રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
બરકત વિરાણી 'બેફામ'

(ગોદ માતની કયાં) – ચંદ્રકાંત શેઠ

છત મળશે ને છત્તર મળશે , ગોદ માતની કયાં ?
શયનખંડ ને શય્યા મળશે, સોડ માતની કયાં ?

રસ્તો મળશે, રાહી મળશે,રાહત માની કયાં ?
ચાંદ, સૂરજ ને તારા મળશે, આંખો માની કયાં ?

પલ્લવ ને પુષ્પો તો મળશે,પાલવ માનો કયાં ?
સૂર,તાલ ને સંગીત મળશે,ટહૂકો માનો કયાં ?

હાજર હાથ હજાર હોય,પણ છાતી માની કયાં ?
બારે ઊમટે મેહ,હેતની હેલી માની કયાં ?

ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની કયાં ?
ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની કયાં ?

– ચંદ્રકાન્ત શેઠ

ગુજરાતી સાહિત્યાકાશમાં વિવેચનતારકોનો લાંબા સમયથી ભારી શૂન્યાવકાશ સર્જાયો છે. પરિણામે લખો એ કવિતા જેવું વાતાવરણ સર્જાયું છે. આ અંધેરનગરીમાં ઉદયન ઠક્કર જેવા કોઈક હજી છે એનો આનંદ. ચંદ્રકાન્ત શેઠ જેવા લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર અને વિવેચક તથા સમસ્ત ગુજરાતી પાઠ્યપુસ્તક મંડળની કૃતિચયનવિધિ પર પ્રકાશ ફેંકવાની આવી હિંમત આજે બીજા કોઈમાં તો દેખાતી નથી… ઉદયન ઠક્કરની કલમે આ રચના અને જેના થકી મરું-મરું થઈ રહેલી ગુજરાતી ભાષા જીવવાની નજીવી આશા હજી રહી ગઈ છે, એ પાઠ્યપુસ્તક વિશે શી અપેક્ષા છે એ જાણીએ:

પાઠ્યપુસ્તકમાંની કવિતાઓ – ઉદયન ઠક્કર

આ રચના ગુજરાત રાજ્યના ધોરણ નવમાના પાઠ્યપુસ્તક માટે પસંદ કરાઈ છે.રાજ્યભરના કિશોરો સામે આદર્શરૂપે મુકાતી કૃતિ પાસે, સ્વાભાવિક છે કે આપણે મોટી અપેક્ષા લઈને જઈએ. પહેલાં રચનાનું બાહ્યરૂપ તપાસીએ. પાંચમાંથી ત્રણ સ્ટાન્ઝા (શ્લોક)માં અંત્યાનુપ્રાસ સચવાયા છે. પરંતુ બીજા (રાહત-આંખો) અને ત્રીજા (પાલવ-ટહુકો) શ્લોકમાં અંત્યાનુપ્રાસ જળવાયા નથી. ચાર શ્લોકમાં અંતે ‘માની ક્યાં/માનો ક્યાં’ પદ આવે છે, પણ પહેલા શ્લોકમાં ‘માતની ક્યાં’ પદથી ચલાવાયું છે. આ કારણોસર રચનાનું શિલ્પ ખંડિત થતું લાગે છે.

હવે આંતરિક સૌંદર્ય તપાસીએ. ‘હેતની હેલી,’ ‘માની છાયા’ જેવા પદયુગ્મો નિશાળના નિબંધોમાં દાયકાઓ સુધી વપરાતાં રહીને પોતાની વ્યંજકતા ખોઈ બેઠાં છે. ઉનાળો પણ ‘ભર્યો’ અને શિયાળો પણ ‘ભર્યો’? ‘ગોદ’ અને ‘સોડ’ વચ્ચેની ભેદરેખા પાતળી હોવાથી પહેલી અને બીજી પંક્તિમાં પ્રશ્નનું પુનરાવર્તન થતું લાગે છે. ‘શયનખંડ’ અને ‘શય્યા’ને ‘સોડ’ સાથે સંબંધ છે એ સાચું, પણ ‘છત’ (તાપ-વર્ષા સામે રક્ષણ) અને ‘છત્તર’ (માન-મોભો)ને ભલા ‘ગોદ’ સાથે શો સંબંધ? ‘માની છાતી’ પ્રયોગ ગ્રામ્ય લાગે છે, ‘હૈયું’ જેવો કોઈ વિકલ્પ શોધી શકાતે.

અહીં શયનખંડ-સોડ, રાહી-રાહત, પલ્લવ-પાલવ, સંગીત-ટહુકો,હાથ-છાતી, મેહ-હેલી એવાં જોડકાં ગોઠવવામાં આવ્યાં છે, જેમાં કળાકૌશલ્ય કરતાં ગણિતકૌશલ્ય વધુ દેખાય છે. મા જેવો વિષય હોવા છતાં સંવેદન વર્તાતું નથી. માની આંખોને ચાંદ-સૂરજ-તારાની ઉપમા આપતા બીજા શ્લોકને મેઘાણીના ગીત ‘માની યાદ’ સાથે સરખાવી જોઈએ:

કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ.
સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું,
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું.
તગમગ તાકતી ખોળલે લૈ,
ગગનમાં એ જ દ્રગ ચોડતી ગૈ…
(ટાગોરના ગીતનો અનુવાદ)

કિમ્ બહુના? વધારે કહેવાની જરૂર ખરી?

શ્રી ચંદ્રકાન્ત શેઠ સહ-સંપાદિત ‘ગુજરાતી કાવ્યમુદ્રા’માં, આજથી સો વર્ષ પૂર્વે રચાયેલું દા.ખુ. બોટાદકરનું ગીત ‘જનની’ સ્થાન પામ્યું છે:

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તો મોરી માત રે
…વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે.
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ.

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના સંપાદકોને એવું મન નહિ થતું હોય, કે પોતે શીખ્યા હતા તેવા જ સુંદર ગીતો આજના કિશોરો સમક્ષ પણ મૂકે?

-ઉદયન ઠક્કર

14 Comments »

  1. Rinku Rathod said,

    November 5, 2020 @ 1:50 AM

    અત્યંત જરૂરી વાત. વંદન

  2. Jit Chudasama said,

    November 5, 2020 @ 2:03 AM

    ખરી વાત છે. હું છેલ્લાં આઠ વર્ષોથી પ્રાથમિક શાળામાં ગુજરાતી ભણાવું છું. પાઠ્યપુસ્તકમાં ભાવ અને આંતરિક સૌંદર્યને તો જવા દો, જોડણી અને વાક્યરચનાઓ પણ ખામીયુક્ત છે. ક્યાંક કોઈ ગીતમાં એકાદ પંક્તિ નથી તો ક્યાંક ભળતું જ કંઈક છાપ્યું છે. ક્યાંક તો વળી બાળકની વયમર્યાદાને ધ્યાનમાં રાખ્યા વિના જ અમુક કૃતિઓ પરાણે ગોઠવી દીધી છે. પત્ર લખીને ધ્યાન દોરો તો નહીં કોઈ જવાબ કે નહીં કોઈ સુધારો. ઉદયનભાઈએ જે લખ્યું છે એ ગુજરાતી ભાષા અને એ ભાષા ભણતાં બાળકો માટે ઉપકારક છે.

  3. Deval said,

    November 5, 2020 @ 2:28 AM

    સો ટકા સાચી વાત  …. પણ આશા એટલી રાખીએ કે ઉદયન સરના આ આંખ ઉઘાડનારા લેખથી ચયનકર્તાઓના  હૃદયમાં ‘રામ જાગે’ ! 

  4. Dilip Chavda said,

    November 5, 2020 @ 2:30 AM

    સટીક ‌વાત સટીક રીતે રજૂ કરવામાં આવી છે.
    અભિનંદન ઉદયન સર ને આભાર વિવેક સર

  5. Dilip Ghaswala said,

    November 5, 2020 @ 2:51 AM

    ખૂબ સરસ વાત અભિનંદન
    ઉદયન ભાઈ અને ડૉ વિવેક ભાઈને
    સૂક્ષ્મ ભાવો સરસ રીતે ઝિલાયા છે..

  6. Kinjal patel said,

    November 5, 2020 @ 2:58 AM

    એક દમ સાચી વાત સર.

  7. Kajal kanjiya said,

    November 5, 2020 @ 3:00 AM

    આના વિશે કંઈ કહેવામાં હું કાચી પડું…….
    પરંતું આપનો અવાજ યોગ્ય વ્યક્તિઓને સંભાળાય તે માટે શુભેચ્છાઓ….
    આપનો પ્રયાસ સફળ રહો ,અને સારી કવિતાને યોગ્ય સ્થાન મળે એ ઈચ્છનીય છે.

  8. Vimal Agravat said,

    November 5, 2020 @ 3:25 AM

    સંપૂર્ણ સહમત

  9. Poonam said,

    November 5, 2020 @ 9:20 AM

    Y ? 👌🏻 Sataak ne Satik ne Sahemat pan…

  10. Dhaval Shah said,

    November 5, 2020 @ 9:25 AM

    આપણી ભાષામાં એકથી એક ચડિયાતી રચનાઓ હાજર છે… આ અત્યંત સાધારણ રચના કરતા ઘણી વધારે સરસ રચના પસંદ કરવી જોઇતી હતી હતી.

  11. Lata Hirani said,

    November 5, 2020 @ 9:26 AM

    સંપૂર્ણ સહમત છું.

  12. pragnajuvyas said,

    November 5, 2020 @ 2:42 PM

    શ્રી ચંદ્રકાન્ત શેઠનુ સુંદર ઊર્મિકાવ્ય,
    ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની કયાં ?
    ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની કયાં ?
    અફલાતુન
    ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના સંપાદકોને એવું મન નહિ થતું હોય, કે પોતે શીખ્યા હતા તેવા જ સુંદર ગીતો આજના કિશોરો સમક્ષ પણ મૂકે?
    -ઉદયન ઠક્કરની સટિક વાત
    સ રસ વાતો મૂકવા બદલ ડૉ વિવેકને ધન્યવાદ

  13. આરતીસોની said,

    November 13, 2020 @ 1:52 AM

    સટીક વાત કરી..
    ગુજરાત રાજ્ય પાઠય પુસ્તક સંપાદકને ધ્યાને દોરવા માટે ધન્યવાદ
    સારી કવિતાઓને યોગ્ય સ્થાન મળવું જ જોઈએ..

  14. preetam lakhlani said,

    November 13, 2020 @ 1:30 PM

    ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના સંપાદકોને એવું મન નહિ થતું હોય, કે પોતે શીખ્યા હતા તેવા જ સુંદર ગીતો આજના કિશોરો સમક્ષ પણ મૂકે?

    -ઉદયન ઠક્કર, કયાં બાત હૈ, ગમતાનો ગુલાલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment