આંખ બેઠી છે દૃશ્યના ટેકે
દૃશ્યને આંખનો લગાવ કહું ?
– સંજુ વાળા

તો – ચંદ્રકાન્ત શેઠ

ઢાળવાનું હેમ છે તો ઢાળીએ,
એક ઝરણું આંખમાંયે વાળીએ.

એટલા તારા ગમ્યા છે રાતના,
દિવસ આખો જાગવાનું ટાળીએ.

તૂટવાની શી મજા મઝધારમાં!
ભૂલમાંયે કેમ કાંઠો ભાળીએ?

આપણે તો એક મોતી પામવું,
સાત સમદરનીય રેતી ચાળીએ!

કોક દી તો એ ગગન અહીં આવશે,
આંગણામાં પંખીઓ બસ, પાળીએ.

આપણામાં જ્યોત ને જ્વાળા ઊઠે,
બાળવા જેવું બધુંયે બાળીએ.

– ચંદ્રકાન્ત શેઠ

ઉજાગરાના કારણ તો હજાર હોય, પણ કવિ પાસે જે કારણ છે એ તો સાવ અલગ જ છે, અને ઉજાગરો કરવા માટેની એમની પદ્ધતિ પણ નોખી છે. રાતના તારા કવિને એ હદે ગમી ગયા છે કે એ દિવસે ઊંઘી જવાનું પસંદ કરે છે, જેથી કરીને રાત આખી તારાઓના સૌંદર્યનું આકંઠ પાન કરી શકાય. ત્રીજો શેર વાંચતાવેંત શૂન્ય પાલનપુરીની યાદ આવે- મને એ નાખુદા પર છે ખુદા કરતાં વધુ શ્રદ્ધા, કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં. છેલ્લા ત્રણ શેર તો સાત સમંદરની રેતી ચાળીને હાંસિલ કરેલ મોતી જેવા મૂલ્યવાન થયા છે…

3 Comments »

  1. Yogesh Samani said,

    October 3, 2024 @ 10:42 PM

    ખૂબ સરસ ગઝલ 👌
    દિવસ ગાલ?

  2. Ramesh Maru said,

    October 3, 2024 @ 11:13 PM

    વાહ…ખૂબ સુંદર રચના…

  3. Dhruti Modi said,

    October 4, 2024 @ 2:04 AM

    જે ગમ્યું તેને માટે બધું કરી શકીયે !
    તારા ગમ્યા તો દિવસે ઊંધી લઈ રાત આખી જાગી તારા દર્શન કરીએ !
    મોતી મળતું હોય તો રેતી યે ચાળી લઈએ !

    હકારાત્મક વાત જ કવિની વિશાળતા દર્શાવે છે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment