જોગણનાં તપ ટાળો, જોગી! જોગણનાં તપ ટાળો…
નીલોત્પલ લોચનદલ ખોલો, કોમળ કાય નિહાળો…
– વિજય રાજ્યગુરુ

શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૩ – તું ચલવે ને…

તું ચલવે ને હું અહીં ચાલું, દાવ અજબ એ ખેલી જા;
જે કંઈ તારે પાલવ ગાંઠ્યું, બધું દાવમાં મેલી જા.

હાર-જીતના હિસાબ તે શા? રમાય એની રહે મજા;
રમતાં રમતાં ગૂંચ પડે તો, તક છે, તુરત ઉકેલી જા.

કેટકેટલા ચાંદ-સિતારા એક જ તારા ચ્હેરામાં!
એ સૌ આડે પડદા શેના? સત્વર સૌ સંકેલી જા.

સોનેરી સપનાંને ઝુમ્મર નીંદર મારી ઝળાંઝળાં;
રાતરાણીની સરહદ પરથી સુગંધ અહીંયાં રેલી જા.

જ્યારે તારો ઉઘાડ નીકળે, તારો પાયલ-પંથ ખૂલે;
બંધ બારણું મારી અંદર, તે હળવેથી ઠેલી જા.

– ચંદ્રકાન્ત શેઠ

સામાન્યરીતે છંદોબદ્ધ કવિતા, અછાંદસ અને ગીતોથી જાણીતા કવિ ગઝલોના ચલણથી પરે રહી શક્યા નથી. ગઝલ જેમના રક્તસંસ્કાર ન હોય એવા કવિ જ્યારે ગઝલમાં ખેડાણ કરે ત્યારે ગીત-સૉનેટની બાની ગઝલમાં આવી જવાની વકી પૂરેપૂરી, પણ સદનસીબે ચંદ્રકાન્ત શેઠની મોટાભાગની ગઝલો આમ થવાથી બચી ગઈ છે. ઊલટું, એમનું કવનસામર્થ્ય ગઝલને ઉપકારક નીવડતું જણાય છે. પ્રસ્તુત રચનાને આ દાવા માટેની દલીલ ગણી શકાય. ખરું ને?

4 Comments »

  1. મીતા said,

    August 16, 2024 @ 12:38 PM

    સરસ મજાની ગઝલ… લયસ્તરોને અભિનંદન

    કવિની દિવ્યચેતનાને સાદર વંદન…

  2. Varij Luhar said,

    August 16, 2024 @ 3:17 PM

    વાહ.. ગઝલને પણ ખૂબ શણગારી છે

  3. Dhruti Modi said,

    August 18, 2024 @ 3:28 AM

    સુંદર ગઝલ !

    સોનેરી સપનાંને ઝુમ્મર નીંદર મારી ઝળહળાં;
    રાતરાણીની સરહદ પરથી સુગંધ અહીંયા રેલી જા

    કેવી સુંદર કલ્પના ! સાદ્યાંત ગઝલ ગમી ! 👌👌💗💗

  4. Poonam said,

    August 26, 2024 @ 5:29 PM

    …રમતાં રમતાં ગૂંચ પડે તો, તક છે, તુરત ઉકેલી જા.
    – ચંદ્રકાન્ત શેઠ – Saral ne Saras !

    Khari sir ji 🙏🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment