જલને જાણે… – ચંદ્રકાંત શેઠ
જલને જાણે ફૂલ ફૂટિયાં,
. જલને આવ્યાં પાન,
જલને આવ્યું જોબન,
. એનો ઊઘડ્યો અઢળક વાન. –
જલ ચાલ્યું ત્યાં રેલો ફૂટયો,
. જલ નાચ્યું ત્યાં ઝરણું,
ભયું સરોવર, જલ જ્યાં મીંચી
. આંખ માણતું સમણું. –
જલ તો મીઠા તડકે નાહ્યું,
. કમલસેજમાં પોઢ્યું,
કોક મોરને ટહુકે જાગ્યું,
. હસતું દડબડ દોડ્યું ! –
ટપ ટપ ટીપાં ટપકે,
. જલની આંખો સાથે ઝબકે,
કરતલમાં જ્યાં ઝીલો,
. મોતી મનમાં સીધાં સરકે. –
ભીતર બેઠાં રાજહંસને પરશે જ્યાં એ મોતી,
રાજહંસ મોતીમાં છૂપ્યું માનસ રહેતાં ગોતી.
– ચંદ્રકાન્ત શેઠ
ખૂબ જ જાણીતી અને માણીતી રચના. વરસાદની ઋતુમાં આકાશથી વરસતું જળ સમગ્ર સૃષ્ટિના નવોન્મેષનું કારણ બને છે એમાં કોઈ નવી વાત નથી, પણ કવિતા ત્યારે બને છે જ્યારે કવિ સૃષ્ટિના સ્થાને ખુદ જળનો જ નવોન્મેષ થતો જુએ છે. વરસાદમાં ફૂલ-પાન ફૂટવાથી ઝાડ-છોડનું જોબન ખીલે છે ને વાન ઊઘડે છે, પણ કવિ ફૂલ-પાનની સોબતમાં જળનો જ વાન ઊઘડતો જુએ છે. સાચું છે… કોઈને નવજીવન આપવામાં આપણે કારણભૂત બનીએ ત્યારે જેને નવજીવન મળે એ તો ખીલી જ ઊઠે પણ આપણને પણ કેવો પરિતોષ થતો હોય છે! બસ, આ જ પરિતોષ કવિ જળમાં જીવંત થતો જોઈ શકે છે. આ દૃષ્ટિ જ કવિને સામાન્યજનથી અલગ તારવી આપે છે ને! ગીતમાં આગળ કવિ જળના નાનાવિધ સ્વરૂપોને પોતાની આગવી અનૂઠી રીતે નવ્યઓપ આપે છે જે ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે. જળબુંદને આપણે જ્યારે હથેળીમાં ઝીલીએ છીએ ત્યારે એનો સ્પર્શ હાથ અને હૈયા –બંનેમાં અનુભવાય છે. જળબુંદની ભીનાશ, કુમાશ અને તાજગી મનના માનસરોવરમાં તરતા રાજહંસને સ્પર્શે છે અને રાજહંસને, આત્માને જીવનના અર્થ સાંપડે છે… ન્હાનાલાલના ‘જયા-જયન્ત’માં જયાનું એ ગાન -‘અમારાં નીર આ સુહાવો, ઓ રાજહંસ ! હૈયાને સરોવરે આવો; હૈયાને સરોવરે આવો’- યાદ આવ્યા વિના રહેતું નથી. .
Varij Luhar said,
September 16, 2023 @ 12:29 PM
વાહ.. ખૂબ સરસ ગીત અને આસ્વાદ
મને આ ગીત ખૂબ જ ગમ્યું કારણ કે
મારા ગઝલ સંગ્રહનું નામ ‘ જલરવ ‘
છે.
સંજુ વાળા said,
September 16, 2023 @ 12:49 PM
વાહ વાહ
સરસ ગીત
જળનું છે. એણે પ્રવાહી હોવું ફરજિયાત છે.
અને એ એની સાંગીતિક ચાલ અને કલ્પનોનું નૃત્ય જ અહીં આપણા ભાવનભૂમિના મોટા ટેકા છે.
ધન્યવાદ કવિ.
આપને પણ
🌹
Pragnaju said,
September 16, 2023 @ 6:40 PM
કવિશ્રી ચંદ્રકાંત શેઠનુ ‘જલને જાણે ફૂલ ફૂટિયાં’ સુંદર મધુરું ગીત
કવિ ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
માણો …
સુષમ પોળ said,
September 16, 2023 @ 9:22 PM
વાહ! ખૂબ સુંદર રચના અને આસ્વાદ
Poonam said,
September 26, 2023 @ 11:55 AM
રાજહંસ મોતીમાં છૂપ્યું માનસ રહેતાં ગોતી.
– ચંદ્રકાન્ત શેઠ – વાહ !
Aaswad 😊