આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે
કોઈ આવ્યા છે સપનું લૈને, કોઈ રાત લઈને આવ્યા છે.
રમેશ પારેખ

વધતો જાય છે…. – પારુલ ખખ્ખર

આખરી ક્ષણ છે, દીવાનો ઠાઠ વધતો જાય છે,
‘જીવવું છે,જીવવું છે’- જાપ વધતો જાય છે.

જીવ ચાંચૂડી ઘડાવીને થઈ જા સાબદો!
ઊડવું પડશે, દિશાનો દાબ વધતો જાય છે.

હણહણે છે પણ નથી છોડી શક્યો ઘોડારને,
એક ડગ ચાલ્યો નથી ને થાક વધતો જાય છે.

ઘાસ,પીંછા,ફોતરા જેવો બધો સામાન છે,
તે છતાંયે પોટલાનો ભાર વધતો જાય છે.

કામળી તું ઓઢ ‘પારુલ’,કાં સ્વીકારી લે હવે,
જે હતો ટપકું કદી, એ ડાઘ વધતો જાય છે.

– પારુલ ખખ્ખર

દરેક શેર એક ઊંડા અર્થથી સભર છે. જેમ કે ચોથો શેર – આમ જૂઓ તો કોઈપણ સરસામાનનો કોઈ મતલબ નથી-એક દિવસ બધું અહીં જ રહી જવાનું છે, પણ “પોટલાનો ભાર” એટલે કે મમત્વ વધતું જ જાય છે…. બીજા અર્થમાં – સમજણ એક પાઈની નથી આવી મારામાં, જે સમજણ છે એવું ભાસે છે તેનું કોઈ વજૂદ નથી. પણ મારા અહંકારના પોટલાનો ભાર વધતો જ જાય છે….

1 Comment »

  1. pragnajuvyas said,

    June 21, 2023 @ 2:18 AM

    કવયિત્રી પારુલ ખખ્ખરની હ્રુદય-દ્રાવક ગઝલ
    ડૉ તીર્થેશજીનો સ રસ આસ્વાદ
    મત્લા પર જ કુરબાન થઈ જવાય. બુઝાવાની ક્ષણે દીવો વધુ ભભૂકે એ આપણે સહુ જાણીએ છીએ પણ આ ઘટનાને જિજિવિષા સાથે સાંકળી લઈને કવયિત્રીએ કમાલ કરી છે. બધા જ શેર એટલા સહજ અને એટલા મર્મસભર છે કે વાંચતાવેંત જ આફરીન પોકારી જવાય.
    ઘાસ,પીંછા,ફોતરા જેવો બધો સામાન છે,
    તે છતાંયે પોટલાનો ભાર વધતો જાય છે.આસ્વાદમા જણાવ્યા પ્રમાણે અહંકારના પોટલાનો ભાર એક પરિમાણથી બીજા પરિમાણમાં સંક્રમણ કરવામાં આવે ત્યારે,
    જ્યારે કોઈ સ્થળમાં પ્રવેશે છે જેના વિષે તમને કઈ પણ ખબર નથી ત્યારે, લોકો અજાણતા કોઈ એવી વસ્તુ સાથે વળગી રહે છે જેનાથી તેઓ પરિચિત છે, તેને જવા દેવાનો ઇનકાર કરે છે. તેઓ ભૂતકાળની કોઈ વસ્તુ, અથવા કંઈક કે જે તેઓએ શીખ્યા, અથવા કંઈક કે જેનો આનંદ માણ્યો હશે, તેને પકડી રાખશે.
    જો તમે તેમને સ્વર્ગમાં લઈ જાઓ, ત્યાં પણ તેઓ કંઇક વસ્તુઓ સાથે વળગી રહેશે. તે કામળી જેવી કોઈ સરળ વસ્તુ પણ હોઈ શકે છે જેનો તેઓ ઉપયોગ કરે છે. અથવા તેઓ કોઈ નિશ્ચિત સ્થળને પોતાનું જ વિચારે છે અને તે સ્થળે ફક્ત બેસીને ધ્યાન કરશે.જો પોટલુ છોડો તો તેઓ મોક્ષ પ્રાપ્ત કરી લેશે.માનવ શરીર દરેક ક્ષણે મરણ તરફ દોરાય છે, અને મન, મૂંઝવણની તીવ્ર દિશા તરફ દોરાય છે. ઉત્સાહ વિના, માનવ જીવન ખરેખર અશક્ય હશે.કેટલાક તેને પ્રેમ દ્વારા શોધે છે.તો કેટલાને મદકતાની જરૂર છે. આ જ મદકતા જે તેમને ઉત્સાહી અને નિષ્પક્ષ બનાવે – જીવન સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલું, તે છતાં તેનાથી અપ્રભાવિત.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment