શબ્દસુમન : ચંદ્રકાન્ત શેઠ – ૦૧ – ક્યાં છો ચંદ્રકાન્ત?
ક્યાં છો ચંદ્રકાન્ત? તમે ક્યાં છો? ક્યાં છો?
તમારા આ બોલાયેલા — લખાયેલા શબ્દો,
. – એમાં તમે નથી, તમારી છે છાયા;
. – જેને તમારુ ના સ્હેજે અભિજ્ઞાન.
ચંદ્રકાન્ત!
તમોને ભુલાવી દેતા તમારા અરીસા
. – એને તોડીફોડી કેમ નથી દેતા?
તમારી જ આરતીને સહી લો છો શાને?
. – કેમ ફૂંક મારી હોલવી ના દેતા?
તેજના તમિસ્રમાંથી નીકળો રે બ્હાર,
તમારું જે રૂપ, જુઓ તમારીયે પાર!
શ્વાસથી ઉચ્છવાસના ઝૂલાએ રોજ ઝૂલો,
. કદી અંતરાલે માંડી ખરી મીટ?
કોનો લય, કોની ગતિ, કોનું રૂપ
. —જેનો આમ નિષ્પદં શો છંદ ઊંડો નસે નસે ચાલે?
ફૂલ જેમ હસો છો ને કરો છો કલ્લોલ!
તમે જાણેા છે?
—અનતમાં જે અંતે તમે ઝૂલો
. એ કાળના તરુની કોણ ડાળ?
‘ચંદ્રકાન્ત’ નામની ધજાએ જ્યાં ચઢાવી
. એ જ મંદિરે ના જાણે કોઈ ‘ચંદ્રકાન્ત’ કોણ!
ચદ્રકાન્ત તમોએ જે ઉછેર્યું છે ઘર
. એ જ જાણે નહિ ‘ચદ્રકાન્ત’ કોણ!
‘ચંદ્રકાન્ત’ નામના જે રાજપથે ચાલે
. એને તમારાં ના પગલાંની જાણ.
ઢગઢગ ફૂલોએ જે પામ્યા તમે માન,
. એમાં તમારા જ સ્મિતની ના શાન.
‘ચંદ્રકાન્ત’ નામની દીવાલો ઓઢી ઓઢી
. તમે શ્વાસે શ્વાસે મમી થતા ચાલ્યા!
‘ચંદ્રકાન્ત’ — એ જ તમે એમ માની – ચાલી,
. ભલા ખુદનેય દૂર ઠીક રાખ્યા!
‘ચંદ્રકાન્ત’ નામ પઢ્યા પોપટની જેમ
તોય,
મરચાના જેટલીયે,
ચાંચને તમારી પૂછો,
. ‘ચંદ્રકાન્ત’ નામની પિછાન છે કે કેમ?
‘ચંદ્રકાન્ત’ નામ માટે
. શબ્દોના મિનારા ચણ્યા,
. સંબંધોનાં જાળ વણ્યાં,
. પરઘેર પાણી ભર્યાં,
. રંગલાના વેશ કર્યાં,
. સાત સાત પૂછડાં ઉગાડ્યાં ને કપાવ્યાં કર્યાં!
કેટલાયે કૅમેરાની આંખો પ્હેરી,
. અધકારો આંજી આંજી,
. પ્રકાશોથી રંગી રંગી,
. પ્લેટોમાં ઠાંસી ઠાંસીને,
. ચંદ્રકાન્તો ચારે કોર મૂકી મૂકી જોયા,
. ચદ્રકાન્ત પાના જેવા સાવ કોરા!
ચારેકોર ચંદ્રકાન્તો
. ખીચોખીચ
. કીડિયારાં રચી રચી જીવે,
. – એમાં હું જ હોઉં એવો સાચો
. એક તો બતાવો મને
. ચંદ્રકાન્ત ક્યાં છે?
. કયાં છે?
. કયાં છે?
– ચંદ્રકાન્ત શેઠ
જન્મે ત્યારે દરેક માણસ કોરી પાટી જેવો હોય છે, પણ પછી સમાજ એના ઉપર એક નામનું સ્ટિકર લગાડી આપે છે. અને પછી માણસ માણસ મટીને એક સ્ટિકર બનીને રહી જાય છે. પોતાના નામને ‘રોશન’ કરવા માટે મનુષ્ય આજીવન એ રીતે મથતો રહે છે કે, જીવવાનું પણ ભૂલી જાય. પ્રસ્તુત રચનામાં કવિ આ સ્ટિકરની પેલી પારની જાતને શોધવા જે મથામણ કરે છે એ ચિરસ્મરણીય બની છે. અછાંદસ જેવો ઘાટઘૂટ ધરાવતી આ રચના હકીકતે મનહર છંદમાં રચેલ છંદોબદ્ધ કાવ્ય છે. લય સાથે મોટેથી વાંચશો તો વધુ મજા આવશે.
કવિ ચંદ્રકાન્ત વ્યક્તિ ચંદ્રકાન્તની શોધમાં છે. શીર્ષક અને કાવ્યનો ઉઘાડ –બંને આ શોધથી જ થાય છે- ક્યાં છો ચંદ્રકાન્ત? પોતાના બોલ યા લખાણમાં પોતે નહીં, પોતાની છાયા જ હોવાથી આ સર્જક અભિજ્ઞાત છે. જગતના અરીસાઓમાં જે દેખાય છે એય બિંબ જ છે, મૂળ નથી એ જાણવા છતાં આત્મરતિમાં રત મનુષ્ય આ અરીસાઓ તોડીફોડી શકતો નથી. પોતાની પ્રસંશા કરતી આરતીઓને હોલવી પણ નથી શકાતી. તેજના અંધકારમાંથી બહાર આવીએ તો જ સાચું વ્યક્તિત્વ પામી શકાય. શ્વાસથી ઉચ્છવાસના હીંચકા પર હીંચ્યે રાખતો માનવી એ બે વચ્ચેના અંતરાલ પર મીટ માંડતો જ નથી. એ માંડીએ તો આ નિષ્પંદ છંદ કોના પ્રતાપે છે એ કળી શકાય. આપણા નામની તક્તીઓ જ્યાં જ્યાં લગાવાઈ છે, ત્યાં કોઈ જ આપણને ઓળખતું નથી હોતું. કારણ કે નામની આ તક્તીઓ એ ખરી વ્યક્તિ હોતી જ નથી. મનુષ્ય નામ માટે શું શું નથી કરતો? લાંબીલચ્ચ યાદી આપીને અંતે કવિ કહે છે કે કોઈપણ યાદીમાં સમાઈ ન શકનાર ચંદ્રકાન્ત પાના જેવા સાવ કોરા છે. કીડિયારું ઊભરાય એમ છલકાતા એકસમાન મનુષ્યોની ખીચોખીચ ભીડમાં મનુષ્યની સાચી ઓળખાણ મેળવવાનું દોહ્યલું છે એ વાત ‘ક્યાં છે’ સવાલની ત્રિરુક્તિ સાથે અધોરેખિત કરી કવિ વિરમે છે. કવિતાની શરૂઆત જ્યાંથી થઈ હતી, અંત પણ ત્યાં જ આવે છે એ પણ સૂચક છે…
દક્ષા બી.સંઘવી said,
August 13, 2024 @ 11:25 AM
અસ્તિત્વ માટેની મથામણ નો સુંદર સર્વદર્શી ચિતાર
દક્ષા બી.સંઘવી said,
August 13, 2024 @ 11:26 AM
અસ્તિત્વ માટેની મથામણ નો સુંદર સર્વદર્શી ચિતાર કવિશ્રી ની શબ્દ ચેતના ને સાદર નમન
Varij Luhar said,
August 13, 2024 @ 11:27 AM
ખૂબ સરસ કાવ્ય અને આસ્વાદ..🙏
Vinod Manek 'Chatak' said,
August 13, 2024 @ 11:36 AM
જાતને પામવાની, જાતને ઓળખવાની અને ખુદના અસ્તિત્વને પડકરનારી સરસ લયબદ્ધ રચના…. સ્મરણ વંદના….
Vinod Manek 'Chatak' said,
August 13, 2024 @ 11:38 AM
જાતને પામવાની જાતને ઓળખવાની અને ખુદના અસ્તિત્વને પડકારનારી સરસ લયબદ્ધ રચના.. સ્મરણ વંદના…
Harsha Dave said,
August 13, 2024 @ 11:42 AM
વાહ અભિજ્ઞાન….
સાચાં મોતી જેવી કવિતા
ધન્યવાદ લયસ્તરો
Harjivan dafda said,
August 13, 2024 @ 11:46 AM
આપણી ગુજરાતી ભાષાના અગ્રીમ હરોળના બહુશ્રુત કવિ ચંદ્રકાંત શેઠને હૃદયપૂર્વક સ્મરણાંજલી
વિવેકભાઈ,
તમે કવિતાને સરસ ખોલી આપી
અભિનંદન
Poonam said,
August 26, 2024 @ 5:56 PM
ક્યાં છો Thi
કયાં છે?
….કયાં છે? Shudhi Kya baat !
તમારી જ આરતીને સહી લો છો શાને?
– કેમ ફૂંક મારી હોલવી ના દેતા?
– ચંદ્રકાન્ત શેઠ –
Aaswad swadishthu sir ji 🙏🏻