નથી – પારુલ ખખ્ખર
અર્થ વગરની આવન-જાવન પારુલને મંજૂર નથી,
તમને લાગે છો મનભાવન, પારુલને મંજૂર નથી.
હોય ન જેમાં આંસુ-પીડા, હોય ન જેમાં વિરહ સજનનો,
એવા ફિક્કા ફિક્કા સાવન પારુલને મંજૂર નથી.
રાસે રમતાં ગોપ-ગોપીકા, હોય ભલેને બંસીના સૂર,
કૃષ્ણ નથી જ્યાં એ વનરાવન પારુલને મંજૂર નથી.
સાથે ડૂબી, તરતાં શીખવે, પાર ઉતારે – એ છે સાચા,
તીર ઉભેલા પતિત-પાવન પારુલને મંજૂર નથી.
એવું કંઈક લખાવો, સ્વામી! જેની કિંમત કોટિ કોટિ,
ક.ખ.ગ.ના ફદિયા બાવન પારુલને મંજૂર નથી.
– પારુલ ખખ્ખર
ગીતનું ધ્રુવપદ હોય કે ગઝલની રદીફ, સર્જકને હરહંમેશ કંઈક નવીન, કંઈક અનૂઠાની તલાશ રહે છે. ઘણીવાર સર્જક પોતાના નામને જ અવનવી રીતે કવિતાના તારમાં વણી લઈને ભાવકને સાનંદાશ્ચર્યાની ભાવાનુભૂતિ પણ કરાવતો હોય છે. સુરતના નયન દેસાઈએ પોતાના નામને ખૂબ લાડ લડાવ્યા છે: ‘નયન દેસાઈ એસ.એસ.સી.’, ‘ચાલ નયન. એક ચા મંગાવ.’ ‘C/o નયન દેસાઈ’ ચાર ફૂટ ને પાંચ ઈંચનો આ નયન, લોહી વચ્ચેથી નીકળીને નાઠો ‘નયન’ નાગડો પૂગડો, સાંભળીને લોક વદે બોલો, હે ‘નયનરામ’. અમરેલીના પારુલ ખખ્ખરની રચનાઓમાં પણ ક્યારેક આ પ્રકારની વિધા નજરે ચડે છે- ‘પારુલને મંજૂર નથી,’ ‘પારુલ ખખ્ખર! જવાબ આપો,’ ‘પારુલદે મરશિયાં ગાય…,’ ‘પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા’
પારુલને મંજૂર નથી કહીને સર્જક પોતાની અપેક્ષાઓની યાદી આપણને આપે છે, ત્યારે એ વૈયક્તિક નથી રહેતી. સ્વાનુભૂતિ સર્વાનુભૂતિ બની જાય છે, પરિણામે રચના વાંચતાવેંત ગમી જાય છે. બધા જ શેર ઉમદા થયા છે, પણ મને કખગના બાવન ફદિયા કોટિ કોટિ કિંમતનો શેર લાગ્યો.
મત્લા સિવાય ગઝલના તમામ ઉલા મિસરામાં એક ગુરુ વધારાનો છે એ મને અંગત ધોરણે બહુ ન રુચ્યું એ અલગ વાત છે.
(ફદિયું = ચાર પાઈ, જૂનો પૈસો; કોટિ = કરોડ)


હર્ષદ દવે said,
August 28, 2025 @ 11:21 AM
સરસ ગઝલ. કવિ અને આસ્વાદકને અભિનંદન.
અહીં કવિશ્રી મહેન્દ્ર જોશીની ‘હરગિજ મને મંજૂર નથી’ રદીફ વાળી ગઝલ યાદ આવે.
આ લોહી લવકતા પંજાઓ હરગિજ મને મંજૂર નથી
આ આંખ ઉપરના પાટાઓ હરગિજ મને મંજૂર નથી
માધવી ભટ્ટ said,
August 28, 2025 @ 11:57 AM
સાદ્યંત સુંદર રચના..આવનજાવન ,કૃષ્ણ વિનાનું વનરાવન ,તીરે ઉભેલા
પતિતપાવન અને ક , ખ , ગ ના ફદિયા બાવન અદભૂત વાત કરી છે.
.
પારુલ બેન નું સુરેખ , સ્પષ્ટ , ધારદાર કવન…ખૂબ સરસ રચના.
Parulnayak said,
August 28, 2025 @ 12:00 PM
નાઝિર દેખૈયાની મને મંજૂર નથી યાદ આવે! સરસ ગઝલ છે અને એનું વિવરણ પણ સરસ રીતે કર્યું છે.
Nirja parekh said,
August 28, 2025 @ 12:37 PM
વાહ..વાહ
લલિત ત્રિવેદી said,
August 28, 2025 @ 2:43 PM
सरस ગઝલનો અસલ મિજાજ…શાનદાર ગઝલ
Sejal Desai said,
August 28, 2025 @ 4:22 PM
વાહ..ખૂબ સરસ ખુમારીસભર ગઝલ
Ramesh Maru said,
August 28, 2025 @ 8:40 PM
મજાની ગઝલ…
વિપુલ કાંતિભાઈ વાઘેલા said,
September 4, 2025 @ 11:44 PM
મંજૂરી માંગે છે એને મંજૂરી મળશેય ખરી ?
એની અંદર ચાલી રહેતી મજબૂરી કળશેય ખરી ?
ભીના ભીના વાદળ ગાજે સુક્કા પ્રેમને ભીંજાવવા,
ભર તડકે હવાની લહેરખી થઈ અને અડશેય ખરી ?
વિપુલ કાંતિભાઈ વાઘેલા said,
September 4, 2025 @ 11:49 PM
મંજૂરી માંગે છે એને મંજૂરી મળશેય ખરી ?
એની અંદર ચાલી રહેતી મજબૂરી કળશેય ખરી ?
ભીના ભીના વાદળ ગાજે સુક્કા પ્રેમને ભીંજાવવા,
ભર તડકે હવાની લહેરખી થઈ અને અડશેય ખરી ?
-✍️વિપુલ વાઘેલા…
વિપુલ કાંતિભાઈ વાઘેલા said,
September 5, 2025 @ 7:12 AM
ખુબ સરસ રચના છે….
રચના અનુરૂપ પ્રત્યુત્તરનો નાનકડો પ્રયાસ
મંજૂરી માંગે છે એને મંજૂરી મળશેય ખરી ?
એની અંદર ચાલી રહેતી મજબૂરી કળશેય ખરી ?
ભીના ભીના વાદળ ગાજે સુક્કા પ્રેમને ભીંજાવવા,
ભર તડકે હવાની લહેરખી થઈ અને અડશેય ખરી ?
-✍️વિપુલ વાઘેલા…
Sandip Bhatia said,
October 14, 2025 @ 9:52 PM
ખૂબજ સુંદર ગઝલ !!!
એકે એક શેર ટકોરાબંધ છે.
અભિનંદન પારૂલ ખખ્ખર!
dhirumakwana75@gmail.com said,
July 8, 2026 @ 10:56 AM
શેરની ‘ચોટ’ (Punchline) નો અભાવ
ગઝલનો નિયમ છે કે તેનો દરેક શેર પોતાનામાં એક આખી કવિતા છે. એની પહેલી પંક્તિ વાચકને પકડી રાખે અને બીજી પંક્તિમાં એવી ‘ચોટ’ કે ચમકારો હોય જે વાચકના દિલને સીધો સ્પર્શે. અહીં વિચારો એટલા સપાટ અને પૂર્વાનુમાનિત છે કે ક્યાંય પણ ‘વાહ’ નીકળતો નથી.
રદીફનો પરાણે વહેવાર
”પારુલને મંજૂર નથી”
જ્યારે રદીફ આટલી લાંબી અને કોઈ વ્યક્તિના નામ વાળી હોય, ત્યારે કવિ પાસે બહુ ઊંડી સર્જનાત્મક ધીરજ હોવી જરૂરી છે. અહીં એવું લાગે છે કે કવિએ રદીફને શેરમાં ઓગાળવાને બદલે, માત્ર પ્રાસ મેળવવા માટે પંક્તિના અંતે પરાણે ચોંટાડી દીધી છે. રદીફ અહીં શેરના ભાવને ઊંચકતી નથી, ઊલટાનું તેને વધુ બોજિલ બનાવે છે.
ઘસાઈ ગયેલા કાફિયા (Clichés)
’આવન-જાવન’, ‘મનભાવન’, ‘સાવન’, ‘વનરાવન’, ‘પતિત-પાવન’ – આ બધા કાફિયા એટલા પ્રચલિત અને ઘસાઈ ગયેલા છે કે તેમાં કશું જ નવું નથી. વળી, કૃષ્ણ સાથે ‘વનરાવન’ અને પાપ સાથે ‘પતિત-પાવન’ જોડવું એ બહુ પ્રાથમિક કક્ષાની તુકાબંધી છે, ઉચ્ચ સ્તરની શાયરી નથી.
ગઝલના સ્થાને ‘ગીત’ કે ‘પદ’નો મિજાજ
ગઝલમાં એક ગંભીરતા, સૂક્ષ્મતા અને આડકતરો ઈશારો (ગુઢતા) હોય છે. આ રચના વાંચતા એવું લાગે છે કે કોઈ ભજન, પદ કે ગીત લખાયું છે જેમાં માત્ર લય સાચવવાનો પ્રયત્ન થયો છે.
—માત્ર કાફિયા-રદીફ ગોઠવી દેવાથી ગઝલ નથી બનતી. આ રચના માત્ર એક ‘તુકાબંધી’ અથવા ‘પદ્ય’ છે, તેને ગઝલનું સન્માન આપવું એ ગઝલ વિધા સાથે અન્યાય ગણાશે.