગમ્યું !જીવનમાં રસની વિવિધતા જોવા મળે છે જે વાત કવિએ શરૂઆતમાં કહી ઈર્ષાનો ભાવ – રસ ખંડેરમાં ફરતી ચુડેલના હાસ્ય જેવો છે કદાચ કવિ એ રસથી દૂર રહેવાની વાત કરતા હોય ! પાંચાલીની વાત થકી જીદ અને બીજાના પ્રાણ લેવાની જીદ કેટલી મોટી કિમંત માગે છે અને અંતે પ્રણયની વાત થકી જીવનમાં સુમધુરતા કેમ લાવવી તે વાત છે જેનાથી જીવન મધુરું બંને છે ! 🙏🙏

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment