ના ઉંબરે, ન બ્હાર, ન ઘરમાં હતા અમે
શબ્દોની કોઈ ગેબી અસરમાં હતા અમે.
– આશ્લેષ ત્રિવેદી

ગમે શિયાળુ તડકો! – ચંદ્રકાન્ત શેઠ

ગમે શિયાળુ તડકો,
લાડુ સાથે ગરમ દાળનો જેવો હોય સબડકો!

કૈલાસેથી શિવના તપની ઉષ્મા સ્પર્શે જાણે!
માતાની છાતીની હૂંફ શું તનમન બંને માણે!
સૂરજ શિયાળે અચ્છો લડકો! રમીએ અડકોદડકો!

ચંદન જેમ ઉનાળે, તડકો ગમતો એમ શિયાળે!
ઠંડીને વળગીને તડકો મલકે વ્હાલે વ્હાલે!
શરારતી થઈ તડકો કેવો મને ભેટવા અડક્યો!

શિયાળાની ડોકે સગડી તડકો લાગે એવો!
ફૂલ ખીલવી શૈશવ-ગાલે તડકો મલકે કેવો!
શેડકડું દૂધ પીવા અહીં શું આવ્યો છે ફક્કડ કો!

– ચંદ્રકાન્ત શેઠ

આમ તો શિયાળો સમય પહેલાં ઓસરી ગયો છે અને ઉનાળો આવે એ પહેલાં ચોમાસુ અવારનવાર ડોકિયાં કરી રહ્યું છે. પણ કવિતાની ખરી મજા એ છે કે સમય એને સ્પર્શી શકતો નથી. કવિતા ભરશિયાળે ગરમાટો આપી શકે અને ભરઉનાળે ટાઢકથી નવડાવી શકે. શિયાળુ તડકાની વાત કરતા આ ગીતની ખરી મજા કૈલાસ અને શિવના એક રૂપકને બાદ કરતાં રોજિંદી જિંદગીની ઘટમાળમાંથી શોધી કઢાયેલ રૂપકોમાં છે. એક જ દાખલો લઈએ- લાડુ સાથે ગરમ દાળના સબડકા જેવું અદભુત રૂપક ગુજરાતી કવિતાએ કેટલીવાર ચાખ્યું હશે, કહો તો!

6 Comments »

  1. સુનીલ શાહ said,

    April 7, 2023 @ 12:39 PM

    મજાનું ગીત

  2. Rahul turi said,

    April 7, 2023 @ 1:22 PM

    સરસ

  3. Varij Luhar said,

    April 7, 2023 @ 1:53 PM

    વાહ.. ખૂબ સરસ કાવ્ય અને આસ્વાદ

  4. pragnajuvyas said,

    April 7, 2023 @ 8:39 PM

    મજાના ગીતનો સ રસ આસ્વાદ
    આ ગીત અંગે માણવા જેવો પાઠનો પ્રશ્નપત્ર…
    ધોરણ ૭ ગુજરાતી દ્વિતીય સત્ર પાઠ : ૧૮ સોના જેવી સવાર
    egujaratishala.com
    https://www.egujaratishala.com › bl…
    https://www.egujaratishala.com/2021/04/blog-post_42.html

  5. pragnajuvyas said,

    April 7, 2023 @ 8:54 PM

    મજાના ગીતનો સ રસ આસ્વાદ
    માણવા જેવો
    ધોરણ ૭ ગુજરાતી દ્વિતીય સત્ર પાઠ : ૧૮ સોના જેવી સવાર

  6. kishor Barot said,

    April 8, 2023 @ 12:32 PM

    લાડુ સાથે ગરમ દાળના લિજ્જતભર્યા સબડકા જેવું કાવ્ય. 👌
    મોજ પડી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment