એક સાંજે ઓરડાને પણ થયું,
કે નિરાંતે આંગણામાં બેસીએ!
રમેશ પટેલ ‘ક્ષ’

રાત્રી થતાં… – ચંદ્રકાન્ત શેઠ

રાત્રી થતાં જગત ઊજળું જાય ડૂબી,
અંધારનાં ફરી વળી જળ લે ઉછાળા:
કૈં ઊજળા થર ચઢ્યા મુજને યુગોના
ધોવાઈ જાય : છતું થાય સ્વરૂપ મારું
પ્રાચીન અશ્મયુગનું : ઘર મારું લાગે
ઊંડી ગુહા : ઘરની એકલતા રડે છે
કો’ શ્વાન જેમ મુખ ઊર્ધ્વ કરી નિશાએ.

શી પ્રેતની ગુસપુસો મુજ આજુબાજુ
ને હવા પરશતાં લહું : ગંધ મીઠી
લે મારી હિંસ્ર પશુ કો’ કરી નાક ઊંચું.
રે એ જ આ પશુ હવે મુજમાંથી આવે-
ધીમે બહાર : ડગલે દૃઢ ચાલ્યું આવે
મારા પ્રતિ : સ્થિર વિલુબ્ધ દૃગે મને જ
તાક્યાં કરે….!

કૈં કેટલાય યુગથી આમ જ એ મને તો
.                                    તાક્યાં કરે…!

– ચંદ્રકાન્ત શેઠ

રાતની પીંછી દુનિયાને એકરૂપ કરી દે છે. અજવાળામાં સજીવો અને નિર્જીવોને આકાર-કદ વગેરેના કારણે અલગ અલગ ઓળખાણ સાંપડે છે, પરંતુ અંધકાર બધા વચ્ચેના ભેદભાવ ઓગાળી દે છે. જ્યારે આંખો કશું જ જોઈ શકવા સમર્થ રહેતી નથી, ત્યારે માણસ પોતાને જોઈ શકે છે. દિવસના અજવાળામાં માણસ સ્વયં ઉપર થરના થર ચડાવી રાખી જીવતો રહે છે. રાતના અંધારામાં આ તમામ થર ધોવાઈ જાય છે. રાતનું આ અંધારું એકલતાનું પણ પ્રતીક છે. કોઈ પોતાને જોઈ શકનાર નથી એની પ્રતીતિ થાય એ ઘડીએ માણસનો ખરો રંગ, એની અંદરનું હિંસક પશુ પ્રગટે છે. વિલિયમ ગોલ્ડિંગની બહુખ્યાત નવલકથા ‘લૉર્ડ ઑફ ફ્લાઇઝ’ આ તબક્કે તરત જ યાદ આવે, જેમાં એક ટાપુ પર સભ્ય સમાજથી અળગા પડી ગયેલ તરુણો અસ્તિત્ત્વના સંઘર્ષની કગાર પર આવીને ઊભા રહે છે ત્યારે એમની અસલિયત પ્રકાશે છે. ઈશ્વરના દૂત ગણાતા બાળકોની ભીતર પણ કેવું ખતરનાક પ્રાણી જીવે છે એ જોઈને લોહી થીજી જાય છે. પ્રસ્તુત રચનામાં પણ કવિએ અંધારાને પ્રતીક બનાવીને આ સત્ય ઉપર જ પ્રકાશ ફેંકવા ચાહ્યું હોય એમ જણાય છે.

5 Comments »

  1. Harsha Dave said,

    September 27, 2024 @ 5:06 PM

    વાહ… સુંદર રચના

  2. દમયંતી બારોટ said,

    September 27, 2024 @ 5:09 PM

    વાહ….
    કેવી ઊંડી વાત.
    રે એ જ પશુ મુજ માંથી આવે….
    અદભુત.
    આટલું બસ સમજાઈ જાય…

  3. પ્રભાકર ધોળકિયા.સુરત said,

    September 27, 2024 @ 5:33 PM

    મોજ પડી ગઇ.અંધકારનુ નિરાળું રૂપ

  4. અસ્મિતા શાહ said,

    September 27, 2024 @ 6:22 PM

    આહાહા ! આટલી જાગરુકતા આવ્યા પછી શું બાકી રહે…આહ અનેવાહ
    બહુ વાગ્યું

  5. Ramesh Maru said,

    September 27, 2024 @ 7:00 PM

    વાહ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment