નજરો નમી નથી ને નયનમાં નમી નથી,
કોઈને એવી શુષ્ક યુવાની ગમી નથી.
– મંથન ડીસાકર

ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ… – ચંદ્રકાંત શેઠ

ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ.
એના મનમાં ખાલી સમય સડે છે.

ચપટી નભ ને ચપટી માટી,
ચપટી વાયુ, ચપટી તેજ,
જરા મળ્યો જે ભેજ,

                     – બધુંયે વ્યર્થ વ્યર્થ બગડે છે.
              દેશકાળને દર્પણ એના ડાઘ પાડે છે:
                      ચંદ્રકાંતનો ચ્હેરો ભૂંસી દઈએ;
એને વેરવિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ.

ભારેખમ એ ખડક,
              નથી એ ઊછળવાનો મોજાંથી;
વરસે વાદળ લાખ,
              છતાં કોરીકર એની માટી !
વંટોળો ફૂંકાય,
               છતાંય એનો સઢ ન હવા પકડતો !
               લંગર પકડી એ તો લટક્યા કરતો !

શ્વાસ કરોડો ઢીંચી,
પડછાયા સેવ્યા છે એણે આંખો મીંચી.

ચંદ્રકાંતના મન પર લીલ ચઢી છે;
એક માછલી, વરસોથી, કો ગલમાં બદ્ધ પડી છે.
કેટકેટલી તરડ પડી છે, જ્યાં જ્યાં એનાં ચરણ પડ્યાં ત્યાં !
ચંદ્રકાંતથી હવા બગડશે,
                         જલમાં ઝેર પ્રસરશે.

એનાં જે ખંડેરો – એને ખતમ કરી દો વ્હેલાં પ્હેંલાં,
એને   અહીંથી   સાફ   કરી   દો   વ્હેલાં  પ્હેલાં :

એની આંખે સૂર્ય પડ્યા છે ખોટા,
                અને ત્યારથી દિવસ પડ્યા છે ખોટા,
                                      ખોટી રાત છે :

ચંદ્રકાંતને ઝટપટ હળથી ભાંગી ખેતર સપાટ કરીએ,
ચં દ્ર કાં ત ને ભાં ગી ક ણ ક ણ ખ લા સ ક રી એ …

– ચંદ્રકાંત શેઠ

કહે છે કે માણસે પોતાના સૌથી કઠોર વિવેચક બનવું જોઈએ. અહીં તો કવિ પોતાની કવિતાનું નહીં પણ પોતાની જાતનું જ વિવેચન કરવા બેઠા છે. 

ચોખ્ખી વાત છે : ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ. કેમ ? … કારણ કે એનું અસ્તિત્વ વિનાકારણ છે. જે પંચમહાભૂતમાંથી એના દેહનું સર્જન થયું છે એમા એ પાંચેય તત્વોનો તદ્દન બગાડ થયો છે. કોઈ વાતે એ બદલાય એમ નથી. એનું મન એવું અવાવરુ થઈને પડ્યું છે કે એમાં લીલ ચડી છે. કાંટામાં પકડાયેલી માછલી જેવો એ ન તો છૂટે છે અને ન તો નાશ પામે છે. સૂર્ય જેવા સ્વયંપ્રકાશિત સત્યને પણ એ સમજી શકતો નથી અને એટલે એને માટે દિવસ-રાત વ્યર્થ ગયા સમાન છે. એટલે : ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ.

કવિ અહીં પોતાની વાત કરે છે. પણ આ બધી વાત આપણે પોતાના માટે – આપણી અંદર રહેલા અહમ માટે – પણ કરી શકીએ. પોતાની જાતથી આગળ વધીને જે જોઈ શકે છે એ જ વધુ ઊંચા સ્તર પર પહોંચી શકે છે. માર્ગારેટ ફોંટેને કરેલી આ વાત મને બહુ પસંદ છે, The one important thing I have learned over the years is the difference between taking one’s work seriously and taking one’s self seriously. The first is imperative and the second is disastrous !

(ગલ = માછલી પકડવાનો આંકડો)

5 Comments »

  1. shriya said,

    March 18, 2008 @ 10:42 PM

    ચં દ્ર કાં ત ને ભાં ગી ક ણ ક ણ ખ લા સ ક રી એ ….

    એકદમ સાચી વાત છે… અહમ માણસને ખલાસ કરી નાખે છે!

  2. Pinki said,

    March 19, 2008 @ 12:36 AM

    વાહ્… ધવલભાઈ
    બહુ જ સરસ , ઉત્તમ રચના ……. !!

    અને ચંદ્રકાંતભાઈ ,
    કંઈક નવા અંદાજમાં જ ‘વેદ’ની વાત કરી…..

    self-deciplined person- એને કોઇએ
    કઈ કહેવાની જરુર ના હોય એ જાતે જ રોજ
    પોતનું analysis exploitation થાય ત્યાં સુધી કરતો જ હોય !!

    હું એવું માનતી અને આજે કણ કણ થાય સુધી કરે
    એનો પુરાવો પણ આપી દીધો…. !!

  3. વિવેક said,

    March 19, 2008 @ 2:57 AM

    સુંદર કાવ્ય… પહેલીવાર વાંચતાવેંત જ ખાસ્સું ખુલતું જણાય પણ પછી ફરીથી વાંચીએ એટલે નવી જ અને ગહન અર્થચ્છાયાઓ ઉદભવતી અનુભવાય… સમજૂતી પણ એવી જ મજાની !

  4. pragnaju said,

    March 19, 2008 @ 9:48 AM

    સંતો આ અંગે વારંવાર કહે છે કે અહમ્ કાઢવાનો નથી, અહંકાર કાઢવાનો છે.આઈ વિધાઉટ માય = ગોડ,આઈ વિથ માય = જીવાત્મા.અહંકારનો ગુણધર્મ શંુ ? પોતે કંઈ જ ના કરે છતાં ખાલી માને કે, ‘મેં કર્યું’ ! અહંકાર સૂક્ષ્મ વસ્તુ છે, ક્રિયાઓ સ્થૂળ છે.સૂક્ષ્મ, સ્થૂળ ક્રિયા કઈ રીતે કરી શકે
    પણ આ તો કવિ-પોતાની અનોખી રીતે કહે છે
    “ચંદ્રકાંતને ઝટપટ હળથી ભાંગી ખેતર સપાટ કરીએ,
    ચં દ્ર કાં ત ને ભાં ગી ક ણ ક ણ ખ લા સ ક રી એ …”
    વાહ્
    અનોખું ગીત-અનોખી સમજુતી

  5. kavita said,

    March 25, 2008 @ 9:32 PM

    very nice, keep it up

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment