આકાશનો સોદો – ચંદ્રકાન્ત શેઠ
સાંકડી શેરીમાં આકાશ વેચવા નીકળેલો હું !
મને સાંકડી શેરીના લોકોએ ગાંડો માન્યો,
મારો હુરિયો બોલાવ્યો,
મને ધક્કે ચડાવ્યો,
મને પથ્થર માર્યા,
મારાં લૂગડાં ફાડ્યાં,
મારી મુઠ્ઠી છોડાવવા પ્રયત્ન કર્યો,
પણ આકાશ ઓછું જ હોઈ શકે મુઠ્ઠીમાં ?
બિચારા સાંકડી શેરીના લોકો !
એમને ખબર નથી
કે આકાશ કંઈ ખિસ્સામાં, પોટલીમાં કે પેટીમાં કે મુઠ્ઠીમાં આવી શકતું નથી !
આકાશ તો એમની આંખોના ઢળેલાં પોપચાં ઊંચાં કરીને હું બતાવવાનો હતો.
આકાશ તો એમને મળવાનું હતું એમનું એમ !
આકાશ વેચવાનું તો એક બહાનું જ હતું માત્ર !
પણ સાંકડી શેરીના લોકો !
મને શેરી બહાર કાઢી
સૂઈ ગયા બારી-બારણાં વાસી ગોદડામાં મોં ઘાલી.
હું ફરીથી ઘસડાતો ઘસડાતો
આકાશ આજે નહીં તો કાલે વેચાશે એવી આશાએ સંકલ્પપૂર્વક લેવા લાગ્યો સુદીર્ઘ શ્વાસ !
આ તો સાંકડી શેરીના લોકો
ને આકાશનો સોદો !
સહેજમાં પતે કે?
-ચંદ્રકાન્ત શેઠ
શ્રી ચંદ્રકાન્ત શેઠનો જન્મ વૈષ્ણવવણિક કુટુંબમાં તા. ૦૩-૦૨-૧૯૩૮ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ મુકામે. વતન ખેડા જિલ્લાનું ઠાસરા. એમ.એ., પી.એચ.ડી. સુધીનો અભ્યાસ અને અધ્યાપનનો વ્યવસાય. અગ્રણી કવિ, વિવેચક, નિબંધકાર, સંપાદક અને અનુવાદક. વાર્તા, નાટકો અને બાળગીત ક્ષેત્રે પણ મહત્ત્વનું પ્રદાન. એમના કાવ્યોમાં જીવનની કૃતકતા અને અસ્તિત્વના બોદાપણાનો વસવસો છલકાતો નજરે ચડે છે. લય ને કલ્પનોની તાજગી એ એમના કાવ્યોનો મુખ્ય આયામ છે.
(કાવ્યસંગ્રહો: પવન રૂપેરી, ઊઘડતી દીવાલો, પડઘાની પેલે પાર, ગગન ખોલતી બારી, એક ટહુકો પંડમાં, શગે એક ઝળહળીએ, ઊંડાણમાંથી આવે ઊંચાણમાં લઈ જાય…, જળ વાદળ ને વીજ.)
pragnajuvyas said,
November 30, 2007 @ 9:46 AM
આટ આટલા દુઃખ પડ્યા છતાં આકાશનો સોદો સાંકડી શેરીના લોકો પાસે સહેજે પતે કે? તેમાં ભારોભાર આશાવાદ છે. તેમનાં જ શબ્દોમાં કહીએ તો
પોતિકું જે, સહેજમાં પામી લિયે,
મૂળમાં ઊતરી ઊંડેથી સાદ કર.
સુંદર અછાંદસ લયબધ્ધ કાવ્ય
ધવલ said,
November 30, 2007 @ 12:14 PM
મોટા ભાગની વૈચારિક લડતો – સાંકડી શેરીમાં આકાશના સોદા – સમાન જ હોય છે. પહાડ હટાવવો સહેલો છે, મન ઊઘાડવા અઘરા છે ! લોકો સાંકડા મન ખોલવાનો ઈનકાર કરે તો પણ આપણે આકાશ વેચવાની ઈચ્છા છોડવાની જરૂર નથી… આજે નહીં તો કાલે એ બધા…
હેમંત પુણેકર said,
December 1, 2007 @ 8:31 AM
ખૂબ સુંદર કાવ્ય!